ચોમાસાએ એક પછી એક રાજ્યોને ઘમરોળવાનું ચાલુ રાખતાં આ વખતે ઉત્તરાખંડ અને હિમાચલમાં હાહાકાર મચાવી દીધો. હિમાચલના લાહૌલ સ્પીતિમાં વાદળ ફાટવાના કારણે તબાહી સર્જાઈ તો ઉત્તરાખંડના કેદારનાથમાં સેનાનું રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. અત્યાર સુધીમાં 10 હજારથી વધુ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. મહારાષ્ટ્રમાં પણ ધોધમાર વરસાદના કારણે મુશ્કેલી સર્જાઇ છે. પુણેમાં વરસાદના કારણે સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. રાજસ્થાનમાં ભારે વરસાદને કારણે અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. જેને ધ્યાનમાં રાખીને અજમેર, જેસલમેર, ટોંક, બાડમેર, પાલી, બાલોતરા અને બુંદીમાં શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે.
રાજસ્થાનના બુંદી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 32 ઇંચ વરસાદ નોંધાતા રેલમછેલ થઈ ગયું છે. સતત વરસાદને પગલે જેતસાગર તળાવ અને નવલ સાગર તળાવ ઓવરફ્લો થયા છે. જેના કારણે ચારભુજા મંદિરથી સદર બજાર, ચૌમુખા બજાર, નાગડી બજારથી મીરાં ગેટ સુધી પાણી તેજ ગતિએ વહી રહ્યું છે. પાણીનો પ્રવાહ એટલો જોરદાર હતો કે કાર રમકડાંની જેમ પાણીમાં તરતી દેખાઈ હતી જેના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જુઓ બુંદી શહેરની ગલીઓમાં નદીઓ વહી રહી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે.
નાસિક અને પુણેના આસપાસના વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે જેને કારણે બાર જ્યોતિર્લિંગમાંના એક એવા ત્રમ્બકેશ્વર હાદેવના મંદિરમાં પાણી ભરાઈ ગયાં હતાં. ભારે વરસાદને કારણે મંદિરના દક્ષિણ દરવાજામાંથી પાણી અંદર ઘૂસ્યું હતું. દક્ષિણ દરવાજા પાસે આવેલું ગાયત્રી મંદર પણ પાણીમાં ડૂબી ગયું હતું. મંદિર પરિસર સિવાય ત્રમ્બકેશ્વરની બજાર, મેઇન રોડ અને તેલી ગલીમાં પણ પાણી ભરાઈ ગયાં હતાં. નાસિક શહેરને પાણી પૂરું પાડતા ગંગાપુર ડૅમમાં પાણીની આવક થવાથી ડૅમ 80 ટકા ભરાઈ ગયો છે. એથી વધારાનું પાણી છોડવામાં આવતાં ગોદાવરી નદીમાં પુરજોશમાં પાણી વહી રહ્યું છે. એટલું જ નહીં, નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં છે.
હિમાચલ પ્રદેશમાં વાદળ ફાટવાની ઘટના બાદ છેલ્લા પાંચ દિવસથી સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. હજુ પણ અનેક લોકો ગુમ છે. તેઓની શોધખોળ થઇ રહી છે. સેના અને NDRFની ટીમ સર્ચ ઓપરેશનમાં લાગેલી છે. આમ પાણીના પ્રચંડ પ્રહારથી એક સાથે દેશના 12 રાજ્યોમાં હાહાકારની સ્થિતિ જોવા મળી રહી છે. હજુ પણ આગામી દિવસોમાં પૂરની સ્થિતિ વણસી શકે છે.