OYO ના સ્થાપક રિતેશ અગ્રવાલના પિતાનું 20માં માળેથી પડી જવાથી મોત, રિતેશના 7 માર્ચે જ થયા હતા લગ્ન
ડેપ્યુટી કમિશનર વિજે જણાવ્યું કે મૃતકની ઓળખ ઓયો રૂમ્સના સંસ્થાપક રિતેશ અગ્રવાલના પિતા રમેશ અગ્રવાલ તરીકે થઈ છે. પ્રાથમિક તપાસમાં તેમણે આત્મહત્યા કરી હોવાનું બહાર આવ્યું છે. એપાર્ટમેન્ટની રેલિંગ 3.5 ફૂટની છે અને અચાનક પડી જવું અકુદરતી લાગે છે.

OYO રૂમ્સના સ્થાપક રિતેશ અગ્રવાલના પિતા રમેશ અગ્રવાલનું ગુડગાંવમાં બિલ્ડિંગના 20મા માળેથી પડી જવાથી મોત થયું હતું. આ અંગે શહેર પોલીસે તપાસ હાથ ધરી છે. રમેશ અગ્રવાલ તેની પત્ની સાથે એપાર્ટમેન્ટમાં રહેતા હતા. રિતેશ અગ્રવાલ એક જ બિલ્ડિંગમાં રહેતા નથી. આ ઘટના એવા સમયે બની છે જ્યારે ઘરમાં નવી વહુ આવવાની ઉજવણી ચાલી રહી છે. રિતેશ અગ્રવાલના લગ્ન 7 માર્ચે જ થયા હતા. આ લગ્નમાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ, અબજોપતિ રોકાણકાર અને સોફ્ટબેંકના ચેરમેન માસાયોશી સોન અને અન્ય મહાનુભાવોએ હાજરી આપી હતી.
મારા પિતા શ્રી રમેશ અગ્રવાલનું 10મી માર્ચે નિધન થયું છે: રિતેશ અગ્રવાલ
રિતેશ અગ્રવાલે કહ્યું કે, હું અને મારો પરિવાર ભારે હૃદય સાથે જણાવવા માંગીએ છીએ કે અમારા માર્ગદર્શક, મારા પિતા શ્રી રમેશ અગ્રવાલનું 10મી માર્ચે નિધન થયું છે. તેમણે સંપૂર્ણ જીવન જીવ્યું અને મને અને આપણામાંના ઘણાને દરરોજ પ્રેરણા આપી. તેમના અવસાનથી અમારા પરિવાર માટે અપુરતી ખોટ છે. તેમના શબ્દો જીવનભર અમારા હૃદયમાં ગુંજતા રહેશે. અમે દરેકને વિનંતી કરીએ છીએ કે દુઃખની આ ઘડીમાં અમારી ગોપનીયતાનું સન્માન કરો.
પ્રાથમિક તપાસમાં આત્મહત્યા કરી હોવાનું બહાર આવ્યું છે
ગુરુગ્રામના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (પૂર્વ) વીરેન્દ્ર વિજે જણાવ્યું હતું કે, પોલીસને શુક્રવારે DLF ધ ક્રેસ્ટ કોન્ડોમિનિયમમાંથી માહિતી મળી હતી કે 20મા માળેથી પડી જવાથી એક વ્યક્તિનું મૃત્યુ થયું છે, લાઈવ મિન્ટે અહેવાલ આપ્યો છે.
ડેપ્યુટી કમિશનર વિજે જણાવ્યું કે મૃતકની ઓળખ ઓયો રૂમ્સના સંસ્થાપક રિતેશ અગ્રવાલના પિતા રમેશ અગ્રવાલ તરીકે થઈ છે. પ્રાથમિક તપાસમાં તેમણે આત્મહત્યા કરી હોવાનું બહાર આવ્યું છે. એપાર્ટમેન્ટની રેલિંગ 3.5 ફૂટની છે અને અચાનક પડી જવું અકુદરતી લાગે છે. શુક્રવારે પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ સોંપવામાં આવ્યો છે.
3 દિવસ પહેલા થયા હતા રીતેશના લગ્ન
ખાસ વાત એ છે કે 3 દિવસ પહેલા એટલે કે 7 માર્ચે રિતેશ અગ્રવાલે નવી દિલ્હીમાં ફોર્મેશન વેન્ચર્સના ડિરેક્ટર ગીતાંશા સૂદ સાથે લગ્ન કર્યા હતા. જે બાદ આ ઘટના બની હતી. આ લગ્નમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, સોફ્ટબેંકના ચેરમેન માસાયોશી સોન અને Paytmના સ્થાપક વિજય શેખર શર્મા સહિત અન્ય અગ્રણી હસ્તીઓ હાજર રહી હતી.