Breaking News : ચૂંટણી કમિશનર સામે કેસ ના કરી શકવાના અધિકારને પડકારાયો, સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર- ચૂંટણી પંચ પાસે માગ્યો જવાબ
સુપ્રીમ કોર્ટે, ચૂંટણી કમિશનર સામેની ન્યાયીક કાર્યવાહીથી આજીવન મુક્તિ આપતા કાયદાની માન્યતા ચકાસવા માટેની સંમતિ આપી છે. વર્ષ 2023 માં પસાર થયેલો આ કાયદો, મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરોને તેમની સત્તાવાર કાર્યવાહી માટે ન્યાયીક કાર્યવાહી કાર્યવાહી સામે રક્ષણ આપે છે.

સુપ્રીમ કોર્ટે સંસદ દ્વારા પસાર કરાયેલા કાયદાની માન્યતા તપાસવા સંમતિ આપી છે. જે મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરોને કાર્યવાહીથી આજીવન મુક્તિ આપે છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે તેઓ તપાસ કરશે કે શું આ મુક્તિ, જે રાષ્ટ્રપતિ કે રાજ્યપાલને આપવામાં આવતી નથી, તે મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી પંચને આપી શકાય છે કે નહીં ? લોક પ્રહરી NGO દ્વારા દાખલ કરાયેલી અરજી પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચને નોટિસ ફટકારી છે, જેમાં ચાર અઠવાડિયામાં જવાબ માંગવામાં આવ્યો છે.
મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી બેન્ચ સમક્ષ, ચૂંટણી કમિશનરો સામે કેસ ના થઈ શકે તેવા અધિકારને પડકારતી અરજી ઉપર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે, કેન્દ્ર સરકાર, ચૂંટણી પંચ અને અન્યોને કારણદર્શક નોટિસ ફટકારી છે, જેમાં ચાર અઠવાડિયામાં જવાબ માંગવામાં આવ્યો છે.
મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરો તેમના સત્તાવાર હોદ્દા પર રહીને કાનૂની રક્ષણ મેળવે છે. આ બાબતે બિન-સરકારી સંસ્થા (NGO), લોક પ્રહરી દ્વારા એક અરજી દાખલ કરવામાં આવી છે. તેની અરજીમાં, NGO એ આ મુક્તિને ગેરવાજબી ગણાવી છે. આ ઉગાઉ કોંગ્રેસે પણ આવો જ વિરોધ વ્યક્ત કર્યો છે.
કાયદો શું છે?
કેન્દ્રની મોદી સરકારે 2023 માં એક કાયદો રજૂ કર્યો હતો. આ કાયદો સંસદના બંને ગૃહોમાં એક જ સમયે પસાર થયો હતો. આ કાયદા અનુસાર, કોઈ પણ કોર્ટ, મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરો સામે સત્તાવાર ફરજ દરમિયાન લેવામાં આવેલા પગલાં (જેમ કે ચૂંટણી નિર્ણયો, નિવેદનો અને કાર્યવાહી) માટે FIR કે કેસ દાખલ કરી શકતી નથી. આ રક્ષણ વર્તમાન અને ભૂતપૂર્વ કમિશનરો બંનેને લાગુ પડે છે. આનો અર્થ એ છે કે પદ પર હોય ત્યારે અથવા નિવૃત્તિ પછી પણ તેમની સામે કોઈ કેસ દાખલ કરી શકાતો નથી. આ કાયદો સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ ઘડવામાં આવ્યો હતો.
NGO એ કાયદાનો વિરોધ કર્યો હતો
લોક પ્રહરી NGO એ તેની અરજીમાં દલીલ કરી હતી કે, પદ પર રહીને ખોટું કામ કર્યું હોવા છતાં કેસ દાખલ ન કરવો તે અન્યાયી છે. સંતુલન મહત્વપૂર્ણ છે. સુપ્રીમ કોર્ટે હવે આ બાબતે નોટિસ જાહેર કરીને સરકાર અને ચૂંટણી પંચ પાસેથી જવાબ માંગ્યો છે. વિરોધ મુખ્યત્વે સંસદ દ્વારા પસાર કરાયેલા આ કાયદામાં કેસ દાખલ કરવાની છૂટને કારણે છે. કોંગ્રેસે પણ આ કાયદો જ્યારે લાવવામાં આવ્યો તે સમયે સંસદમાં તેનો જોરદાર વિરોધ કર્યો હતો. હવે, આ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી યોજાઈ છે.
નોટિસ ફટકારાયા બાદ, સરકાર આ મામલે કાયદાનો અમલ કેવી રીતે કરે છે તે જોવાનું બાકી છે. વધુમાં, ચૂંટણી પંચ તરફથી શું પ્રતિભાવ આવે છે તેના પર કાયદાવિંદો બારીકાઈથી નજર રાખી રહ્યાં છે.
સુપ્રીમ કોર્ટે, આપેલા ઐતિહાસિક ચુકાદાઓ અને કાનુની કાર્યવાહી અંગેના તમામ નાના મોટા મહત્વના સમચાર જાણવા માટે આપ અહીં ક્લિક કરો.