Budget Session 2022: રશિયા-યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધ અંગે વિદેશ મંત્રી જયશંકર મંગળવારે સંસદમાં આપશે નિવેદન
બજેટ સત્ર દરમિયાન વિદેશ મંત્રી એસ જયશંકર રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ભારતના સ્ટેન્ડ વિશે પણ વાત કરશે. ઓપરેશન ગંગા હેઠળ ભારતે યુક્રેનમાંથી બાંગ્લાદેશ, નેપાળ અને પાકિસ્તાન જેવા પાડોશી દેશોના કેટલાક નાગરિકોને પણ બહાર કાઢ્યા છે.
Budget Session 2022: સંસદના બજેટ સત્રનો બીજો તબક્કો (Budget Session 2022) આજથી શરૂ થયો છે. બજેટ સત્ર દરમિયાન વિદેશ મંત્રી એસ. જયશંકર (External Affairs Minister S Jaishankar) પણ નિવેદન આપશે. યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધ અને ‘ઓપરેશન ગંગા’ (Operation Ganga) અંગે તેઓ મંગળવારે સંસદમાં લોકસભા અને રાજ્યસભામાં નિવેદન આપશે. આ દરમિયાન તેઓ આ મુદ્દે પણ વાત કરશે કે રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા આ વિવાદમાં ભારતનું વલણ શું છે. રવિવારે, કોંગ્રેસના રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે, તેમની પાર્ટી યુક્રેનથી પરત ફરી રહેલા મેડિકલ વિદ્યાર્થીઓની ચિંતા બજેટ સત્રમાં ઉઠાવશે.
24 ફેબ્રુઆરીએ કેન્દ્ર સરકારે રશિયન હુમલાનો સામનો કરી રહેલા યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓને બહાર કાઢવા માટે ઓપરેશન ગંગા શરૂ કરી. આ કામના સંકલન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચાર કેન્દ્રીય મંત્રીઓને જુદા જુદા દેશોમાં મોકલ્યા હતા. આ અંતર્ગત કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુને સ્લોવાકિયા, જ્યોતિરાદિત્ય સિંધિયાને હંગેરી, હરદીપ સિંહ પુરીને રોમાનિયા અને જનરલ વીકે સિંહને પોલેન્ડ મોકલવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં ભારતે યુક્રેનમાં ફસાયેલા લગભગ 20,000 લોકોને 80થી વધુ વિશેષ ફ્લાઇટ્સ દ્વારા બહાર કાઢ્યા છે.
ભારતે તેના પડોશી દેશોના નાગરિકોને પણ યુક્રેનમાંથી બહાર કાઢ્યા હતા
ઓપરેશન ગંગા હેઠળ ભારતે યુક્રેનમાંથી બાંગ્લાદેશ, નેપાળ અને પાકિસ્તાન જેવા પાડોશી દેશોના કેટલાક નાગરિકોને પણ બહાર કાઢ્યા છે. આ દરમિયાન ભારતીયોને બસ અને ટ્રેન મારફતે યુક્રેનની પશ્ચિમી સરહદો પર લાવવામાં આવ્યા હતા અને ત્યાંથી તેમને વિમાન દ્વારા ભારત મોકલવામાં આવ્યા હતા.
ભારતે આ રીતે તેમનો આભાર વ્યક્ત કર્યો
તેમણે યુક્રેનના પડોશી દેશો રોમાનિયા, હંગેરી, પોલેન્ડ, સ્લોવાકિયા અને મોલ્ડોવાનો પણ ‘ઓપરેશન ગંગા’ અભિયાન હેઠળ ભારતીય નાગરિકોને પરત લાવવામાં તેમના “અભૂતપૂર્વ સહકાર” માટે આભાર માન્યો હતો. જયશંકરે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિર્દેશો પર શરૂ કરવામાં આવેલ ‘ઓપરેશન ગંગા’માં નેતૃત્વ અને પ્રતિબદ્ધતા બંને પ્રદર્શિત કરવામાં આવ્યા હતા અને અમે આ ઉદ્દેશ્યની પરિપૂર્ણતામાં તેમના સહયોગ માટે દરેકનો આભાર માનીએ છીએ.