રેલવેની મોટી બેદરકારી સામે ગ્રાહક અદાલત લાલઘૂમ: હેલ્પલાઇન પર મદદ ન મળી, ટ્રેનના ફોટો જોઈને કોર્ટે ફટકાર્યો મોટો દંડ
તહેવારની ભીડનું બહાનું કાઢીને રેલવેએ હાથ અધ્ધર કર્યા, પણ કન્ઝ્યુમર ફોરમે રેલવેની સેવામાં ખામી ગણીને એક મહિનામાં વળતર ચૂકવવા કર્યો આદેશ.

ટ્રેનમાં મુસાફરી દરમિયાન ભારે હાલાકીનો સામનો કરનાર એક પ્રવાસીને કન્ઝ્યુમર કમિશન (ગ્રાહક અદાલત) તરફથી મોટી રાહત મળી છે. ગ્રાહક અદાલતે રેલવેને પ્રવાસીને વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે, કારણ કે પ્રવાસી પાસે કન્ફર્મ ટિકિટ હોવા છતાં તેને યોગ્ય સુવિધાઓ મળી ન હતી અને આખી મુસાફરી ઊભા-ઊભા જ પસાર કરવી પડી હતી. એક રિપોર્ટ અનુસાર, કેરળ કન્ઝ્યુમર કમિશને સેવામાં ખામી બદલ ભારતીય રેલવેને એક પ્રવાસીને ₹50,000નું વળતર આપવાનો ઐતિહાસિક આદેશ કર્યો છે.
કન્ફર્મ કોચમાં વગર ટિકિટ વાળા મુસાફરોનો કબ્જો, હેલ્પલાઇન પણ ન આવી કામે
ફરિયાદ કરનાર પ્રવાસીએ બેંગલુરુથી કોચ્ચુવેલી જવા માટે કન્ફર્મ કોટામાં ટિકિટ બુક કરાવી હતી. પરંતુ ટ્રેનમાં ચડ્યા પછી તેમણે જોયું કે તેમનો રિઝર્વ્ડ કોચ વગર ટિકિટ વાળા અને અનરિઝર્વ્ડ મુસાફરોથી ખિચોખિચ ભરેલો હતો. ટ્રેનના પેસેજમાં પણ લોકો બેઠા હતા, જેના લીધે હલનચલન કરવું પણ મુશ્કેલ હતું. પ્રવાસીએ રેલવે કસ્ટમર કેર અને ટ્વિટર પર પણ ફરિયાદ કરી, પરંતુ નવરાત્રિના તહેવારોનું બહાનું ધરીને અધિકારીઓએ કોઈ નક્કર મદદ ન કરી. આ ભયાનક ભીડના કારણે પ્રવાસી આખી રાત સૂઈ શક્યા ન હતા.
રેલવેના દાવા પોકળ સાબિત થયા, કોર્ટે માંગ્યા સજ્જડ પુરાવા
રેલવેએ અદાલતમાં સ્વીકાર્યું કે તહેવારોની રજાઓના કારણે ટ્રેનમાં ભારે ભીડ હતી. રેલવેનો દાવો હતો કે ફરિયાદ મળ્યા બાદ ટીટીઈ અને આરપીએફની મદદથી વગર ટિકિટના મુસાફરોને હટાવીને પ્રવાસીને સીટ અપાવી દેવામાં આવી હતી.
જોકે, કન્ઝ્યુમર કમિશને આ મામલે રેલવે પાસે પુરાવા માંગ્યા હતા. રેલવે એવો કોઈ જ પુરાવો રજૂ ન કરી શક્યું કે મુસાફરોને ખરેખર હટાવવામાં આવ્યા હતા. બીજી તરફ પ્રવાસીએ ટ્રેનની અંદરના ફોટોગ્રાફ્સ પુરાવા તરીકે રજૂ કર્યા હતા. કોર્ટે રેલવેની સેવામાં ગંભીર ખામી ગણીને પ્રવાસીને થયેલી માનસિક પીડા માટે ₹50,000નું વળતર અને કેસના ખર્ચ પેટે વધારાના ₹3,000 ચૂકવવાનો આદેશ આપ્યો છે.
