વડોદરા-સુરતને સાંકળતા દિલ્લી-મુંબઈ એક્સપ્રેસ વેના 246kmના પ્રથમ તબક્કાનું પીએમ મોદી આજે કરશે ઉદ્ઘાટન
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે દિલ્લી મુંબઈ એક્સપ્રેસ વેના પ્રથમ તબક્કાના સોહના દૌસા લાલસોટ સ્ટ્રેચનું ઉદ્ઘાટન કરશે. 246 કિલોમીટરના આ એક્સપ્રેસ વેના નિર્માણમાં લગભગ 1250 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. ગુજરાતના વડોદરા અને સુરત દિલ્લી-મુંબઈ એક્સપ્રેસ વે સાથે જોડાઈ જશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના સૌથી મોટા દિલ્લી-મુંબઈ એક્સપ્રેસ વે પર 246 કિલોમીટરના સોહના દૌસા લાલસોટના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કરશે. આ એક્સપ્રેસ વે શરુ થતાં દિલ્લીથી જયપુરનું અંતર માત્ર બે કલાકનું થઈ જશે. 1386 કિમીના સમગ્ર તબક્કાના પ્રારંભ પછી, દિલ્લીથી મુંબઈનું અંતર ફક્ત 12 કલાકનું રહેશે. આ વર્લ્ડ ક્લાસ એક્સપ્રેસ વે માત્ર મુસાફરીનો સમય જ નહીં પરંતુ વડોદરા અને સુરત સહીતના કેટલાય શહેરથી બીજા શહેર વચ્ચેનું રોડમાર્ગે અંતર પણ ઘટાડશે. આ સાથે દેશના એક ડઝનથી વધુ મોટા શહેરોને રાષ્ટ્રીય રાજધાનીથી સીધી કનેક્ટિવિટી મળશે.
વડાપ્રધાન કાર્યાલયે આ પ્રોજેક્ટને દેશના વિકાસનું એન્જિન ગણાવ્યું છે. NHAI અધિકારીઓના જણાવ્યા અનુસાર, અત્યાર સુધી દિલ્લીથી જયપુરની મુસાફરીમાં ચારથી પાંચ કલાકનો સમય લાગતો હતો, જ્યારે મુંબઈનું અંતર 24 કલાકથી ઓછા સમયમાં કવર કરી શકાતું હતું. પરંતુ આ એક્સપ્રેસ વે પર દિલ્લીથી નીકળીને તમે માત્ર બે કલાકમાં જયપુર અને આગામી દસ કલાકમાં મુંબઈ પહોંચી શકો છો. NHAI અનુસાર, વિશ્વસ્તરીય સુવિધાઓ સાથેનો આ 1386 કિમીનો એક્સપ્રેસ વે અનેક ભાગોમાં તૈયાર કરવામાં આવી રહ્યો છે. તેનો પહેલો સ્ટ્રેચ સોહના દૌસા લાલસોટ 246 કિમીનો રોડ તૈયાર છે અને આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજસ્થાનના દૌસામાં તેનું ઉદ્ઘાટન કરશે. આ અવસર પર, આ તબક્કાના બીજા છેડે, કેન્દ્રીય માર્ગ અને પરિવહન પ્રધાન નીતિન ગડકરી અને હરિયાણાના મુખ્ય પ્રધાન મનોહર લાલ આ રસ્તા પરથી બેરીયર દૂર કરીને લોકો માટે ખુલ્લો મુકશે.
એક્સપ્રેસવેની હકીકત ફાઇલ
NHAI અનુસાર, આ એક્સપ્રેસ વે દેશનો પ્રથમ સૌથી લાંબો એક્સપ્રેસ વે હશે. તેની કુલ લંબાઈ 1,386 કિમી છે. આ એક્સપ્રેસ દિલ્લીથી મુંબઈનું અંતર 12 ટકા ઘટાડશે. હાલમાં, દિલ્લીથી મુંબઈ રોડ માર્ગે 1,424 કિમી છે. જ્યારે આ એક્સપ્રેસ વેથી 1,242 કિમી થશે. તેવી જ રીતે, દિલ્લીથી મુંબઈની મુસાફરીમાં લાગતા સમયમાં 50 ટકાનો ઘટાડો થશે. અત્યાર સુધી આ પ્રવાસને કવર કરવામાં 24 કલાકનો સમય લાગતો હતો. પરંતુ આ એક્સપ્રેસ વે દ્વારા મુંબઈ માત્ર 12 કલાકમાં પહોંચી શકાય છે. આ એક્સપ્રેસ દેશના છ મોટા રાજ્યોમાંથી પસાર થશે. જેમાં દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે. ગુરુગ્રામ, કોટા, ઈન્દોર, જયપુર, ભોપાલ, વડોદરા અને સુરત જેવા મોટા શહેરો દિલ્લી અને મુંબઈ સાથે સીધા જોડાઈ જશે.
એક્સપ્રેસવે 93 ગતિ શક્તિ ઇકોનોમિક નોડને જોડશે
વડા પ્રધાન કાર્યાલય તરફથી જાહેર કરાયેલા અહેવાલ મુજબ, આ એક્સપ્રેસ વે સરકારના સૌથી મહત્વાકાંક્ષી 93 ગતિ શક્તિ આર્થિક નોડ પ્રોજેક્ટ્સને જોડશે. આ ઉપરાંત 13 એરપોર્ટ, આઠ મોટા એરપોર્ટ અને આઠ મલ્ટી મોડલ લોજિસ્ટિક પાર્કને પણ આ એક્સપ્રેસ વે દ્વારા જોડવામાં આવશે. આ ઉપરાંત નજીકના ભવિષ્યમાં નિર્માણ પામનાર જેવર, નવી મુંબઈ અને જેએનપીટી પોર્ટને પણ તેની સાથે જોડવામાં આવશે. આ એક્સપ્રેસ વે દેશના વેપાર અને કારોબારને ઝડપી બનાવશે. તેનાથી દેશમાં વિકાસની નવી શરૂઆત થશે.