Corona Virus: કોવિડના નવા લક્ષણો શું છે અને તે કેટલા ખતરનાક છે? જાણો ડોક્ટરે શું કહ્યું
ભારતમાં કોવિડ-19ના કેસ ફરી એકવાર ઝડપથી વધી રહ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, 31 મે, 2025 સુધીમાં દેશમાં કોવિડના સક્રિય કેસ 2710 પર પહોંચી ગયા છે. આવી સ્થિતિમાં, ચાલો ડૉક્ટર પાસેથી જાણીએ કે કોરોનાના નવા વેરિયન્ટથી આપણે કઈ રીતે સાવચેત રહેવું જોઈએ.

ભારતમાં કોવિડ-19ના કેસ ફરી એકવાર ઝડપથી વધી રહ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, 31 મે, 2025 સુધીમાં દેશમાં કોવિડના સક્રિય કેસ 2710 પર પહોંચી ગયા છે. જો કે, આ સમયે ઘણા લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે.
જણાવી દઈએ કે, આમાંના મોટાભાગના લોકો એવા છે કે જેઓ પહેલાથી જ બીજી કોઈ ગંભીર બીમારીથી હેરાન થઈ રહ્યા હતા. કોવિડનું નામ સાંભળતાની સાથે જ લોકોના મનમાં 2020 અને 2021ના ખરાબ વિચારો આવવા લાગે છે. આવી સ્થિતિમાં, ચાલો ડૉક્ટર પાસેથી જાણીએ કે કોરોનાના નવા વેરિયન્ટથી આપણે કઈ રીતે સાવચેત રહેવું જોઈએ.
રાજ્યોમાં કોવિડ-19ના કેટલા કેસ છે?
આરોગ્ય મંત્રાલયના આંકડા અનુસાર, દેશમાં કુલ 2710 સક્રિય કોવિડ કેસ નોંધાયા છે. આમાંથી, કેરળમાં સૌથી વધુ 1,147 કેસ છે, ત્યારબાદ મહારાષ્ટ્રમાં 424, દિલ્હીમાં 294, ગુજરાતમાં 223, તમિલનાડુ અને કર્ણાટકમાં 148 કેસ છે. આ ઉપરાંત, પશ્ચિમ બંગાળમાં 116, રાજસ્થાનમાં 51, ઉત્તર પ્રદેશમાં 42, પુડુચેરીમાં 35, હરિયાણામાં 20, આંધ્ર પ્રદેશમાં 16, મધ્ય પ્રદેશમાં 10, ગોવામાં 7, ઓડિશામાં 5, પંજાબ અને જમ્મુ અને કાશ્મીરમાં 4-4, છત્તીસગઢ અને તેલંગાણામાં 3-3, અરુણાચલ પ્રદેશમાં 3, આસામ અને મિઝોરમમાં 2-2, ચંદીગઢ અને ઉત્તરાખંડમાં અનુક્રમે 1-2 કેસ નોંધાયા છે.
નિષ્ણાતોનું શું માનવું છે?
નિષ્ણાતો માને છે કે, પરિસ્થિતિ હજુ ચિંતાજનક બની નથી. દિલ્હીની સર ગંગા રામ હોસ્પિટલના નિષ્ણાત ડૉ. ઉજ્જવલ પ્રખરના જણાવ્યા અનુસાર, કોવિડ હવે સામાન્ય વાયરલ ચેપની જેમ વર્તે છે. કોરોના વાયરસના લક્ષણો પહેલા ગંભીર હતા, જેમ કે સ્વાદ અને સુગંધની ક્ષમતા ગુમાવવી પરંતુ હવે તેના લક્ષણો સામાન્ય વાયરલ ઇન્ફેક્શન જેવા થઈ ગયા છે. ટૂંકમાં કહીએ તો, ઉધરસ, શરદી અને તાવ.
ડૉ. ઉજ્જવલે જણાવ્યું હતું કે, વૃદ્ધો અને બાળકોમાં રોગપ્રતિકારક શક્તિ નબળી હોવાને કારણે તેમને કોવિડ કે અન્ય કોઈ ચેપની અસર જલ્દી થઈ શકે છે. ખાસ કરીને એવા લોકોમાં ખાસ કે જેઓ પહેલેથી જ અન્ય રોગથી પીડાઈ રહ્યા છે.
ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના ડાયરેક્ટર જનરલ ડૉ. રાજીવ બહલે પણ જણાવ્યું હતું કે, હાલમાં ફેલાઈ રહેલા ઓમિક્રોનના સબ-વેરિયન્ટ (LF.7, XFG, JN.1, અને NB.1.8.1) ગંભીર નથી. આ વેરિયન્ટ ભારતમાં તાજેતરના કેસો માટે જવાબદાર છે પરંતુ તેનાથી કોઈ ગંભીર રોગ થશે તેવી શક્યતા ઓછી છે. નિષ્ણાતો કહે છે કે, 140 કરોડની વસ્તીમાં 2710 કેસ નજીવા છે, તેથી ગભરાવાની જરૂર નથી.
રાખો આટલી સાવચેતી
છેલ્લા કોવિડ વેવ દરમિયાન સરકારે કડક પ્રોટોકોલ લાગુ કર્યા હતા. જેમાં સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક પહેરવા અને લોકડાઉન વગેરે જેવી બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જો કે, વર્તમાન પરિસ્થિતિમાં આવા કડક પગલાં લેવાની જરૂર નથી.
ડૉ. ઉજ્જવલે કહ્યું છે કે, જે લોકો બીમાર છે તેઓએ પોતાને આઇસોલેટ કરી દેવા જોઈએ અને બીજા લોકોથી અંતર જાળવી રાખવું જોઈએ. નિયમિત હાથ ધોવા, ભીડવાળી જગ્યાએ માસ્ક પહેરવું અને સ્વચ્છતા જાળવવા જેવી સામાન્ય સાવચેતીઓ રાખવી જોઈએ. ખાસ કરીને વૃદ્ધો અને નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોએ વધારે સાવધ રહેવાની જરૂર છે.
(Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનનો અમલ કરતા પહેલા તમારે નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.)