ભારતનું “પાવરહાઉસ” અને ₹5 બિલિયનનું બજાર ! ‘દિલ્હી બોમ્બ વિસ્ફોટ’ માટે હુમલાખોરોએ ‘લાલ કિલ્લા’ વિસ્તારને જ કેમ પસંદ કર્યો ?
14 વર્ષ પછી રાજધાની દિલ્હી ફરી એકવાર હચમચી ઉઠી છે. 'સત્તા અને વ્યવસાયનું કેન્દ્ર' જ્યાં સુરક્ષા હંમેશા કડક રહે છે, દિલ્હીમાં થયેલા આ હુમલાએ ઘણા પ્રશ્નો ઉભા કર્યા છે.

14 વર્ષ પછી, રાજધાની દિલ્હી ફરી એકવાર હચમચી ઉઠી છે. સત્તા અને વ્યવસાયનું કેન્દ્ર, જ્યાં સુરક્ષા હંમેશા કડક રહે છે, દિલ્હીમાં થયેલા આ હુમલાએ ઘણા પ્રશ્નો ઉભા કર્યા છે. અગાઉ, વર્ષ 2011 માં દિલ્હી હાઈકોર્ટમાં અને વર્ષ 2008 માં કરોલ બાગના ગફ્ફાર માર્કેટમાં પાવરફુલ વિસ્ફોટ થયા હતા.
એક બ્લાસ્ટ અને સવાલ ઘણા બધા
વર્ષ 2005 માં સરોજિની નગર માર્કેટમાં બોમ્બ વિસ્ફોટ થયો હતો. જો કે, આ વખતે નિશાન લાલ કિલ્લો હતો, જે જૂની દિલ્હીનો ખૂબ જ ભીડવાળો વિસ્તાર છે. આ એ જ લાલ કિલ્લો છે, જ્યાંથી વડાપ્રધાન દર વર્ષે 15 ઓગસ્ટે ત્રિરંગો ફરકાવતા હોય છે. આ એ જ લાલ કિલ્લો છે, જ્યાં સુરક્ષા દળો તૈનાત હોય છે અને દરેક ખૂણા પર CCTV ની દેખરેખ રાખવામાં આવે છે. એવામાં સવાલ એ છે કે, વિસ્ફોટ માટે આટલું સેન્સિટિવ સ્પોટ જ કેમ પસંદ કરવામાં આવ્યું?
‘લાલ કિલ્લામાં’ શું છે ખાસ?
‘લાલ કિલ્લો’ એ એક ઐતિહાસિક વિસ્તાર છે. આમ જોઈએ તો, જે જગ્યાએ બોમ્બ વિસ્ફોટ થયો તે નેતાજી સુભાષ માર્ગની એક બાજુ છે, ત્યાં લાલ કિલ્લાની કિલ્લેબંધી છે. બીજીબાજુ એશિયાનું સૌથી મોટું બજાર ચાંદની ચોક છે, 150 મીટરના અંતરે પ્રાચીન લોકપ્રિય ગૌરી શંકર મંદિર, જૈન મંદિર, ગુરુદ્વારા શીશગંજ સાહિબ છે. ત્યાંથી થોડા આગળ જતાં દરિયાગંજ બજાર, લાલ કિલ્લાની નજીકનું શેરી બજાર અને લાખો લોકોની ભીડને આકર્ષિત કરતા બીજા મહત્વપૂર્ણ સ્થળો છે.
6,00,000 થી 7,00,000 જેટલા લોકો ટાર્ગેટ પર
લગ્નની સીઝન દરમિયાન, ચાંદની ચોકમાં લોકોની ભીડનો અંદાજ લગાવવો મુશ્કેલ છે. આ સ્થળે દરરોજ 6,00,000 થી 7,00,000 લોકો મુલાકાત લે છે. ફક્ત દિલ્હીના રહેવાસીઓ જ નહીં પરંતુ દેશ અને દુનિયાભરના લોકો આ વિસ્તારની મુલાકાત લે છે. પરિણામે, લાલ કિલ્લાના આ વિસ્તારને એક ષડયંત્રના ભાગ રૂપે ‘બોમ્બ વિસ્ફોટ સ્થળ’ તરીકે પસંદ કરવામાં આવ્યું હતું.
સૂત્રો મુજબ, હુમલાખોરોએ આ હુમલો ખૂબ જ કાળજીપૂર્વક આયોજન કરીને કર્યો હતો. જગ્યા અને સમય બંનેની પસંદગી એવી રીતે કરવામાં આવી કે, લોકોની ભીડ વધુ હોય. સાંજના લગભગ 6:53 વાગ્યે, જ્યારે મોટાભાગના લોકો કામ પરથી ઘરે પરત ફરી રહ્યા હતા અથવા ખરીદીમાં વ્યસ્ત હતા, ત્યારે આ ઘટના બની.
ફરીદાબાદ સાથે શું છે ‘કનેક્શન’?
લાલ કિલ્લા બ્લાસ્ટને ફરીદાબાદમાં આશરે 3,000 કિલોગ્રામ વિસ્ફોટકોની રિકવરી સાથે જોડવામાં આવી રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, લાલ કિલ્લા વિસ્ફોટમાં એમોનિયમ નાઈટ્રેટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ વિસ્ફોટકને આતંકવાદી કોડ વર્ડ્સમાં ‘સફેદ પાવડર’ તરીકે પણ ઓળખવામાં આવે છે.
આખું ‘ચાંદની ચોક’ નિશાન પર!
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દિલ્હી લાલ કિલ્લા વિસ્ફોટનો ગુનેગાર પુલવામાનો ડૉ. ઉમર મોહમ્મદ હતો, જે જૈશ-એ-મોહમ્મદ આતંકવાદી નેટવર્ક સાથે સંકળાયેલો છે. રોઇટર્સના એક રિપોર્ટ મુજબ, જો લાલ કિલ્લા વિસ્ફોટમાં વપરાયેલા એમોનિયમ નાઈટ્રેટનું પ્રમાણ થોડું વધારે હોત તો આખું ચાંદની ચોક ઊડી ગયું હોત. ‘ચાંદની ચોક’ સદર બજાર સાથે ઉત્તર ભારતના પાવરહાઉસ તરીકે ઓળખાય છે. ઉત્તર પ્રદેશ, બિહાર અને પંજાબના દુકાનદારો તેમજ વેપારીઓ અહીં જથ્થાબંધ ખરીદી માટે આવે છે.
બ્લાસ્ટ માટે ‘લાલ કિલ્લો’ જ કેમ?
લાલ કિલ્લાનો આ વિસ્તાર મોટી ભીડને પણ આકર્ષે છે, જેના કારણે આતંકવાદીઓ માટે તેમની ઓળખ છુપાવવી સરળ બને છે. તેઓ ભીડમાં સરળતાથી છુપાઈ શકતા હતા. વોલમાર્ટના અહેવાલ મુજબ, દેશના સૌથી મોટા જથ્થાબંધ બજારોમાંના એક ચાંદની ચોકમાં વાર્ષિક ₹50 લાખ કરોડથી વધુનો ટર્નઓવર છે.
આનો અર્થ એ થયો કે, વિસ્ફોટ પછી આ બજારને ડરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો બજાર એક દિવસ માટે પણ બંધ રાખવામાં આવે તો સંભવિત નુકસાન ₹14,000 કરોડ થવાનો અંદાજ છે. ચાંદની ચોક ઉપરાંત સદર બજારમાં અંદાજે ₹300 કરોડનો દૈનિક વ્યવહાર થાય છે. ચાંદની ચોકની સાંકડી ગલીઓ 27,000 થી વધુ કપડાંની દુકાનો છે. જૂની હવેલીઓ અને દુકાનો ‘જૂની દિલ્હી’ની ઝલક આપે છે.
વિસ્ફોટ પાછળ મુખ્ય કારણ કયું?
આ પરથી સ્પષ્ટ છે કે, આતંકવાદીઓએ લાલ કિલ્લાના વિસ્તારને મહત્તમ નુકસાન પહોંચાડવા માટે પસંદ કરેલ હતું. માત્ર જાનમાલનું જ નહીં પરંતુ સંપત્તિને પણ ભારે નુકસાન થયું છે. વિસ્ફોટથી લોકોમાં ભય ફેલાયો છે. જો લોકો ચાંદની ચોક બાજુ જવાનું ટાળશે, તો વ્યાપારિક નુકસાન થશે. આનો અર્થ એ થયો કે, વિસ્ફોટમાં માત્ર 8 નિર્દોષ લોકોના જીવ ગયા નથી પરંતુ દેશના અર્થતંત્રને પણ નુકસાન થયું છે.
