સોનાલી ફોગાટની હત્યા પાછળનો હેતુ શું હતો? 15 દિવસ બાદ પણ પોલીસને નથી મળ્યો જવાબ
ગોવા પોલીસ (Goa Police) લગભગ 15 દિવસથી કેસની તપાસ કરી રહી છે. આ કેસમાં પોલીસે બે મુખ્ય આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે સોનાલી સાથે સંબંધિત ઘણા દસ્તાવેજો પણ જપ્ત કરવામાં આવ્યા છે.
હરિયાણા બીજેપી નેતા અને ટિકટોક સ્ટાર સોનાલી ફોગાટના (Sonali Phogat) શંકાસ્પદ મોતના મામલામાં ગોવા પોલીસ (Goa Police) લગભગ 15 દિવસથી કેસની તપાસ કરી રહી છે. આ કેસમાં પોલીસે બે મુખ્ય આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે સોનાલી સાથે સંબંધિત ઘણા દસ્તાવેજો પણ જપ્ત કરવામાં આવ્યા છે. આ પછી પણ પોલીસ સોનાલીની હત્યા પાછળનું કારણ જાણી શકી નથી. એવી અટકળો હતી કે સોનાલીની હત્યા પાછળ આર્થિક કારણ અથવા તેણીની રાજકીય કારકિર્દી હશે, પરંતુ હાલ આ મામલે શંકા છે.
ગોવાના માપુસાના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસે શનિવારે સુધીર સાંગવાન અને હત્યાના મુખ્ય આરોપી સુખવિંદર સિંહને 13 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે. જણાવી દઈએ કે સોનાલીને 23 ઓગસ્ટના રોજ ગોવાના અંજુનામાં એક ખાનગી હોસ્પિટલમાં લાવવામાં આવી હતી જ્યાં હોસ્પિટલે તેને મૃત જાહેર કરી હતી.
પોલીસ અંગત વિગતો પણ ચકાસી રહી છે
મંગળવારે પોલીસે જપ્ત કરાયેલા દસ્તાવેજોની ચકાસણી માટે આરોપીને બે દિવસની કસ્ટડીમાં રાખ્યો હતો. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, અમે ફોગાટની અંગત ડાયરી અને દસ્તાવેજો જોઈ રહ્યા છીએ પરંતુ અમે એ નિષ્કર્ષ કાઢવામાં સક્ષમ નથી કે હત્યાનું કારણ આર્થિક લાભ હતું કે પછી તેની રાજકીય કારકિર્દીનો અંત લાવવાનો હતો.
ગોવા પોલીસે લગભગ એક અઠવાડિયા સુધી હરિયાણામાં રહીને ફોગાટના ઘરેથી 5 અંગત ડાયરી અને અનેક દસ્તાવેજો જપ્ત કર્યા હતા. એટલું જ નહીં પોલીસે સોનાલીના પરિવારજનોના નિવેદન પણ નોંધ્યા છે. પોલીસે સોનાલીના બેંક એકાઉન્ટ સ્ટેટમેન્ટ પણ ડાઉનલોડ કરી લીધા છે. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, અમે કેસમાં વધુ પુરાવા એકત્રિત કરવાનું ચાલુ રાખીશું અને તમામ પાસાઓની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે.
આર્થિક કારણો પર શંકાની સોય
સોનાલીના ભાઈએ હત્યા કેસની સીબીઆઈ (CBI) તપાસની માગ કરી હતી. તેણે આરોપ લગાવ્યો હતો કે સોનાલીની હત્યા તેની સંપત્તિ હડપ કરવા, નાણાકીય સંપત્તિ લેવા અને તેની રાજકીય કારકિર્દી ખતમ કરવા માટે કરવામાં આવી હતી. શરૂઆતમાં, ગોવા પોલીસે આ કેસમાં અકુદરતી કારણોસર મૃત્યુનો મામલો ફાઈલ કર્યો હતો. બાદમાં હત્યાનો ગુનો નોંધી બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. ગોવાના પોલીસ મહાનિરીક્ષક ઓમવીર સિંહ બિશ્નોઈએ કહ્યું કે હાલમાં તપાસના આધારે આર્થિક કારણોસર હત્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.