Mumbai : સંજય પાંડેની મુંબઈ પોલીસ કમિશનર તરીકે નિમણૂક, CP સહિત આ અધિકારીઓની થઈ બદલી
સંજય પાંડેને મુંબઈના નવા પોલીસ કમિશનર બનાવવામાં આવ્યા છે. જ્યારે મુંબઈના વર્તમાન પોલીસ કમિશનર હેમંત નાગરાલેની બદલી કરવામાં આવી છે.
Sanjay Pandey Mumbai CP : મુંબઈ પોલીસમાં (Mumbai Police) મોટા પાયે ફેરબદલ કરવામાં આવી છે. જેમાં સંજય પાંડેને મુંબઈના નવા પોલીસ કમિશનર (Mumbai Police Commissioner Sanjay Pandey) બનાવવામાં આવ્યા છે. જ્યારે મુંબઈના વર્તમાન પોલીસ કમિશનર હેમંત નાગરાલેની બદલી કરવામાં આવી છે. તેમના સ્થાને સંજય પાંડેને મુંબઈના નવા પોલીસ કમિશનર તરીકેનો કાર્યભાળ આપવામાં આવ્યો છે.
સંજય પાંડેને મુંબઈ પોલીસની જવાબદારી સોંપાઈ
સંજય પાંડેને સોમવારથી જ કાર્યભાર સંભાળવા માટે કહેવામાં આવ્યુ છે. તમને જણાવી દઈએ કે, સંજય પાંડે થોડા સમય પહેલા મહારાષ્ટ્ર સ્ટેટ સિક્યુરિટી કોર્પોરેશનના મેનેજિંગ ડાયરેક્ટર તરીકે કામ કરતા હતા. સાથે જ તેમની પાસે મહારાષ્ટ્રના ડીજીપીનો વધારાનો હવાલો હતો. આ અગાઉ રજનીશ સેઠની મહારાષ્ટ્રના ડીજીપી તરીકે નિમણૂક કરવામાં આવી હતી અને તેમની પાસેથી આ પદ લેવામાં આવ્યું હતું. જો કે હવે રાજ્ય સરકારે સંજય પાંડેને મુંબઈ પોલીસની જવાબદારી સોંપી છે.
રાજ્ય સરકારથી નારાજ હતા સંજય પાંડે
સંજય પાંડે વરિષ્ઠ IPS અધિકારી છે. જ્યારે મુંબઈ પોલીસ કમિશનરના પદ પરથી પરમબીર સિંહની હોમગાર્ડના વડાના પદ પર નિમણૂક કરવામાં આવી હતી, ત્યારે સંજય પાંડેને આ પદ પરથી હટાવીને મહારાષ્ટ્ર રાજ્ય સુરક્ષા નિગમના મેનેજિંગ ડાયરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ગયા વર્ષે માર્ચમાં કરાયેલા આ ફેરફારને કારણે તેઓ રાજ્ય સરકારથી નારાજ હતા.
આ અંગે તેમણે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને પત્ર પણ લખ્યો હતો. તેમણે કહ્યું હતું કે બદલી વખતે તેમની વરિષ્ઠતાને અવગણવામાં આવી હતી. આ પછી તેમને મહારાષ્ટ્રના ડીજીપી પદનો વધારાનો હવાલો આપવામાં આવ્યો હતો. તેઓ 1986 બેચના આઈપીએસ અધિકારી છે. તેણે IIT કાનપુરમાંથી કમ્પ્યુટર સાયન્સમાં B.Tech કર્યું છે.
હેમંત નાગરાલે મહારાષ્ટ્ર રાજ્ય સુરક્ષા નિગમના વડા તરીકે કાર્યભાર સંભાળશે
રાજ્ય સરકારે સંજય પાંડેને મહારાષ્ટ્ર સ્ટેટ સિક્યુરિટી કોર્પોરેશનના મેનેજિંગ ડિરેક્ટરના પદ પરથી મુંબઈ પોલીસ કમિશનર તરીકે નિયુક્ત કર્યા છે. તેમજ હેમંત નાગરાલેને મુંબઈના પોલીસ કમિશનરના પદ પરથી હટાવીને મહારાષ્ટ્ર રાજ્ય સુરક્ષા નિગમના મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. એટલે કે એક રીતે બંને વચ્ચે હોદ્દાની અદલાબદલી કરવામાં આવી છે.
આ પણ વાંચો : યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓને લઈને મહારાષ્ટ્ર ચિંતિત, NCP વડા શરદ પવારે વિદેશ મંત્રી જયશંકર સાથે કરી ચર્ચા