આકાશી આફતમાં શુભ અવસર ઉકેલતા સુરતી, લગ્ન મંડપ સ્થળે ભરાયેલા વરસાદી પાણી વચ્ચે યોજાયા લગ્ન, જુઓ Video
સુરત શહેર અને જિલ્લામાં ભારે વરસાદની અસર સામાજિક પ્રસંગો પર પણ જોવા મળી હતી. વરસાદના કારણે અનેક સ્થળોએ લગ્નવિધિઓ પ્રભાવિત થઈ હતી. લગ્ન દરમિયાન અચાનક ધોધમાર વરસાદ વરસતાં જાનૈયાઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વરસાદી પાણી વચ્ચે જ લગ્નવિધિ પૂર્ણ કરવાની ફરજ પડતાં પરિવારજનોએ પરિસ્થિતિ વચ્ચે કાર્યક્રમ સંપન્ન કરીને સંતોષ માન્યો હતો.
સુરત જિલ્લામાં વરસેલા ભારે વરસાદે જનજીવનને અસ્તવ્યસ્ત બનાવી દીધું છે. ખાસ કરીને ઓલપાડ તાલુકાના કીમ અને કુડસદ વિસ્તારમાં સતત વરસાદને કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. કીમ-કુડસદ રોડ પર વરસાદી પાણી ફરી વળતાં વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો.
ભારે વરસાદના કારણે અનેક ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસી જતાં સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. રસ્તાની બાજુમાં આવેલી હોસ્પિટલમાં પણ વરસાદી પાણી ભરાઈ જતાં દર્દીઓ અને તેમના સ્વજનોને મુશ્કેલી વેઠવી પડી હતી. હોસ્પિટલ ઉપરાંત આસપાસની દુકાનોમાં પણ પાણી ભરાઈ જતાં વેપારીઓને નુકસાનની ભીતિ સતાવી રહી છે.
સ્થાનિકોએ તંત્રની પ્રીમોન્સૂન કામગીરી પર સવાલો ઉઠાવ્યા છે. લોકોનો આક્ષેપ છે કે વરસાદ પહેલાં ગટર અને વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી હોત તો આવી સ્થિતિ સર્જાઈ ન હોત. સ્થાનિકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળ્યો હતો.
પરિસ્થિતિ વિકટ બન્યા બાદ તંત્ર દ્વારા પાણીના નિકાલ માટે કામગીરી શરૂ કરવામાં આવી હતી. જોકે, સ્થાનિકોના જણાવ્યા મુજબ પાણી ઘરો અને દુકાનોમાં ઘૂસી ગયા પછી કાર્યવાહી શરૂ કરાઈ હોવાથી તેને “ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળું મારવા જેવો ઘાટ” ગણાવી તંત્રની કામગીરી પર નિશાન સાધવામાં આવ્યું હતું.
બીજી તરફ, સુરત શહેર અને જિલ્લામાં ભારે વરસાદની અસર સામાજિક પ્રસંગો પર પણ જોવા મળી હતી. વરસાદના કારણે અનેક સ્થળોએ લગ્નવિધિઓ પ્રભાવિત થઈ હતી. લગ્ન દરમિયાન અચાનક ધોધમાર વરસાદ વરસતાં જાનૈયાઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વરસાદી પાણી વચ્ચે જ લગ્નવિધિ પૂર્ણ કરવાની ફરજ પડતાં પરિવારજનોએ પરિસ્થિતિ વચ્ચે કાર્યક્રમ સંપન્ન કરીને સંતોષ માન્યો હતો.
ભારે વરસાદને કારણે સુરત જિલ્લામાં જનજીવન પર વ્યાપક અસર જોવા મળી રહી છે. હવામાનની સ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં સતત નજર રાખવામાં આવી રહી છે અને પાણીના નિકાલની કામગીરી તેજ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

