Breaking News : PNB કૌભાંડનો આરોપી ભાગેડુ મેહુલ ચોકસીની બેલ્જિયમમાં ધરપકડ
પંજાબ નેશનલ બેંક (PNB)ના ૨ અબજ ડોલરના કૌભાંડના બે મુખ્ય આરોપીઓમાંથી એક, ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોક્સીની બેલ્જિયમમાં ધરપકડ કરવામાં આવી છે. આ માહિતી સૂત્રો પાસેથી સામે આવી છે.

બે અબજ ડોલરના પંજાબ નેશનલ બેંક (PNB) કૌભાંડના બે મુખ્ય આરોપીઓમાંથી એક, ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોક્સીની બેલ્જિયમમાં ધરપકડ કરવામાં આવી છે. સીબીઆઈના સૂત્રોના હવાલાથી સામે આવેલ વિગતો અનુસાર, ભારત છોડીને ભાગી ગયા બાદ, તેને પકડવાના વર્ષોથી ચાલી રહેલા પ્રયાસોમાં મેહુલ ચોકસીની ધરપકડને એક મહત્વપૂર્ણ પગલું ગણાવવામાં આવી રહ્યું છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે મેહુલ ચોક્સીની સીબીઆઈની વિનંતી પર ધરપકડ કરવામાં આવી હતી. ભારતીય એજન્સીઓએ તેને બેલ્જિયમમાં શોધી કાઢ્યો હતો. હકીકતમાં, 2021 ના અંતમાં, તે એન્ટિગુઆથી ભાગી ગયો હતો. આ ભાગેડુ અંગે ભારતીય તપાસ એજન્સીઓ છેલ્લા બે મહિનાથી બેલ્જિયમની એજન્સીઓના સતત સંપર્કમાં હતી, ત્યારબાદ આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ભાગેડુ મેહુલ ચોક્સી હાલમાં પોલીસ કસ્ટડીમાં છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે નાદુરસ્ત તબિયત અને અન્ય કારણોસર બેલ્જિયમની કોર્ટમાંથી જામીન માંગી શકે છે.
મેહુલ ચોક્સી અને તેમના ભત્રીજા નીરવ મોદી પર પંજાબ નેશનલ બેંક (PNB) કૌભાંડમાં તેમની કથિત ભૂમિકાનો આરોપ છે, જ્યાં તેમના પર બેંક સાથે રુપિયા 13,850 કરોડથી વધુની છેતરપિંડી કરવાનો આરોપ છે. જ્યારે, મુંબઈની એક કોર્ટે મેહુલ ચોક્સી વિરુદ્ધ બે ધરપકડ વોરંટ ઈસ્યુ કર્યા છે. પહેલું વોરંટ 23 મે 2018 ના રોજ ઈસ્યુ કરવામાં આવ્યું હતું અને બીજું વોરંટ 15 જૂન 2021 ના રોજ ઈસ્યુ કરવામાં આવ્યું હતું. આ બન્ને વોરંટ પંજાબ નેશનલ બેંક (PNB) કૌભાંડના સંદર્ભમાં જાહેર કરવામાં આવ્યા હતા.