Chardham Yatra 2021: ચારધામ યાત્રા પર કામચલાઉ પ્રતિબંધ, ઉત્તરાખંડના મુખ્યપ્રધાને મુસાફરોને કરી આ અપીલ
ચારધામ યાત્રા 2021 કેદારનાથ ગંગોત્રી અને યમુનોત્રી અને બદ્રીનાથ ધામની યાત્રા પર અસ્થાયી ધોરણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. હવામાન વિભાગની ભારે વરસાદની ચેતવણીને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. મુસાફરોને મુસાફરી ટાળવાની અપીલ કરવામાં આવી છે.
ઉત્તરાખંડમાં ચારધામ (કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રી અને બદ્રીનાથ) ની યાત્રા પર હાલપૂરતો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. હવામાન વિભાગની ભારે વરસાદની ચેતવણીને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જે ભક્તોએ ગંગોત્રી અને યમુનોત્રીમાં દર્શન કર્યા છે. તેમને તેમના સુરક્ષિત સ્થળ પર જવા માટે કહેવામાં આવ્યું છે. ઉત્તરાખંડના મુખ્યપ્રધાન ધામીએ સંબંધિત વિભાગોને એલર્ટ મોડ પર રહેવાની સૂચના પણ આપી છે. આ સાથે મુસાફરોને અપીલ કરવામાં આવી છે કે તેઓ અત્યારે યાત્રાએ આવવાનું ટાળે.
ઉત્તરાખંડમાં હવામાન વિભાગે સોમવાર સુધી વરસાદની ચેતવણી જાહેર કરી છે. તેને જોતા ચારધામની યાત્રા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. રવિવારે સવારથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. સાવચેતીના ભાગરૂપે, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રી ધામની યાત્રા અત્યારે હંગામી ધોરણે બંધ કરી દેવામાં આવી છે. રૂદ્રપ્રયાગ જિલ્લા મેજિસ્ટ્રેટ મનુજ ગોયલે કહ્યું કે મુસાફરોને સોનપ્રયાગથી આગળ જવા દેવામાં આવતો નથી. યાત્રાધામ પહોંચેલા મુસાફરોને દર્શન બાદ પરત મોકલવામાં આવી રહ્યા છે. યાત્રાના મુખ્ય સ્થાન પર પોલીસ અને એસડીઆરએફને મદદ માટે તૈનાત કરવામાં આવ્યા છે.
અહીં, ઉત્તરકાશી જિલ્લા પ્રશાસને પણ ગંગોત્રી અને યમુનોત્રી યાત્રાને અત્યારે બંધ કરી દીધી છે. જે મુસાફરોએ ગંગોત્રી અને યમનોત્રીમાં દર્શન કર્યા છે તેમને સલામત સ્થળે જવાનું કહેવામાં આવી રહ્યું છે. યમનોત્રી જતા મુસાફરોને બડકોટ ખાતે રોકવામાં આવ્યા છે, જ્યારે ગંગોત્રી જતા મુસાફરોને ઉત્તરકાશી અને ભાટવાડી પાસે રોકવામાં આવી રહ્યા છે. ગંગોત્રી ધામ અને યમનોત્રી ધામમાં વરસાદ અને બરફવર્ષા થવાની સંભાવના હોવાનું હવામાન વિભાગે જણાવ્યુ છે.
ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીએ ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ, પોલીસ વહીવટીતંત્ર અને તમામ જિલ્લા મેજિસ્ટ્રેટને એલર્ટ રહેવા નિર્દેશ આપ્યો છે. હવામાન વિભાગની વરસાદ વરસવાની ચેતવણીને ધ્યાનમાં રાખીને, સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટે તમામ સ્થાનિક રહેવાસીઓ અને મુસાફરોને સતર્ક રહેવા, નદી નાળાઓથી સલામત અંતર રાખવા અને સલામત સ્થળોએ રહેવાની અપીલ કરી છે. મુસાફરો અને ઉત્તરાખંડની યાત્રા કરનારા તમામ લોકોને હવામાનની ચેતવણીને ધ્યાનમાં રાખીને તેમની યાત્રાનું આયોજન કરવાની પણ અપીલ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ