Breaking News : નકલી પાસપોર્ટના આરોપમાં મહાદેવ એપ ઓપરેટરની ઓમાનથી કરાઇ ધરપકડ
મહાદેવ ઓનલાઈન સટ્ટાબાજી એપના મુખ્ય આરોપી સૌરભ ચંદ્રાકરની ઓમાનમાં ધરપકડ કરાઈ છે. ઇન્ટરપોલ રેડ નોટિસ આધારે રોયલ ઓમાન પોલીસે તેને બનાવટી ઇન્ડોનેશિયન પાસપોર્ટ સાથે ઝડપ્યો છે.

મહાદેવ ઓનલાઈન સટ્ટાબાજી એપ કેસના મુખ્ય આરોપી અને કથિત માસ્ટરમાઇન્ડ સૌરભ ચંદ્રાકરની ઓમાનમાં ધરપકડ કરવામાં આવી છે. તેના પર બનાવટી ઇન્ડોનેશિયન પાસપોર્ટનો ઉપયોગ કરીને ઓમાનમાં ગેરકાયદેસર રીતે પ્રવેશવાનો આરોપ છે. ભારતીય તપાસ એજન્સીઓની વિનંતી પર જારી કરાયેલા ઇન્ટરપોલના રેડ નોટિસના આધારે રોયલ ઓમાન પોલીસે કાર્યવાહી કરીને તેની ધરપકડ કરી હોવાનું અહેવાલોમાં જણાવાયું છે.
મળતી માહિતી મુજબ, સૌરભ ચંદ્રાકર અગાઉ સંયુક્ત આરબ અમીરાત (UAE)માં રહેતો હતો. ધરપકડ બાદ ભારત સરકારે તેના પ્રત્યાર્પણની પ્રક્રિયા ઝડપી બનાવી છે. હાલ ઓમાની સરકાર સાથે જરૂરી કાનૂની કાર્યવાહી ચાલી રહી છે. ચંદ્રાકરને હાલમાં મસ્કત સ્થિત અલ-ખૌદ ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવ્યો છે. તેણે પોતાના બચાવ માટે કાનૂની ટીમ પણ નિયુક્ત કરી છે. બીજી તરફ, ઓમાની પોલીસ બનાવટી પાસપોર્ટના ઉપયોગ અને દેશમાં ગેરકાયદેસર પ્રવેશના મામલે અલગથી તપાસ કરી રહી છે.
દુબઈ જઈ પોતાના નેટવર્કનો ઝડપી વિસ્તાર કર્યો
છત્તીસગઢના ભિલાઈના રહેવાસી સૌરભ ચંદ્રાકર શરૂઆતમાં ‘જ્યૂસ ફેક્ટરી’ નામની દુકાન ચલાવતો હતો. વર્ષ 2017માં તેણે ઓનલાઈન સટ્ટાબાજીના વ્યવસાયમાં પ્રવેશ કર્યો હતો અને ત્યારબાદ વર્ષ 2019માં દુબઈ જઈ પોતાના નેટવર્કનો ઝડપી વિસ્તાર કર્યો હતો. તપાસ એજન્સીઓના જણાવ્યા મુજબ, 2021ની IPL સીઝન દરમિયાન તેણે ₹2,000 કરોડથી વધુના સટ્ટાબાજી રેકેટનું સંચાલન કર્યું હોવાનો આરોપ છે. આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ દ્વારા તેણે કરોડોની સંપત્તિ એકત્રિત કરી હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે.
આ સમગ્ર કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અત્યાર સુધીમાં અંદાજે ₹4,336 કરોડની સંપત્તિ જપ્ત કરી ચૂકી છે. તપાસ એજન્સીઓના દાવા અનુસાર, સૌરભ ચંદ્રાકર વર્ષ 2019થી ફરાર હતો અને તેના પર લગભગ ₹5,000 કરોડના ઓનલાઈન સટ્ટાબાજી નેટવર્ક સાથે સંકળાયેલા હોવાનો આરોપ છે.
ચંદ્રાકર UAE છોડીને ઓમાન પહોંચ્યો
મીડિયા અહેવાલો અનુસાર, કેસની સુનાવણી દરમિયાન ચંદ્રાકર UAE છોડીને ઓમાન પહોંચ્યો હતો. અધિકારીઓનું માનવું છે કે બનાવટી પાસપોર્ટનો ઉપયોગ કરીને ઓમાનમાં પ્રવેશ કરવાનો તેનો પ્રયાસ ભારત પ્રત્યાર્પણની પ્રક્રિયામાં વિલંબ કરાવવાની વ્યૂહરચનાનો ભાગ હોઈ શકે છે. જોકે, ઓમાનના કાયદા મુજબ બનાવટી પાસપોર્ટનો ઉપયોગ કરીને દેશમાં પ્રવેશ કરવો ગંભીર ગુનો માનવામાં આવે છે, જેમાં દોષિત સાબિત થવા પર ત્રણથી પાંચ વર્ષની જેલની સજા થઈ શકે છે.
હાલ ભારતીય તપાસ એજન્સીઓ પ્રત્યાર્પણ પ્રક્રિયા પૂર્ણ કરવા માટે ઓમાની સત્તાવાળાઓ સાથે સતત સંપર્કમાં છે. આગામી દિવસોમાં કોર્ટ અને કાનૂની પ્રક્રિયાના આધારે સૌરભ ચંદ્રાકરને ભારત લાવવામાં આવે છે કે નહીં, તેના પર સૌની નજર રહેશે.
અમરેલીમાં સિંહના હુમલામાં યુવકનું મોત, લીલીયા પંથકમાં ગેરકાયદે સિંહદર્શન પર ફરી ઉઠ્યા સવાલ
