Motor Vehicle Fines 2025: ટ્રાફિકના નિયમનો ભંગ કરવો હવે પડશે ખૂબ ભારે, સરકારે 10 ગણો વધાર્યો દંડ
સેન્ટ્રલ મોટર વાહન અધિનિયમ હેઠળ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરવું વાહનચાલકને હવે બહુ ભારે પડશે. 1 માર્ચ, 2025 થી સરકારે ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન માટેના દંડની રકમમાં ખુબ મોટો વધારો કર્યો છે. આને કારણે, કેટલાક કિસ્સાઓમાં દંડની રકમ 10 ગણી વધી છે. જાણો હવે કયા પ્રકારના ટ્રાફિક નિયમના ભંગ બદલ કેટલી સજા અને દંડની કરાઈ છે જોગવાઈ?

કેન્દ્ર સરકારે, સેન્ટ્રલ મોટર વ્હિકલ એક્ટ હેઠળ દંડની રકમમાં બારે વધારો કર્યો છે. સતત વધતા જતા માર્ગ અકસ્માતો અને ટ્રાફિકના નિયમોના સરેઆમ થતા ભંગના બનાવોને ઘટાડવા માટે દેશને નવા નિયમો હેઠળ કેટલાક કિસ્સાઓમાં 10 ગણો વધુ દંડ ચૂકવવો પડશે. સરકારનું માનવું છે કે આ વધેલા દંડને કારણે બેદરકારીથી કરતા ડ્રાઇવિંગમાં ઘટાડો નોંધાશે. ટ્રાફિક કાયદાઓનું પાલન સુનિશ્ચિત થશે અને માર્ગ સલામતીમાં પણ સુધારો થશે.
ખાસ કરીને બેદરકારીભર્યા ડ્રાઇવિંગ, દારુ પીવા અને ઓવરસ્પીડિંગ જેવા કિસ્સાઓમાં દંડ વધાર્યો છે. આ સિવાય કેટલાક ટ્રાફિકના નિયમોના ભંગ માટે જેલની સજા નક્કી કરવામાં આવી છે તો કેટલાક ગુનામાં ફરજિયાત સામાજીક સેવા કરવાની પણ જોગવાઈ દાખલ કરવામાં આવી છે.
દારુ પીને વાહન ચલાવવુ
જો દારુ પીને વાહન ચલાવતા પકડાશો તો પ્રથમ વખત, 10,000 અથવા 6 -મહિનાની જેલ અને દંડની સજા કરવામાં આવશે. આવી પરિસ્થિતિમાં ફરીથી પકડવા માટે રૂ .15,000 અને 2 વર્ષ સુધીની જેલની સજાની જોગવાઈ છે. પહેલા આ ગુના માટે દંડની રકમ 1000-1,500 હતી હવે તેમા 10 ગણો વધારો કરવામાં આવ્યો છે.
હેલ્મેટ ના પહેરવા અંગે
હેલ્મેટ વિના દ્વીચક્રી વાહન ચલાવવા માટે અગાઉ રૂપિયા 100 નો દંડ હતો, હવે તે વધારીને રૂ. 1000 કરવામાં આવ્યો છે. આ સિવાય, આવા કિસ્સામાં 3 મહિના માટે લાઇસન્સ પણ સસ્પેન્ડ કરી શકાય છે.
સીટ બેલ્ટ વિના કાર ચલાવવી
નિયમો અનુસાર, કાર ચલાવતા સમયે ડ્રાઇવર, સહ-પેસેન્જર સાથે તમામ મુસાફરોનો સીટ બેલ્ટ પહેરવુ ફરજિયાત છે. હવે કોઈ સીટ બેલ્ટ વગર કાર ચલાવતા પકડાશે તો 1000 રૂપિયા સુધી દંડ કરવામાં આવશે.
ડ્રાઇવિંગ દરમિયાન મોબાઇલ ફોનનો ઉપયોગ
કોઈપણ વાહન ચલાવતા સમયે મોબાઇલ ફોનનો ઉપયોગ ગંભીર અકસ્માતનું કારણ બની શકે છે. આવા વર્તનને રોકવા માટે, અત્યારે જે દંડની રકમ રૂ. 500 હતી તે વધારીને રૂપિયા 5,000 કરવામાં આવી છે. આ રીતે, ડ્રાઇવિંગ દરમિયાન મોબાઇલ ફોનના ઉપયોગને રોકવા માટે ગંભીર પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
જરૂરી દસ્તાવેજોના હોવા
ડ્રાઇવિંગ લાઇસન્સ વિના ડ્રાઇવિંગ કરવા સામે 5,000 રૂપિયાનો દંડ કરવામાં આવશે. આ સિવાય, વીમા પોલીસી વિના ડ્રાઇવિંગ બદલ 2,000 નો દંડ કરવામાં આવશે. આ સિવાય જરૂરી દસ્તાવેજો વીના વાહન ચલાવવા પર 3 મહિનાની જેલ અને સામાજીક સેવાની જોગવાઈ પણ છે.
પીયુસી વિના વાહન ચલાવવું
જો તમારી પાસે પોલ્યુશન અન્ડર કંટ્રોલ એટલે કે પીયુસી પ્રમાણપત્ર ના હોય તો, તમારે 10,000 રૂપિયા સુધીનો દંડ ચૂકવવો પડી શકે છે. આ સાથે જ, 6 મહિના સુધીની જેલની સજા અને સામાજીક સેવાની જોગવાઈ છે.
ત્રણ સવારી અને બેદરકારીભર્યુ ડ્રાઇવિંગ
દ્વિચક્રી વાહન પર ત્રણ સવારી સાથે મુસાફરી હવે વધુ મોંધી થશે. આવુ કરનારને 1000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. આ સિવાય, જોખમી, બેદરકારીભર્યું ખતરનાક ડ્રાઇવિંગ અથવા રેસિંગ બદલ 5,000 રૂપિયા દંડ કરવામાં આવશે. એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડ જેવા ઇમરજન્સી વાહનોને માર્ગ ન આપવા બદલ 10,000 રૂપિયાનો દંડ થશે.
સિગ્નલ તોડીને જવું હવે પડશે બહુ મોંધુ
સિગ્નલ તોડીને ભાગતા વાહનચાલકોને હવે 5,000 રૂપિયા દંડ કરવામાં આવશે. આ સિવાય, ઓવરલોડિંગના કિસ્સામાં દંડ રૂ. 2,000 થી 20,000 રૂપિયા કરવામાં આવ્યો છે.
સગીર વયે વાહન ચલાવવા પર આટલો થશે દંડ
સગીર લોકો દ્વારા કરવામાં આવેલા ટ્રાફિકના ઉલ્લંઘનને હવે 25,000 રૂપિયા દંડ કરવામાં આવશે અને 3 વર્ષની જેલની સજાની સાથે વાહનની નોંધણી રદ કરવા માટે કાર્યવાહી કરવામાં આવી શકે છે. આ સિવાય, સગીરને 25 વર્ષની વય સુધી ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવાથી પણ રોકી શકાય છે.
નો પાર્કિંગમાં વાહન પાર્ક કરવા પર આકરો દંડ
આવા કિસ્સાઓમાં પણ, ચલણની માત્રામાં વધારો થયો છે. અગાઉ, આવા કિસ્સાઓમાં 300 રૂપિયાનું એક ચલણ કાપવામાં આવતુ હતું. હવે નો પાર્કિંગ એરિયામાં વાહન પાર્ક કરવા માટે 1500 રૂપિયાનુ ચલણ ફટકારવામાં આવશે.
ગુજરાતના નાના મોટા શહેરના તમામ મહત્વના સમાચાર જાણવા માટે આપ અહીં ક્લિક કરો.