સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ પાકિસ્તાન પર ‘આકસ્મિક મિસાઈલ પડવાની ઘટના’ પર લોકસભામાં આપશે નિવેદન, જયશંકર યુક્રેન વિશે આપશે માહિતી
આ મામલે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને રવિવારે કહ્યું હતું કે પાકિસ્તાન પોતાના પંજાબ પ્રાંતમાં ભારતીય મિસાઈલ પડવા પર ભારતને જવાબ આપી શકતું હતું પણ અમે સંયમ દેખાડ્યો.
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ (Defence Minister Rajnath Singh) મંગળવારે સવારે 11 વાગ્યે પાકિસ્તાન પર ‘આકસ્મિક મિસાઈલ પડવાની ઘટના’ મામલે લોકસભામાં નિવેદન આપશે. જ્યારે વિદેશ મંત્રી એસ. જયશંકર (External Affairs Minister S Jaishankar) લગભગ 2:30 વાગ્યે યુક્રેનની (Ukraine) સ્થિતિ પર નિવેદન આપશે. અગાઉ શુક્રવારે, ભારત સરકારે કહ્યું હતું કે બે દિવસ પહેલા તેણે “આકસ્મિક રીતે” એક મિસાઈલ છોડી દીધી હતી, જે પાકિસ્તાનમાં આવી હતી અને નિયમિત જાળવણી દરમિયાન તકનીકી ખામીને કારણે આ ઘટના ‘ખુબ અફસોસજનક’ છે.
પાકિસ્તાન તરફથી કહેવામાં આવ્યું હતું કે 9 માર્ચના રોજ એક હથિયાર રહિત ભારતીય સુપરસોનિક મિસાઈલ પાકિસ્તાનના વિસ્તારમાં ઘુસી ગઈ હતી. મિસાઈલ લાહોરથી 275 કિમી દૂર મિયાં ચન્નુ પાસેના કોલ્ડ સ્ટોરને અથડાતા પહેલા તેને ઘણી એરલાઈન્સ માટે મોટો ખતરો ઉભો કર્યો હતો. જો કે મિસાઈલ પડવાને કારણે પાકિસ્તાનમાં કોઈ જાન-માલના નુકસાનના સમાચાર નથી. પાકિસ્તાન આ મામલે વારંવાર પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યું છે. જોકે, ભારતે કોર્ટ ઓફ ઈન્ક્વાયરીનો આદેશ પણ આપ્યો છે.
ઈમરાન ખાને શું કહ્યું?
આ મામલે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને રવિવારે કહ્યું હતું કે પાકિસ્તાન પોતાના પંજાબ પ્રાંતમાં ભારતીય મિસાઈલ પડવા પર ભારતને જવાબ આપી શકતું હતું પણ અમે સંયમ દેખાડ્યો. ઈમરાન ખાને આ મામલે પ્રથમ વખત પોતાની પ્રતિક્રિયા આપી છે.
સંયુક્ત તપાસની કરી માંગ
અગાઉ પાકિસ્તાનના વિદેશ કાર્યાલયે શનિવારે કહ્યું હતું કે તે પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં મિસાઈલના આકસ્મિક ફાયરિંગના ભારતના સરળ ખુલાસાથી સંતુષ્ટ નથી અને સંયુક્ત તપાસની માંગ કરી છે. પાકિસ્તાનના વિદેશ કાર્યાલયે જણાવ્યું હતું કે પાકિસ્તાને નવી દિલ્હીને તથ્યો સ્થાપિત કરવા માટે આ ઘટનાની સંયુક્ત તપાસનો પ્રસ્તાવ મૂક્યો છે કારણ કે મિસાઈલ પાકિસ્તાની ક્ષેત્રમાં આવી હતી. એફઓએ કહ્યું કે ભારત મિસાઈલના આકસ્મિક પ્રક્ષેપણ વિશે તાત્કાલિક માહિતી આપવામાં નિષ્ફળ રહ્યું છે. એફઓએ મિસાઈલો અને આવી ઘટનાઓ સામે ભારતના સુરક્ષા પગલા અંગે પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા.
આ પણ વાંચો: Surat : ગુજરાત સ્થાપના દિવસે જ સુરતના તમામ ઝોનમાં 50 બેડની નાની હોસ્પિટલ શરૂ કરવા કોર્પોરેશનનું આયોજન