સંસદના વિશેષ સત્ર માટે પ્રધાનોને સોંપાઈ સ્પેશિયલ ડ્યુટી, સરકારે આપી સૂચનાઓ
સંસદનું વિશેષ સત્ર 18 થી 22 સપ્ટેમ્બર સુધી ચાલશે. એજન્ડામાં બંધારણ સભાથી લઈને આજ સુધીના 75 વર્ષમાં સંસદીય સફર પર સંસદના બંને ગૃહોમાં ચર્ચાનો સમાવેશ થાય છે. આ સિવાય 4 બિલ લાવવામાં આવશે. હવે સંસદના વિશેષ સત્રને લઈને મંત્રીઓ માટે સૂચનાઓ જાહેર કરવામાં આવી છે.
સંસદનું વિશેષ સત્ર 18 થી 22 સપ્ટેમ્બર સુધી યોજાશે. સરકારે સત્ર બોલાવવાનું કારણ પણ જાહેર કર્યું છે. સરકારે હવે તમામ મંત્રીઓ માટે સૂચનાઓ જાહેર કરી કરી છે. સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ તમામ કેબિનેટ, રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) અને રાજ્ય મંત્રીઓને સૂચના આપી છે. વિશેષ સત્રના તમામ પાંચ દિવસ ગૃહની સમગ્ર કાર્યવાહી દરમિયાન મંત્રીઓને સમગ્ર સમય ગૃહમાં હાજર રહેવા માટે કહેવામાં આવ્યું છે.
ત્રણ લીટીનો વ્હીપ પાઠવવામાં આવ્યો
સરકારની આ સૂચના એવા સમયે આવી છે જ્યારે એવી અફવા છે કે સરકાર વિશેષ સત્રમાં કેટલાક મહત્વપૂર્ણ કાયદાકીય કામકાજ સંભાળવા માંગે છે. કોંગ્રેસ પહેલા જ કહી ચુકી છે કે વિશેષ સત્રમાં સરકારનો અમુક છુપા એજન્ડા છે. સામાન્ય રીતે, બંને ગૃહો (લોકસભા અને રાજ્યસભા)ની કાર્યવાહી દરમિયાન, એક મંત્રી દરેક 4 કલાક માટે ફરજ પર હોય છે અને તેના માટે તેના રોસ્ટર સમય મુજબ ગૃહમાં હાજર રહેવું ફરજિયાત છે. પરંતુ તમામ મંત્રીઓને વિશેષ સત્ર દરમિયાન બંને ગૃહમાં હાજર રહેવા સૂચના આપવામાં આવી છે.
વિશેષ સત્રના તમામ પાંચ દિવસ ગૃહમાં હાજર રહેવા માટે ભાજપે પહેલાથી જ બંને ગૃહોના તેના સાંસદોને ત્રણ લીટીનો વ્હીપ ઈસ્યું કર્યો છે. 18 થી 22 સપ્ટેમ્બર સુધી સંસદનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે, જેના એજન્ડામાં બંધારણ સભાથી આજ સુધીના 75 વર્ષમાં સંસદીય સફર પર સંસદના બંને ગૃહોમાં ચર્ચા સામેલ છે.
આ સિવાય વિશેષ સત્રના કાર્યસૂચિમાં ચાર બિલ પણ સૂચિબદ્ધ કરવામાં આવ્યા છે, જેમાં એડવોકેટ્સ એમેન્ડમેન્ટ બિલ, પ્રેસ એન્ડ રજિસ્ટ્રેશન ઑફ પીરિયોડિકલ બિલ, પોસ્ટ ઑફિસ બિલ અને મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરની નિમણૂક સેવા શરતો બિલનો સમાવેશ થાય છે.
17મી સપ્ટેમ્બરે સર્વપક્ષીય બેઠક
વિશેષ સત્રની શરૂઆત પહેલા સરકારે 17 સપ્ટેમ્બરે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. પ્રહલાદ જોશીએ X (ટ્વીટર) પર લખ્યું, આ મહિનાની 18 તારીખથી સંસદના સત્ર પહેલા, 17 તારીખે સાંજે 4.30 વાગ્યે સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવી છે. આ માટે સંબંધિત આગેવાનોને ઈમેલ દ્વારા આમંત્રણ મોકલવામાં આવ્યું છે.
સંસદના વિશેષ સત્રના એક દિવસ પહેલા નવા સંસદ ભવનનાં પ્રાંગણના ગેટ પર ધ્વજ ફરકાવવામાં આવશે. 17 સપ્ટેમ્બરે રાજ્યસભાના અધ્યક્ષ ધનખંડ તેમજ લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા નવી સંસદના પ્રાંગણમાં ત્રિરંગો ધ્વજ ફરકાવશે. તેમાં પીએમ મોદી પણ હાજર રહી શકે છે. સંસદના વિશેષ સત્ર દરમિયાન 19 સપ્ટેમ્બરે જૂના સંસદ ભવનમાંથી નવા સંસદ ભવન ખાતે શિફ્ટ કરવાનો કાર્યક્રમ યોજાશે.