‘કેન્દ્ર સરકારે ટેક્સ વસૂલાતમાં PhD કર્યું છે’, પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા પર રાહુલ ગાંધીનો સરકાર પર કટાક્ષ

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી કોરોના સંકટ દરમિયાન પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સરકાર પર હુમલો કરવાની કોઈ તક છોડતા નથી. તેમણે ફરી એક વખત પેટ્રોલ અને ડીઝલની વધેલી કિંમતો અંગે કેન્દ્ર સરકાર પર કટાક્ષ કર્યો છે.

'કેન્દ્ર સરકારે ટેક્સ વસૂલાતમાં PhD કર્યું છે', પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા પર રાહુલ ગાંધીનો સરકાર પર કટાક્ષ
Rahul Gandhi

કોંગ્રેસના (Congress) નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) કોરોના સંકટ દરમિયાન પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) અને તેમની સરકાર પર હુમલો કરવાની કોઈ તક છોડતા નથી. તેમણે ફરી એક વખત પેટ્રોલ (Petrol) અને ડીઝલની વધેલી કિંમતો અંગે કેન્દ્ર સરકાર પર કટાક્ષ કર્યો છે.

રાહુલ ગાંધીએ ટ્વિટર પર એક હિન્દી અખબારનો લેખ શેર કર્યો છે, જેનું શીર્ષક છે, ‘સરકારે આવક વેરા અને કોર્પોરેટ ટેક્સથી વધુ કમાણી પેટ્રોલ અને ડીઝલથી કરી છે’. આ લેખનો આધાર લઈ રાહુલે મોદી સરકાર પર નિશાન સાધતા લખ્યું કે ‘કેન્દ્ર સરકારે કર વસૂલાતમાં પીએચડી કર્યું છે’.

રાહુલ ગાંધીએ તેમના ટ્વિટર હેન્ડલ પર શેર કરેલા લેખ મુજબ, ‘ભારત સરકારને આવક વેરામાંથી 4.69 લાખ કરોડ રૂપિયા મળ્યા છે, જ્યારે ખાનગી કંપનીઓએ 4.57 લાખ કરોડનો કોર્પોરેટ ટેક્સ જમા કર્યો છે. બીજી તરફ, લોકોએ આ બંને કર કરતાં વધુ પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યૂટી અને વેટના રૂપમાં રૂ. 5.25 લાખ કરોડ ચૂકવ્યા છે. આ આંકડા જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરને બાદ કરતાં, ડિસેમ્બર 2020 ના છે.

આ પહેલા શુક્રવારે પણ રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું, જેમાં તેમણે કહ્યું હતું કે, મોદી સરકારનો વિકાસ એવો છે કે જો કોઈ દિવસ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધે નહીં, તો તે મોટો સમાચાર બની જાય છે.’ આ સાથે પ્રિયંકા ગાંધી અને કોંગ્રેસના અન્ય નેતાઓ સરકાર વિરુદ્ધ ટ્વીટ કરી રહ્યા છે.

અગાઉ તેમણે કહ્યું હતું કે, બેરોજગારી વધી રહી છે, બળતણના ભાવો આસમાને છે. રાહુલ ગાંધીએ વધુમાં લખ્યું છે કે ભાજપ દેશને વધુ કેટલી બધી રીતે લૂંટશે.

ઇંધણના ભાવમાં ફરી એક વખત વધારો કરવામાં આવ્યો છે

એક દિવસ સ્થિર રહ્યા બાદ, આજે બળતણની કિંમતમાં ફરી એકવાર વધારો થયો છે. ઘણા શહેરોમાં પેટ્રોલના ભાવ હવે લિટર દીઠ 100 રૂપિયાને પાર કરી ગયા છે. ભોપાલમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર રૂ. 105.43 અને ડીઝલનો ભાવ 96.65 રૂપિયા પ્રતિ લિટર છે.

મુંબઈમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ અનુક્રમે 103.36 અને 95.44 રૂપિયા પ્રતિ લિટર છે. દિલ્હીમાં આજે પેટ્રોલની કિંમત પ્રતિ લિટર 97.22 રૂપિયા છે અને ડીઝલની કિંમત પ્રતિ લિટર 87.97 રૂપિયા છે.