સંસદમાં અભદ્ર ભાષા બોલતા રમેશ બિધુરીના વાયરલ થયેલા વીડિયોમાં હસતા દેખાતા રવિશંકર અને હર્ષવર્ધને કરી સ્પષ્ટતા
ગુરુવારે, સંસદના વિશેષ સત્રના ચોથા દિવસે, ભાજપ સાંસદ રમેશ બિધુરીએ BSP સાંસદ દાનિશ અલી વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કર્યા બાદ સત્તાધારી પક્ષ ઉપર ચારે બાજુથી શાબ્દિક હુમલો થઈ રહ્યો છે. વિવાદ વચ્ચે વાયરલ થયેલા વીડ઼િયોમાં ભાજપના નેતાઓ હર્ષવર્ધન અને રવિશંકર પ્રસાદ બંને નેતાઓ હસતા જોવા મળી રહ્યા છે. આ બાદ બન્ને નેતાઓએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર ખુલાસો કર્યો છે.
દક્ષિણ દિલ્હીના બીજેપી સાંસદ રમેશ બિધુરી દ્વારા લોકસભામાં BSP સાંસદ દાનિશ અલી વિરુદ્ધ કરવામાં આવેલી અભદ્ર ટિપ્પણીનો મુદ્દાએ વિવાદ સર્જયો છે. કોંગ્રેસ સહિત INDIA ગઠબંધનના પક્ષો બિધુરીના નિવેદનને અભદ્ર ગણાવી રહ્યા છે અને ભાજપ પાસેથી રમેશ બિધુરી સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. બિધુરી વિવાદમાં ભાજપના બે નેતા રવિશંકર પ્રસાદ અને હર્ષવર્ધન પણ ચર્ચામાં આવ્યા છે.
બિધુરીનો વાયરલ થયેલ વીડિયો શેર કરતી વખતે વિપક્ષે રવિશંકર પ્રસાદ અને હર્ષવર્ધનને પણ ઘેરવાનું શરૂ કરી દીધું છે. કારણ કે જે સમયે રમેશ બિધુરી દાનિશ અલી વિરુદ્ધ અભદ્ર ભાષા ઉચ્ચારી રહ્યા હતા, ત્યારે આ બંને નેતાઓ સંસદમાં તેમની આસપાસ હાજર હતા અને હસતા જોવા મળ્યા હતા. જો કે, આ સમગ્ર મામલે બંને નેતાઓએ સ્પષ્ટતા આપી છે અને વિપક્ષના આક્ષેપને ટાળ્યો છે.
વાસ્તવમાં સંસદના વિશેષ સત્રના ચોથા દિવસે (21 સપ્ટેમ્બર) બીજેપી સાંસદ રમેશ બિધુરી ચંદ્રયાન-3ની સફળતા પર બોલી રહ્યા હતા. આ દરમિયાન BSP સાંસદ દાનિશ અલીએ ટિપ્પણી કરી. ભાષણ દરમિયાન દાનિશ અલીની ટિપ્પણી સાંભળીને બીજેપી સાંસદ રમેશ બિધુરી ગુસ્સે થઈ ગયા. ચંદ્રયાન-3 પર પોતાના મંતવ્યો રજૂ કરતી વખતે, બિધુરી એટલા બધા ગરમ થઈ ગયો કે તેણે દાનિશ અલી વિરુદ્ધ અસંસદીય શબ્દોનો મારો ચલાવીને તમામ હદો વટાવી દીધી.
જો કે, લોકસભા અધ્યક્ષે ગૃહની કાર્યવાહીમાંથી બિધુરી દ્વારા ઉચ્ચારાયેલા અભદ્ર અને અસંસદીય શબ્દો રેકોર્ડ પરથી હટાવી દીધા હતા. સંસદની કાર્યવાહીમાંથી અપશબ્દો દૂર કરવામાં આવ્યા ત્યાં સુધીમાં આ વીડિયો સોશિયલ મીડિયા પર વ્યાપક વાયરલ થઈ ગયો હતો. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં બીજેપી સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉ. હર્ષ વર્ધન પણ બિધુરીની બાજુમાં બેસીને હસતા જોવા મળ્યા હતા.
હર્ષવર્ધન અને રવિશંકરે સ્પષ્ટતામાં શું કહ્યું?
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિપક્ષો અને વિપક્ષોના હુમલાઓ અંગે પોતાની સ્પષ્ટતા આપતાં હર્ષવર્ધને કહ્યું કે કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ પહેલેથી જ બંને પક્ષો દ્વારા આવી અયોગ્ય ભાષાના ઉપયોગની નિંદા કરી ચૂક્યા છે. હું મારા મુસ્લિમ મિત્રોને પૂછું છું કે જેઓ મારી વિરુદ્ધ બોલે છે, શું તેઓ ખરેખર માને છે કે હું ક્યારેય કોઈ એક સમુદાયની સંવેદનશીલતાને ઠેસ પહોંચાડતી અપમાનજનક ભાષાના ઉપયોગનો પક્ષકાર બની શકું? બીજેપી નેતાએ આ અંગે એક લાંબુ ટ્વીટ કરીને સમગ્ર બાબતે પોતાના વિચારો વ્યક્ત કર્યા છે.
मैंने ट्विटर पर अपना नाम ट्रेंड होते देखा है, जहां लोगों ने मुझे इस दुर्भाग्यपूर्ण घटना में बेवजह घसीटा है, जहां दो सांसद सदन में एक-दूसरे के खिलाफ असंसदीय भाषा का इस्तेमाल कर रहे थे।
हमारे वरिष्ठ और सम्मानित नेता श्री @rajnathsingh जी पहले ही दोनों पक्षों द्वारा इस तरह की…
— Dr Harsh Vardhan (@drharshvardhan) September 22, 2023
જ્યારે, આ સમગ્ર મામલે પૂર્વ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે પણ કહ્યું કે મે હંમેશા સંસદની અંદર અને બહાર ગૌરવપૂર્ણ વર્તનનું સમર્થન કર્યું છે અને હું પોતે પણ તેનું પાલન કરું છું. બીજેપી નેતાએ કહ્યું છે કે તેઓ એવી કોઈપણ ટિપ્પણીનું સમર્થન કરતા નથી જે અભદ્ર હોય.
संसद के अंदर और संसद के बाहर हमने हमेशा मर्यादित आचरण का समर्थन किया है और मैं स्वयं भी इसका पालन करता हूं। मैं ऐसी किसी भी टिप्पणी का समर्थन नहीं करता हूं जो अमर्यादित है।
— Ravi Shankar Prasad (@rsprasad) September 22, 2023
INDIA ગઠબંધનના નેતાઓનો ભાજપ પર હુમલો કર્યો
બિધુરીના નિવેદન પર વિપક્ષી ગઠબંધન ભારતના તમામ મોટા નેતાઓએ ભાજપ પર પ્રહારો કર્યા છે. રાહુલ ગાંધીથી લઈને લાલુ યાદવ અને અખિલેશ યાદવે ભાજપ પર પ્રહારો કર્યા છે. શુક્રવારે રાહુલ ગાંધી દાનિશ અલીના ઘરે પહોંચ્યા હતા અને તેમને મળ્યા હતા. રાહુલ ગાંધીએ પોતાના ટ્વિટર હેન્ડલ પર દાનિશ અલી સાથેની તસવીર શેર કરતા લખ્યું છે કે, ‘નફરતના બજારમાં પ્રેમની દુકાન.’ તસવીરમાં રાહુલ ગાંધી પણ દાનિશ અલીને ગળે લગાવતા જોવા મળે છે.
બીજી તરફ સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે બિધુરી પર પ્રહાર કરતા ભાજપને સત્તાના નશામાં ચકચુર ગણાવ્યા છે. તેમણે કહ્યું કે, લઘુમતી સાંસદ વિરુદ્ધ સંસદમાં આવી અભદ્ર ટિપ્પણી કરવી એ ગુનાહિત ઘટનાથી ઓછી નથી. જ્યારે, બસપા સુપ્રીમો માયાવતીએ પણ આ ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી છે અને બિધુરી સામે દાખલો બેસે તેવી કાર્યવાહીની માંગ કરી છે.