કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને મળતા રાજ્યકક્ષાના ગૃહપ્રધાન અજય મિશ્રા, લખીમપુર ખીરી હિંસા બાદ શાહ સાથે પ્રથમ મુલાકાત
રાજ્યકક્ષાના કેન્દ્રીય ગૃહપ્રધાન અજય મિશ્રાએ આજે દિલ્હીમાં ગૃહ પ્રધાન અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. લખીમપુર ખીરી હિંસા કેસ બાદ અમિત શાહ સાથે આ તેમની પ્રથમ મુલાકાત છે.
લખીમપુર ખીરી કેસમાં આરોપી આશિષ મિશ્રાના પિતા અને રાજ્યકક્ષાના કેન્દ્રીય ગૃહપ્રધાન અજય મિશ્રા ( Union Minister of State for Home Ajay Mishra ) આજે દિલ્હીમાં ગૃહ પ્રધાન અમિત શાહને (Home Minister Amit Shah) મળ્યા હતા. યુપી પોલીસે લખીમપુર ખીરી હિંસા કેસમાં આશિષ મિશ્રા (Ashish Mishra) વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી છે. આ પછી, તમામ વિપક્ષી પાર્ટીઓ આશિષ મિશ્રાની ધરપકડની માંગ પર અડગ છે. રવિવારથી આ મુદ્દે રાજકારણ ગરમાયુ છે. અને તમામે તમામ વિપક્ષે, પ્રધાનપૂત્રની ધરપકડની માંગ બળવતર કરી છે.
અજય મિશ્રા ટેની નવી દિલ્હીના નોર્થ બ્લોક સ્થિત ગૃહ મંત્રાલયમાં અમિત શાહને મળ્યા હતા. આ દરમિયાન અજય મિશ્રા ટેની સાથે કેન્દ્રીય ગૃહ રાજ્ય પ્રધાન નિત્યાનંદ રાય પણ અમિત શાહને મળ્યા હતા. જોકે, અમિત શાહ સાથે આ નેતાઓએ કયા મુદ્દા પર વાત કરી તે હજુ સુધી સ્પષ્ટ થયુ નથી.
લખીમપુર ખીરી હિંસા (Lakhimpur Khiri violence) કેસમાં 8 લોકોના મોત બાદ કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી, આમ આદમી પાર્ટી સહિત અનેક વિપક્ષી પાર્ટીઓએ આશિષ મિશ્રાની ધરપકડ કરવાની માંગ કરી છે.
રવિવારે ખેડૂતોના વિરોધ દરમિયાન ફાટી નીકળેલી હિંસામાં આઠ લોકો માર્યા ગયા હતા. મૃતકોમાં ચાર ખેડૂતો પણ હતા, જેઓ કથિત રીતે ભાજપના કાર્યકરો દ્વારા ચલાવવામાં આવતા વાહન દ્વારા કચડાઈ ગયા હતા. આ સાથે, બીજેપીનો એક અન્ય કાર્યકર અને એક ડ્રાઈવર પણ હતો જેમને કથિત રીતે ટોળા દ્વારા વાહનોમાંથી ખેંચીને માર મારવામાં આવ્યો હતો. ઉત્તર પ્રદેશ પોલીસે કેન્દ્રીય ગૃહ રાજ્ય પ્રધાન અજય કુમાર મિશ્રાના પુત્ર સામે કેસ નોંધ્યો છે. પરંતુ હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.
જોકે, અજય મિશ્રા સતત કહી રહ્યા છે કે તેમનો પુત્ર આશિષ સ્થળ પર હાજર ન હતો, જો તે સ્થળ પર હોત તો તે બચી શક્યો ન હોત. તેમણે એમ પણ કહ્યું કે જો ઘટના સ્થળે તેમના પુત્રની હાજરીના પુરાવા મળે તો તેઓ તેમના પ્રધાનપદેથી રાજીનામું આપી દેશે.