પ્રધાનમંત્રી મોદીએ કરી રોમાનિયાના પીએમ નિકોલાઈ સિઉકા સાથે ફોન પર વાત, યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકોની મદદ માટે વ્યક્ત કર્યો આભાર
રશિયા-યુક્રેન તણાવ વચ્ચે ભારત દ્વારા યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને બચાવવા માટે સતત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ માટે યુક્રેનના પાડોશી દેશોની પણ મદદ લેવામાં આવી રહી છે.
રશિયા-યુક્રેન તણાવ (Russia-Ukraine) વચ્ચે ભારત દ્વારા યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને બચાવવા માટે સતત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ માટે યુક્રેનના પાડોશી દેશોની પણ મદદ લેવામાં આવી રહી છે. આ દરમિયાન, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) સોમવારે રોમાનિયાના (Romania) પીએમ નિકોલાઈ સિઉકા સાથે ફોન પર વાત કરી અને ભારતીય નાગરિકોની સુરક્ષિત વાપસી માટે આપવામાં આવેલી મદદ બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો. તેમણે ભારતીય નાગરિકોને વિઝા વિના રોમાનિયામાં પ્રવેશવાની મંજૂરી આપવા અને ભારતમાંથી વિશેષ સ્થળાંતર ફ્લાઇટને મંજૂરી આપવા બદલ તેમની પ્રશંસા કરી.
આ સાથે તેમણે નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાના તેમના વિશેષ દૂત તરીકે રોમાનિયા જવા વિશે પણ પીએમ નિકોલાઈ સિઉકાને જાણ કરી . જ્યાં તેઓ ભારતીયોની સુરક્ષિત વાપસી સુનિશ્ચિત કરવા માટે સંકલન સ્થાપિત કરશે. વડાપ્રધાને યુક્રેનમાં ચાલી રહેલી હિંસા અને માનવીય સંકટ અંગે પણ દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે દુશ્મનાવટનો અંત લાવવા અને વાતચીત માટે ભારતની સતત અપીલનો પુનરોચ્ચાર કર્યો. વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રોની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનું સન્માન કરવાના મહત્વ પર પણ ભાર મૂક્યો હતો.
યુક્રેનમાં ફસાયેલા નાગરિકોને પરત લાવવા ‘ઓપરેશન ગંગા’
રશિયા યુક્રેન યુદ્ધના પગલે અનેક ભારતીયો ત્યાં ફસાઈ ચૂક્યા છે. જેમને વતન ફરીથી લઈ આવવા માટે ભારત સરકાર દ્વારા ‘ઓપરેશન ગંગા’ હાથ ધરવામાં આવ્યું છે. ‘ઓપરેશન ગંગા’ અંતર્ગત રવિવારે હંગેરીની રાજધાની બુડાપેસ્ટથી 240 ભારતીય નાગરિકોને લઈને આ મિશનની ત્રીજી ફ્લાઈટ દિલ્હી જવા રવાના થઈ ચૂકી છે. આ પહેલા પણ રશિયાના હુમલાના કારણે યુક્રેનમાં ફસાયેલા 250 ભારતીય નાગરિકોને લઈને રોમાનિયાના બૂડાપેસ્ટથી બીજી ફ્લાઈટ દિલ્હી એરપોર્ટ પર પહોંચી હતી.
ભારતે પોલેન્ડ, રોમાનિયા, હંગેરી અને સ્લોવાકિયામાં 24 કલાક કાર્યરત કંટ્રોલ રૂમ બનાવ્યા છે, જેથી ભારતીયોને આ દેશો સાથે જોડાયેલી યુક્રેનની સરહદેથી બહાર કાઢી શકાય. આ અંગે નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યું કે, લગભગ 13,000 ભારતીયો હજુ પણ યુક્રેનમાં ફસાયેલા છે અને સરકાર તેમને વહેલામાં વહેલી તકે વતન પરત લાવવાનો પ્રયાસ કરી રહી છે.