આજથી મતદારયાદી ખાસ સુધારણા કાર્યક્રમ, તમારૂ નામ કાઢી નખાય તો કેવી રીતે ઉમેરશો ? જાણો સમગ્ર પ્રક્રિયા વિશે
કેન્દ્રીય ચૂંટણી પંચના આદેશથી ગુજરાત સહીત દેશના વિભિન્ન પ્રાંતમાં મતદાર યાદી સુધારણા માટે ખાસ સઘન સુધારા કાર્યક્રમ આજે 4 નવેમ્બર, 2025 થી શરૂ થયો છે, જે આગામી 7 ફેબ્રુઆરી, 2026 સુધી તબક્કાવાર ચાલશે. SIR ના નામે ઓળખાતો આ મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં ગુજરાત ઉપરાંત રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ગોવા, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, કેરળ, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળ રાજ્યનો સમાવેશ થાય છે, જેમાં પુડુચેરી, આંદામાન અને નિકોબાર ટાપુઓ અને લક્ષદ્વીપ જેવા કેન્દ્રશાસિત પ્રદેશોનો પણ સમાવેશ થાય છે.

બિહારમાં હાથ ધરાયેલ મતદારયાદીમાં ખાસ સઘન સુધારો (SIR) પછી, કેન્દ્રીય ચૂંટણી પંચે, ગુજરાત સહીતના બાર રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં મતદારયાદીમાં ખાસ સઘન સુધારણા પ્રક્રિયા શરૂ કરવાની જાહેરાત કરી છે. આ પ્રક્રિયાનો હેતુ મતદાર યાદીની ફરીથી પૂર્ણ તપાસ કરવાનો, મતદારયાદીમાં જો મતદારને લગતી કોઈ ખોટી માહિતી હોય તો તે સુધારવાનો અને કોઈ કારણોસર મતદારનું નામ યાદીમાં ના હોય તો ઉમેરવાની કામગીરીનો સમાવેશ થાય છે. આ કામગીરી ખૂબ મહત્વપૂર્ણ છે, કારણ કે મતદાર યાદીની ચોકસાઈ લોકશાહીનો પાયો માનવામાં આવે છે. ખોટા નામો દૂર કરવા અને સાચા નાગરિકોનો સમાવેશ કરવાથી આગામી ચૂંટણીઓ નિષ્પક્ષ અને વિવાદમુક્ત બને છે.
આ મતદારયાદીમાં ખાસ સઘન સુધારો (SIR) આજે 4 નવેમ્બર, 2025 થી શરૂ થશે અને આગામી 7 ફેબ્રુઆરી, 2026 ના રોજ સમાપ્ત થશે, એટલે કે, 7 ફેબ્રુઆરીએ અંતિમ મતદાર યાદી જાહેર થશે. આ પહેલા, છાપકામ અને તાલીમ કાર્ય 28 ઓક્ટોબરથી 3 નવેમ્બર સુધી હાથ ધરવામાં આવ્યું હતું. બૂથ લેવલ ઓફિસર્સ (BLOs) અને સંબંધિત સ્ટાફને મતદાર યાદીમાં સુધારા કેવી રીતે કરવા અને ઘરે ઘરે જઈને મતદાર માહિતી કેવી રીતે ચકાસવી તે અંગે તાલીમ આપવામાં આવી છે.
કયા રાજ્યો ભાગ લઈ રહ્યા છે?
ગુજરાત ઉપરાંત તેના પડોશી રાજ્ય રાજસ્થાન અને મઘ્યપ્રદેશમાં પણ મતદારયાદીમાં ખાસ સઘન સુધારો (SIR)ની કામગીરી હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત ઉત્તર પ્રદેશ, ગોવા, છત્તીસગઢ, કેરળ, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળ આ પ્રક્રિયા હાથ ધરાશે, પુડુચેરી, આંદામાન અને નિકોબાર ટાપુઓ અને લક્ષદ્વીપ જેવા કેન્દ્રશાસિત પ્રદેશમાં પણ આ કામગીરી કરાશે. આ વિશાળ ઝુંબેશ હાથ ધરવા માટે 5,00,000 થી વધુ બૂથ-લેવલ અધિકારીઓ અને આશરે 7,50,000 જેટલા રાજકીય પક્ષના કાર્યકરોને સોંપવામાં આવ્યા છે.
મતદારયાદીમાંથી તમારૂ નામ કાઢી નાખવામાં આવ્યું છે કે નહીં ? તે કેવી રીતે શોધશો ?
જો તમે કોઈ પણ રાજ્યના મતદાર છો અને તમારૂ નામ મતદાર યાદીમાં છે કે નહીં તે ચકાસવા માંગતા હો, તો તમે ઘરે બેઠા ઓનલાઈન ચકાસી શકો છો. આમ કરવા માટે, તમારે https://www.eci.gov.in અથવા https://ceo.gujarat.gov.in ચૂંટણી પંચની વેબસાઇટ્સ પર સર્ચ કરી શકો છો.
અહીં તમારુ નામ અથવા EPIC નંબર દાખલ કરો અને તમારા જિલ્લા અને વિધાનસભા મતવિસ્તાર પસંદ કરો. જો તમારી પાસે ઇન્ટરનેટ ઍક્સેસ નથી, તો તમે તમારા બૂથ લેવલ ઓફિસર (BLO) નો સંપર્ક કરી શકો છો અથવા ડ્રાફ્ટ યાદી જોવા માટે નજીકના ચૂંટણી અધિકારીની કચેરની મુલાકાત લઈ શકો છો. તમે સરળતાથી તમારૂ નામ યાદીમાં છે કે નહીં તે પણ ચકાસી શકો છો.
જો તમારું નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યું હોય તો શું કરવું?
જો મતદારયાદી ખાસ સઘન સુધારણા (SIR) કાર્યક્રમ દરમિયાન તમારૂ નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યું હોય, તો ચિંતા કરવાની કે ગભરાવાની કોઈ જરૂર નથી. ચૂંટણી પંચે પહેલાથી જ સ્પષ્ટતા કરી દીધી છે કે જે લાયક મતદારોના નામ ભૂલથી કાઢી નાખવામાં આવ્યા હોય તેમના નામ ફરીથી ઉમેરી શકાય છે. તેમના નામ ઉમેરવાની બે રીતો છે: ઓનલાઈન અને ઓફલાઈન.
ઓનલાઈન પ્રક્રિયા: જો તમે ઘરેથી અરજી કરવાનું પસંદ કરો છો, તો તમારા મોબાઈલ અથવા કોમ્પ્યુટર પર NVSP પોર્ટલ અથવા વોટર હેલ્પલાઈન એપ ખોલો. ત્યાં ફોર્મ નંબર 6 ઉપલબ્ધ હશે. આ એ જ ફોર્મ છે, જે નવા મતદાર બનવા અથવા મતદાર યાદીમાં નામ ફરીથી નોંધણી કરાવવા માટે ભરવામાં આવે છે. તમારે તમારી મૂળભૂત માહિતી ભરવાની અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાની જરૂર પડશે. ફોર્મ સબમિટ કર્યા પછી, તમને એક અરજી નંબર પ્રાપ્ત થશે, જે તમને તમારી અરજીની સ્થિતિ ઓનલાઈન ચકાસવા માટે મદદરૂપ થશે.
ઓફલાઈન પ્રક્રિયા: જો તમે ઓનલાઈન પદ્ધતિનો ઉપયોગ કરવા માંગતા નથી, તો તમે સીધા તમારા વિસ્તારના BLO ની મુલાકાત લઈ શકો છો. તેઓ તમને ફોર્મ 6 આપશે. આ ફોર્મ નંબર 6 ને ભરો અને સબમિટ કરો. BLO તમારા દસ્તાવેજો અને માહિતી ચૂંટણી અધિકારીને મોકલશે. ચકાસણી પૂર્ણ થયા પછી, તમારું નામ મતદાર યાદીમાં ઉમેરવામાં આવશે અને તમને તેની સૂચના પ્રાપ્ત થશે.
આ પણ વાંચોઃ વારંવાર પૂછવા છતાં SIR અંગે સ્પષ્ટ જવાબ ન મળ્યા ! ચૂંટણી પંચ પર વિશ્વાસ કરવો કે નહીં ? વોટ ચોરાઈ જાય તેવી આશંકા – જુઓ Video