Russia Ukraine War: અમેરિકી અધિકારીનો દાવો, ચેર્નોબિલ ન્યૂક્લિયર પ્લાન્ટથી પાછળ હટી રહ્યા છે રશિયન સૈનિક
રશિયન સેનાએ યુદ્ધના શરૂઆતના દિવસોમાં ચેર્નોબિલ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ પર કબજો કર્યો હતો. જ્યારે સૈનિકોએ પ્લાન્ટ પર હુમલો કર્યો, ત્યારે તેઓને કિરણોત્સર્ગી ધૂળમાં શ્વાસ લેવાની ફરજ પડી હતી.
રશિયા અને યુક્રેન (Russia-Ukraine War) વચ્ચે છેલ્લા 36 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે અને રશિયન હુમલામાં કોઈ ઘટાડો થયો નથી, પરંતુ તેની તરફથી કહેવામાં આવી રહ્યું છે કે તેનાથી 2 શહેરોમાં હુમલા ઓછા થશે. હુમલામાં ઘટાડો કરવાની જાહેરાતના એક દિવસ બાદ હવે તેમની તરફથી આ નિર્ણયનો અમલ પણ શરૂ કરવામાં આવ્યો છે. અમેરિકાના એક સંરક્ષણ અધિકારીએ બુધવારે જણાવ્યું કે રશિયન સેનાએ ચેર્નોબિલ પરમાણુ પાવર પ્લાન્ટમાંથી (Chernobyl nuclear power plant) બહાર નીકળવાનું શરૂ કરી દીધું છે.
ચાલી રહેલા યુદ્ધની વચ્ચે મોસ્કોએ એક દિવસ પહેલા કહ્યું હતું કે તે યુક્રેનના બે મોટા શહેરો પરના હુમલામાં ઘટાડો કરશે. રશિયન સૈનિકોએ ચેર્નોબિલ પરમાણુ પાવર સાઈટ પર કબજો કર્યો, જ્યાં કિરણોત્સર્ગી કચરો હજુ પણ સંગ્રહિત છે. અમેરિકી અધિકારીએ કહ્યું “ચેર્નોબિલ એ વિસ્તાર છે જ્યાં તેઓ તેમના કેટલાક સૈનિકોને ખસેડવાનું શરૂ કરી રહ્યા છે. સૈનિકો ચેર્નોબિલથી બેલારુસ જઈ રહ્યા છે.”
અમને લાગે છે કે તેઓ જઈ રહ્યા છે: યુએસ અધિકારી
અમેરિકી અધિકારીએ કહ્યું કે અમને લાગે છે કે તેઓ જતા રહ્યા છે, હું તમને કહી શકતો નથી કે તેઓ બધા ગયા છે. રશિયન સૈનિકોએ 4 માર્ચે યુરોપના સૌથી મોટા પરમાણુ પ્લાન્ટ, ઝાપોરિઝ્ઝ્યા પર પણ કબજો કર્યો હતો, જ્યાં તોપમારા દરમિયાન તાલીમ કેન્દ્રમાં આગ લાગી હતી.
રશિયન સેનાએ યુદ્ધના શરૂઆતના દિવસોમાં ચેર્નોબિલ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ પર કબજો કર્યો હતો. જ્યારે સૈનિકોએ પ્લાન્ટ પર હુમલો કર્યો, ત્યારે તેઓને કિરણોત્સર્ગી ધૂળમાં શ્વાસ લેવાની ફરજ પડી હતી. સ્ટેશન ચાલુ રાખવા માટે અહીં કામ કરતા કર્મચારીઓને ગન પોઈન્ટ પર કામ કરવાની ફરજ પડી હતી. પ્લાન્ટમાં કામ કરતા કર્મચારીઓએ જણાવ્યું હતું કે રશિયન સૈનિકોને રેડિયેશનનો ભોગ બનવું પડ્યું હતું.
યુએનના એટોમિક વોટડોગના વડા રાફેલ ગ્રોસીએ બુધવારે દક્ષિણ યુક્રેન પરમાણુ વીજ પ્લાન્ટની મુલાકાત લીધી હતી, કારણ કે રશિયાના આક્રમણથી પરમાણુ અકસ્માતની આશંકા વધી હતી. ગ્રોસીએ સંઘર્ષના જોખમો વિશે વારંવાર ચેતવણી આપી છે. યુક્રેન પાસે ચાર સક્રિય પરમાણુ પાવર પ્લાન્ટમાં 15 રિએક્ટર છે, તેમજ ચેર્નોબિલ સહિત પરમાણુ કચરાના ભંડાર છે.
40 લાખ લોકોએ યુક્રેન છોડ્યું: UN
યુએનની શરણાર્થી એજન્સીએ કહ્યું છે કે રશિયાના હુમલા બાદથી 40 લાખથી વધુ લોકોએ યુક્રેન છોડી દીધું છે. એજન્સીએ કહ્યું કે બીજા વિશ્વયુદ્ધ પછી યુરોપમાં આ સૌથી મોટી શરણાર્થી સંકટ છે. યુનાઈટેડ નેશન્સ હાઈ કમિશનર ફોર રેફ્યુજીએ બુધવારે એક વેબસાઈટ પર પોસ્ટ કર્યું કે અત્યાર સુધીમાં લગભગ 40 લાખ 10 હજાર લોકોએ યુક્રેન છોડી દીધું છે. તેમાંથી 23 લાખ લોકો પોલેન્ડમાં પ્રવેશ્યા છે. સહાય કર્મચારીઓએ જણાવ્યું હતું કે યુક્રેનમાં લગભગ 65 લાખ લોકો બેઘર થઈ ગયા છે.
આ પણ વાંચો: બે રશિયન અવકાશયાત્રીઓ સાથે પૃથ્વી પર પાછા ફર્યા US અવકાશયાત્રીઓ, બનાવ્યો આ રેકોર્ડ