અદાણી મુદ્દે સંસદમાં વિપક્ષ દ્વારા હોબાળો મચાવવાનું યથાવત રહ્યું છે. રાહુલ ગાંધીએ રાષ્ટ્રપતિના અભિભાષણ પર બોલતી વખતે પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો અને મોદી સરકાર પર ગંભીર આરોપો લગાવ્યા હતા. હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે લોકસભામાં તેનો જવાબ આપશે. માનવામાં આવે છે કે પીએમ મોદી રાહુલ ગાંધીના આરોપોનો જવાબ પણ આપી શકે છે.
અગાઉ, 3 દિવસની મડાગાંઠ પછી, મંગળવારે ગૃહમાં ચર્ચા શરૂ થઈ હતી, પરંતુ રાષ્ટ્રપતિના અભિભાષણને બદલે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે અદાણીને લઈને હોબાળો મચ્યો હતો. બંને પક્ષના સાંસદોએ એકબીજા પર આકરા આક્ષેપો કર્યા હતા.
રાહુલ ગાંધીએ લોકસભામાં કોંગ્રેસ વતી આગેવાની લીધી હતી. તેમણે કહ્યું કે, અદાણી 2014માં વિશ્વના સૌથી ધનિકોની યાદીમાં 609મા નંબરેથી માત્ર આઠ વર્ષમાં વિશ્વના બીજા સૌથી અમીર વ્યક્તિ બનવા પાછળનો જાદુ સરકારના હાથમાં છે.
ભાજપ વતી સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, અમેઠીમાં મેડિકલ કોલેજના નામે લીધેલી જમીન પર પરિવારે ગેસ્ટ હાઉસ બનાવ્યું છે. તો નિશિકાંત દુબેએ કહ્યું કે અદાણી, માલ્યા, ચોક્સી આ બધા કોંગ્રેસની ભેટ છે.
રાજ્યસભામાં પણ વિરોધ પક્ષોએ અદાણીનો મુદ્દો ઉઠાવ્યો હતો અને જાણવા માગ્યું હતું કે સરકાર આ મામલાની સંયુક્ત સંસદીય સમિતિ દ્વારા તપાસ કરાવવા કેમ તૈયાર નથી થઈ રહી ? હિંડનબર્ગના અહેવાલ બાદ વિપક્ષે અદાણીના બહાને સરકારને ઘેરી હતી.
રાહુલ ગાંધીએ ગઈકાલે લોકસભામાં અદાણી મુદ્દે સરકાર પર પસ્તાળ પાડી હતી. તેમણે ગૌતમ અદાણીને લઈને સરકારને અનેક વેધક સવાલો પૂછ્યા. લોકસભાના અધ્યક્ષે તેમને વારંવાર સંયમ રાખવા જણાવતા રહ્યા. રાહુલ ગાંધીએ કહ્યું કે, રાષ્ટ્રપતિના સંબોધનમાં ઘણી યોજનાઓ બોલાઈ, પરંતુ અગ્નિવીર માત્ર એક જ વાર બોલાયું. રાષ્ટ્રપતિના સંબોધનમાં બેરોજગારી અને મોંઘવારીનો કોઈ શબ્દ નહોતો કે નહોતી કોઈ વાત. જનતા કંઈક કહી રહી છે, પરંતુ રાષ્ટ્રપતિના સંબોધનમાં તે બાબતોની કોઈ વાતનો ઉલ્લેખ નથી.