યુક્રેન યુદ્ધ વચ્ચે રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવ આવ્યા ભારત, પીએમ મોદી અને જયશંકર સાથે કરી શકે છે મુલાકાત
લવરોવ સાથેની બેઠક દરમિયાન, રશિયા વિવિધ સૈન્ય હાર્ડવેર તેમજ S-400 મિસાઈલ સિસ્ટમના સાધનોની સમયસર ડિલિવરી સુનિશ્ચિત કરવા દબાણ કરી શકે છે, એમ સમાચાર એજન્સી પીટીઆઈએ અહેવાલ આપ્યો છે. દિલ્હી પહોંચતા પહેલા લવરોવ ચીનની બે દિવસની મુલાકાતે હતા
રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવ ગુરુવારે નવી દિલ્હી પહોંચ્યા. લવરોવ શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi) અને વિદેશ મંત્રી એસ જયશંકર (S Jaishankar)ને મળે તેવી શક્યતા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચી (Foreign Ministry Spokesperson Arindam Bagchi)એ દિલ્હી એરપોર્ટ પર રશિયન વિદેશ મંત્રી લવરોવનું સ્વાગત કર્યું. રશિયાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મારિયા ઝખારોવાએ કહ્યું કે લવરોવ શુક્રવારે મોદી અને જયશંકરને મળશે. પરંતુ રશિયન વિદેશ મંત્રીની મુલાકાતને લઈને વિદેશ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલી મીડિયા એડવાઈઝરીમાં તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.
સર્ગેઈ લવરોવની આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે જયશંકરે બ્રિટિશ વિદેશ મંત્રી લિઝ ટ્રસ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન બંને નેતાઓએ રશિયા-યુક્રેન યુદ્ધ અંગે વિગતવાર ચર્ચા કરી હતી. લવરોવ સાથેની બેઠક દરમિયાન, રશિયા વિવિધ સૈન્ય હાર્ડવેર તેમજ S-400 મિસાઈલ સિસ્ટમના સાધનોની સમયસર ડિલિવરી સુનિશ્ચિત કરવા દબાણ કરી શકે છે, એમ સમાચાર એજન્સી પીટીઆઈએ અહેવાલ આપ્યો છે. દિલ્હી પહોંચતા પહેલા લવરોવ ચીનની બે દિવસની મુલાકાતે હતા. તેમની આ મુલાકાત એવા સમયે આવી છે જ્યારે યુક્રેન-રશિયા વચ્ચે એક મહિના કરતાં વધુ સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે.
ભારતની મુલાકાતે રાજકીય નેતાઓ
છેલ્લા કેટલાક દિવસોમાં વિદેશી રાજનેતાઓ અને અધિકારીઓની ભારતની મુલાકાતો વચ્ચે રશિયાના વિદેશ પ્રધાન સર્ગેઈ લવરોવની મુલાકાત આવી છે. જેમાં અમેરિકાના નાયબ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર દલીપ સિંહ પણ સામેલ હતા. ગયા અઠવાડિયે ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ ભારતની મુલાકાત લીધી હતી. ઈન્ડો-પેસિફિક માટે યુરોપિયન યુનિયનના વિશેષ દૂત, ગેબ્રિયલ વિસેન્ટિન, આ અઠવાડિયે દિલ્હી આવ્યા હતા. આ મુલાકાતોનો હેતુ ભારત સાથેના સંબંધોને મજબૂત કરવાનો અને રુસો-યુક્રેન યુદ્ધ અંગે ચર્ચા કરવાનો હતો.
રશિયા-યુક્રેન યુદ્ધ પર ભારત તટસ્થ રહ્યું
ભારતે અત્યાર સુધી અઠવાડિયા સુધી ચાલેલા રુસો-યુક્રેન યુદ્ધ પર તટસ્થ સ્થિતિ જાળવી રાખી છે અને યુક્રેનમાં રશિયાના આક્રમણની નિંદા કરતા સંયુક્ત રાષ્ટ્રમાં રજૂ કરાયેલા તમામ ઠરાવો પર મતદાન કરવાનું ટાળ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારત રશિયા પાસેથી ડિસ્કાઉન્ટેડ કિંમતે ક્રૂડ ઓઈલ ખરીદવાની યોજના બનાવી રહ્યું છે. ગયા અઠવાડિયે, જયશંકરે સંસદમાં જણાવ્યું હતું કે યુક્રેન સંઘર્ષ પર ભારતની સ્થિતિ “મક્કમ અને સુસંગત” છે અને હિંસાનો તાત્કાલિક અંત લાવવાની હાકલ કરી હતી.