ત્રિપુરાના મુખ્યમંત્રી બિપ્લવ કુમાર દેબે રાજીનામું આપ્યું, આગામી મુખ્યમંત્રી અંગે ધારાસભ્યોની બેઠક ચાલુ
ત્રિપુરાના (Tripura) મુખ્યમંત્રી બિપ્લવ કુમાર દેબે રાજીનામું આપી દીધું છે. આગામી મુખ્યમંત્રીના નામ પર મહોર લગાવવા માટે રાજધાની અગરતલામાં ધારાસભ્યોની બેઠક ચાલી રહી છે.
ત્રિપુરાના (Tripura) મુખ્યમંત્રી બિપ્લવ કુમાર દેબે (Biplab Kumar Deb) રાજીનામું આપી દીધું છે. આગામી મુખ્યમંત્રીના નામ પર મહોર લગાવવા માટે રાજધાની અગરતલામાં ધારાસભ્યોની બેઠક ચાલી રહી છે. સૂત્રોએ જણાવ્યું છે કે ભાજપ હાઈકમાન્ડ ધારાસભ્યો દ્વારા લોકતાંત્રિક રીતે ચૂંટાયેલા મુખ્યમંત્રી ઈચ્છે છે. ભાજપે ભૂપેન્દ્ર યાદવ અને વિનોદ તાવડેને કેન્દ્રીય નિરીક્ષક તરીકે ત્રિપુરા મોકલ્યા છે. ભૂપેન્દ્ર યાદવને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના વિશ્વાસુ વ્યક્તિ તરીકે જોવામાં આવે છે. ત્રિપુરામાં માર્ચ 2023માં વિધાનસભાની ચૂંટણી થવાની છે. આવી સ્થિતિમાં ચૂંટણી પહેલા મુખ્યમંત્રી બદલવાના અનેક અર્થ કાઢવામાં આવી રહ્યા છે.
#Tripura Chief Minister #BiplabKumarDeb resigns.
(File pic) @BjpBiplab #TV9News #BJP pic.twitter.com/6mPCl4W3Qb
— Tv9 Gujarati (@tv9gujarati) May 14, 2022
બિપ્લવ કુમાર દેવે શનિવારે રાજ્યપાલ સત્યદેવ નારાયણ આર્યને પોતાનું રાજીનામું સુપરત કર્યું હતું. બિપ્લવ દેબનું રાજીનામું એવા સમયે આવ્યું છે, જ્યારે તેઓ ગુરુવારે દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાને મળ્યા હતા. તેઓ શુક્રવાર સુધી દિલ્હીમાં હાજર હતા અને શનિવારે સવારે જ રાજધાની અગરતલા પરત ફર્યા હતા. બીજેપી હાઈકમાન્ડે કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ અને પાર્ટીના જનરલ સેક્રેટરી વિનોદ તાવડેને બીજેપી ધારાસભ્યોમાંથી નવા મુખ્યમંત્રીની પસંદગી કરવા માટે કેન્દ્રીય નિરીક્ષકો તરીકે મોકલવાનો નિર્ણય કર્યો છે.
આ બે નામો પર ચર્ચા થશે
જિષ્ણુ દેવબર્મન અને પ્રતિમા ભૌમિકને ત્રિપુરાના નવા સીએમ બનાવવાના પ્રસ્તાવ પર ચર્ચા થવાની શક્યતા છે. જો કે, જિષ્ણુ દેવબર્મન રેસમાં આગળ દેખાઈ રહ્યા છે, કારણ કે પ્રતિમા ભૌમિકના નામ પર પાર્ટીના કાર્યકરોમાં મતભેદ છે. સાંજની બેઠકમાં અસંતોષ ઉભરી શકે છે.
ભાજપે 2018માં ત્રિપુરામાં સરકાર બનાવી હતી
ઈન્ડિયન એક્સપ્રેસના સમાચાર મુજબ ત્રિપુરા સરકારના એક મંત્રીએ કહ્યું, ‘આ નિર્ણયથી અમે ચોંકી ગયા છીએ. તેમણે આવું શા માટે કર્યું તે અમને ખબર નથી. જો કે, આવું કરતા પહેલા તેમણે પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વની સલાહ લીધી હશે. પાર્ટીની કેટલીક યોજનાઓ હોઈ શકે છે અને અમને ખાતરી છે કે તે પાર્ટીના જ હિતમાં હશે. 2018માં પહેલીવાર ભાજપે પૂર્વોત્તર રાજ્ય ત્રિપુરામાં પોતાની સરકાર બનાવી. આ પછી ભાજપ તરફથી બિપ્લવ દેબને ત્રિપુરાના મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. પાર્ટીએ 2018ની વિધાનસભા ચૂંટણીમાં ઈન્ડિજિનિયસ પીપલ્સ ફ્રન્ટ ઑફ ટ્વીપ્રા (IPFT) સાથે ગઠબંધન કરીને 25 વર્ષ પછી ડાબેરી મોરચાને સત્તા પરથી હટાવી દીધો.
ભાજપે શુક્રવારે સંગઠનમાં ફેરફારની જાહેરાત કરી હતી
ત્રિપુરા વિધાનસભાની ચૂંટણીને આડે માંડ એક વર્ષ બાકી છે. આને ધ્યાનમાં રાખીને, ભાજપે શુક્રવારે પાર્ટી અને તેના મુખ્ય સંગઠનોની રેન્કમાં ફેરફારની જાહેરાત કરી. વરિષ્ઠ આદિવાસી નેતા વિકાસ દેબબરમાને પાર્ટીના એસટી મોરચાના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. તે જ સમયે, વરિષ્ઠ આદિવાસી નેતા વિકાસ દેબબર્માને પાર્ટીના એસટી મોરચાનું પદ આપવામાં આવ્યું હતું. ભાજપના સૂત્રોએ જણાવ્યું કે ધારાસભ્ય દળની બેઠક સાંજે પાંચ વાગ્યે મળશે અને નવા મુખ્યમંત્રીના નામ પર મહોર લગાવામાં આવશે. એક સૂત્રએ જણાવ્યું કે બિપ્લવ દેવને સંગઠનાત્મક કાર્યની જવાબદારી સોંપવામાં આવશે.