‘મૂર્ખ બનાવવાનું બંધ કરો, લોકો વાસ્તવિક રાહતના હકદાર’, રાહુલ ગાંધીએ પેટ્રોલ અને ડીઝલના ભાવને લઈને કેન્દ્ર સરકાર પર સાધ્યું નિશાન

'મૂર્ખ બનાવવાનું બંધ કરો, લોકો વાસ્તવિક રાહતના હકદાર', રાહુલ ગાંધીએ પેટ્રોલ અને ડીઝલના ભાવને લઈને કેન્દ્ર સરકાર પર સાધ્યું નિશાન
Rahul Gandhi
Image Credit source: File Image

રાહુલ ગાંધીએ કહ્યું કે સરકારે લોકોને મૂર્ખ બનાવવાનું બંધ કરવું જોઈએ અને મોંઘવારીથી પીડિત લોકોને વાસ્તવિક રાહત આપવી જોઈએ. તેને ધ્યાનમાં રાખીને તેમણે એક ટ્વીટ કર્યું અને આંકડાઓ દ્વારા ખુલાસો કર્યો કે કેવી રીતે સરકાર જનતાને મૂર્ખ બનાવી રહી છે.

TV9 GUJARATI

| Edited By: Kunjan Shukal

May 22, 2022 | 5:13 PM

કેન્દ્ર સરકારે શનિવારે વાહનોમાં વપરાતા ઈંધણ પરની એક્સાઈઝ ડ્યુટીમાં (Excise Duty) ઘટાડો કરીને લોકોને મોટી રાહત આપી છે. જ્યારે સરકારે પેટ્રોલમાં 8 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ પર 6 રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો કર્યો છે. સરકારના આ નિર્ણય બાદ રવિવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો, પરંતુ તેમ છતાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી(Rahul Gandhi) કેન્દ્ર સરકારના ઈરાદા પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે સરકારે લોકોને મૂર્ખ બનાવવાનું બંધ કરવું જોઈએ અને મોંઘવારીથી પીડિત લોકોને વાસ્તવિક રાહત આપવી જોઈએ. તેને ધ્યાનમાં રાખીને તેમણે એક ટ્વીટ કર્યું અને આંકડાઓ દ્વારા ખુલાસો કર્યો કે કેવી રીતે સરકાર જનતાને મૂર્ખ બનાવી રહી છે.

તેણે પોતાના ટ્વીટમાં જણાવ્યું કે 1 મે 2020ના રોજ પેટ્રોલની કિંમત 69.5 રૂપિયા પ્રતિ લીટર હતી. તે જ સમયે આ વર્ષે 1 માર્ચે પેટ્રોલની કિંમત 95.4 રૂપિયા પ્રતિ લિટર અને 1 મેના રોજ 105.4 રૂપિયા પ્રતિ લિટર હતી. હવે સરકારે 22 જુલાઈ એટલે કે આજે રેટ ઘટાડીને 96.7 રૂપિયા પ્રતિ લિટર કર્યો છે. તેમણે ખુલાસો કર્યો હતો કે કેન્દ્ર સરકાર પેટ્રોલ, ડીઝલ અને રાંધણગેસના ભાવમાં સતત વધારો કરીને નફો કરી રહી છે અને હવે ભાવમાં ઘટાડો કરીને લોકોની આંખમાં ધૂળ નાખવાનું કામ કરી રહી છે.

રેકોર્ડ સ્તર પર મોંઘવારી

જણાવી દઈએ કે છેલ્લા કેટલાક મહિનામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારા સિવાય એલપીજીની કિંમતોમાં પણ સતત વધારો થયો છે. જેના કારણે લોકોના બજેટને માઠી અસર થઈ રહી છે. તેને જોતા તમામ નિષ્ણાતો અને વિપક્ષી પાર્ટીઓ ઈંધણના ભાવમાં ઘટાડો કરવાની માંગ કરી રહ્યા હતા. આર્થિક નિષ્ણાતોએ કહ્યું કે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારાને કારણે જરૂરી વસ્તુઓની અવરજવર પણ મોંઘી થઈ ગઈ છે, જેના કારણે તેની કિંમતોમાં વધારો થયો છે. તેની અસર જથ્થાબંધ અને છૂટક ફુગાવાના આંકડામાં તીવ્ર વધારાના સ્વરૂપમાં પણ જોવા મળી હતી.

6 મહિના પહેલા પણ સરકારે એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો હતો

વધતી મોંઘવારી પર અંકુશ મેળવવા માટે રિઝર્વ બેંકે પણ રેપો રેટમાં 0.40 ટકાનો વધારો કરવો પડ્યો હતો. સરકારે અગાઉ 4 નવેમ્બર, 2021ના ​​રોજ પણ પેટ્રોલ પર પ્રતિ લિટર 5 રૂપિયા અને ડીઝલ પરની એક્સાઇઝ ડ્યુટીમાં 10 રૂપિયાનો ઘટાડો કર્યો હતો, પરંતુ માર્ચ, 2022ના બીજા પખવાડિયાથી પેટ્રોલ અને ડીઝલના ભાવ ફરીથી વધવા લાગ્યા. જે માટે રશિયા-યુક્રેન યુદ્ધને કારણે આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઈલના ભાવમાં થયેલો વધારો કારણભૂત હતો.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati