Punjab: રાહુલ ગાંધીની સુરક્ષામાં માત્ર 35 મિનિટમાં બે વખત ખામી જોવા મળી, કોંગ્રેસે કહ્યું- સુરક્ષામાં કોઈ ક્ષતિ નથી
હોશિયારપુરના બસ્સી ગામમાં જ્યારે યાત્રા ચાના બ્રેક માટે રોકાઈ ત્યારે પણ એક યુવક રાહુલ ગાંધીની (Rahul Gandhi) ખૂબ નજીક આવ્યો હતો, જેને સુરક્ષાકર્મીઓએ હટાવી દીધો હતો. સૌથી મોટો સવાલ એ છે કે આટલી કડક સુરક્ષા તોડીને પણ વ્યક્તિ રાહુલ ગાંધીની આટલી નજીક કેવી રીતે પહોંચી ગયો.
પંજાબમાં રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા દરમિયાન પંજાબના હોશિયારપુરમાં રાહુલ ગાંધીની સુરક્ષામાં ચૂકનો મામલો સામે આવ્યો છે. એક યુવક ભીડમાં ઘૂસી ગયો અને અચાનક રાહુલ ગાંધીને ગળે લગાવવાનો પ્રયાસ કર્યો. આ પછી પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ અમરિંદર સિંહ રાજા અને ત્યાં હાજર સુરક્ષાકર્મીઓએ યુવકને દૂર કર્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે તે વ્યક્તિ સુરક્ષા કોર્ડન તોડીને રાહુલ ગાંધીની નજીક પહોંચી ગયો હતો.
આ ઘટના બાદ અનેક સવાલો ઉભા થયા
આ સિવાય હોશિયારપુરના બસ્સી ગામમાં જ્યારે યાત્રા ચાના બ્રેક માટે રોકાઈ ત્યારે પણ એક યુવક રાહુલ ગાંધીની ખૂબ નજીક આવ્યો હતો, જેને સુરક્ષાકર્મીઓએ હટાવી દીધો હતો. આ ઘટના 35 મિનિટની અંદર બની હતી. આ ઘટના બાદ અનેક સવાલો ઉભા થયા છે. સૌથી મોટો સવાલ એ છે કે આટલી કડક સુરક્ષા તોડીને પણ વ્યક્તિ રાહુલ ગાંધીની આટલી નજીક કેવી રીતે પહોંચી ગયો.
#WATCH | Punjab: A man tried to hug Congress MP Rahul Gandhi, during Bharat Jodo Yatra in Hoshiarpur, was later pulled away by workers.
(Source: Congress social media) pic.twitter.com/aybyojZ1ps
— ANI (@ANI) January 17, 2023
કોંગ્રેસે કહ્યું- સુરક્ષામાં કોઈ ખામી નથી
આ મામલે પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ અમરિંદર સિંહ રાજાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે સુરક્ષામાં કોઈપણ પ્રકારની ક્ષતિ રહી નથી. તેનો એક ચાહક તેને ગળે લગાવવા આવ્યો હતો. તેનો ઈરાદો ખરાબ નહોતો.
આ પણ વાંચો : રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાની પંજાબમાં એન્ટ્રી થતા જ વિરોધ શરૂ, કોંગ્રેસે સમાજ અને દેશને તોડવાનું કામ કર્યું
તમને જણાવી દઈએ કે કડકડતી ઠંડીમાં રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસની ભારત જોડો યાત્રા મંગળવારે સવારે પંજાબના ટાંડાથી ફરી શરૂ થઈ હતી. કોંગ્રેસની કન્યાકુમારીથી કાશ્મીર સુધીની કૂચનો પંજાબ તબક્કો બુધવારે ફતેહગઢ સાહિબના સરહિંદથી શરૂ થયો હતો. કોંગ્રેસના પંજાબ યુનિટના વડા અમરિંદર સિંહ રાજા, હરીશ ચૌધરી અને રાજકુમાર ચબ્બેવાલ સહિતના વરિષ્ઠ પક્ષના નેતાઓ રાહુલ ગાંધી સાથે જોવા મળ્યા હતા.
રાહુલ ગાંધી ફરી એકવાર તેમની પ્રખ્યાત સફેદ ટી-શર્ટ પહેરેલા જોવા મળ્યા હતા. મુલાકાત દરમિયાન, તે મહિલાઓના જૂથને મળ્યા અને તેમની સાથે ફોટોગ્રાફ્સ માટે પોઝ આપ્યા હતા. કોંગ્રેસના ભૂતપૂર્વ વડાએ સોમવારે કહ્યું હતું કે, યાત્રાને જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. તેમણે બેરોજગારી અને મોંઘવારી મુદ્દે ભારતીય જનતા પાર્ટી સરકાર પર નિશાન સાધ્યું.
30 જાન્યુઆરીએ આ યાત્રા શ્રીનગરમાં પૂર્ણ થશે
તામિલનાડુના કન્યાકુમારીથી 7 સપ્ટેમ્બરના રોજ શરૂ થયેલી ભારત જોડો યાત્રા 30 જાન્યુઆરીએ શ્રીનગરમાં પૂરી થશે, જ્યાં રાહુલ ગાંધી જમ્મુ અને કાશ્મીરની ઉનાળાની રાજધાનીમાં ત્રિરંગો ફરકાવશે. આ પદયાત્રા અત્યાર સુધીમાં તમિલનાડુ, કેરળ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને હરિયાણામાંથી પસાર થઈ છે.
ઈનપુટ – ભાષા