સોશિયલ મીડિયાનો ઉપયોગ સદ્દુપયોગ કેવી રીતે થાય, શીખો MP ની આ મહિલા પાસેથી, આખેઆખા તંત્રને હલાવી દીધુ- Video
સોશિયલ મીડિયા આશિર્વાદરૂપ પણ છે અને અભિશાપરૂપ પણ. શરત એ જ કે તમે તેનો કેવી રીતે ઉપયોગ કરો છો. સોશિયલ મીડિયાની તાકાતના કારણે આજે એક ગામમાં બની રહ્યો છે રસ્તો. કેમ કે લીલા સાહૂ નામની એક ગર્ભવતી મહિલાએ છેલ્લા એક વર્ષથી રસ્તાને લઈને તંત્ર, સીએમ અને પીએમ સુધી માંગ કરી અને તેની મહેનત હવે રંગ લાવી છે.
મધ્યપ્રદેશ: સીધી જિલ્લાના ખડ્ડી ખુર્દ ગામની યુવતી, લિલા સાહૂ. જેને ગામના લોકો હવે એક સાહસિક અવાજ અને સોશિયલ મીડિયાની શક્તિના રૂપમાં ઓળખે છે. એક સાદી ગ્રામ્ય યુવતીના વીડિયોએ સિસ્ટમને હચમચાવી નાંખી. એક ગામમાં એક મજબૂત અવાજ બની છે લીલા ! મધ્યપ્રદેશના સીધી જિલ્લાના ખડ્ડી ખુર્દના બગૈયા ટોલામાંથી શરૂ થયો હતો આ સંઘર્ષ. જ્યાંથી ગજરી સુધીનો રોડ વરસોથી બિસ્માર હાલતમાં હતો.
લીલા સાહૂએ અનેક વખત સિસ્ટમ સામે સવાલ ઉઠાવ્યા. દર વખતે તેણીએ એક જ પ્રશ્ન ઉઠાવ્યો આ રસ્તે વિમાર, ખાસ કરીને ગર્ભવતી મહિલાઓ કેવી રીતે હોસ્પિટલ પહોંચી શકે?’ ગામમાં 6 ગર્ભવતી બહેનો છે અને તેમના માટે એમ્બ્યુલન્સ આવી શકે એટલો પણ રસ્તો નથી. તે દુઃખ આખરે લોકો સુધી પહોંચાડ્યું. જો કે આ કિસ્સામાં, રાજ્યના જાહેર બાંધકામના નેતા રાકેશ સિંહ અને સાંસદ ડૉ. રાજેશ મિશ્રાના વાહિયાત નિવેદનોને કારણે વિવાદ થયો. તેમણે કહ્યું હતું કે સરકાર જરૂર પડ્યે એરલિફ્ટ પણ કરી લેશે.
જો કે લીલા સાહૂએ સતત વીડિયો બનાવી સરકારને જગાડવાનો પ્રયાસ કર્યો કે રસ્તા પર અન્ય વાહન પણ આવી શકે તેમ નથી. શું આઝાદીના આટલા વર્ષો બાદ એક સારો રસ્તો ન મળી શકે. અંતે લીલા સાહૂનો અવાજ જીતી ગયો. હવે રસ્તાનું પ્રાથમિક કામ શરૂ થઈ ગયું છે. JCB, રોલર, અને કામદારો સાથે હવે ખાડાઓ સાફ થઈ રહ્યાં છે અને રસ્તો બનાવવાની કામગીરી શરૂ થઈ ગઈ છે. લીલા સાહૂએ પોતે વીડિયો બનાવી તંત્ર અને સરકારની કામગીરીની બિરદાવી હતી.
એક યુવતીના અવાજે આખા તંત્રને ઝુકાવ્યું. એ પણ ત્યારે, જ્યારે રસ્તા જેવી સામાન્ય સુવિધા માટે પણ લોકોને લડવું પડે. લિલા સાહૂ માત્ર ગામની નાયિકા નહીં, પણ હવે અનેક યુવતીઓ માટે પ્રેરણા બની છે.