મોદીનો મક્કમ નિર્ધાર, કલ્પના પણ નહીં કરી હોય તે રીતે એક એકને ગોતી ગોતીને મારીશું, જુઓ વીડિયો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુરુવારે બિહારના મધુબની પહોંચ્યા હતા. અહીં એક જાહેર કાર્યક્રમને સંબોધિત કરતા તેમણે પાકિસ્તાનને સ્પષ્ટ અને કડક ભાષામાં સંદેશ આપ્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે આતંકવાદીઓને તેમની કલ્પના કરતા પણ ઘણી મોટી સજા મળશે. આતંકીઓને જમીનમાં દફનાવવાનો સમય આવી ગયો છે. પહેલગામમાં આતંકી હુમલા બાદ પીએમ મોદીનું આ પહેલું જાહેર સંબોધન હતું.

જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આવેલ બાઈસનમાં આતંકવાદીઓએ 22 એપ્રિલે નિર્દોષ અને નિઃશસ્ત્ર લોકોની નિર્દયતાથી હત્યા કરી છે. આ ઘટનાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બિહારના મધુબનીમાં જાહેર કાર્યક્રમમાં મક્કમ સ્વરે કહ્યું, આ ઘટનાથી દેશ આખો વ્યથિત છે. આખો દેશ માર્યા ગયેલા લોકોના પરિવાર સાથે ઉભો છે. ઘાયલોની સારવાર ચાલી રહી છે. સરકાર તેમની સંપૂર્ણ કાળજી લઈ રહી છે. આ હુમલામાં કોઈએ પોતાનો પુત્ર ગુમાવ્યો, કોઈએ તેનો ભાઈ ગુમાવ્યો, કોઈએ તેનો પતિ ગુમાવ્યો. તેમાંના કેટલાક બંગાળી બોલતા હતા, કેટલાક તમિલ બોલતા હતા, આ બધા માટે અમારું દુઃખ એક સરખું છે. આપણો ગુસ્સો એવો જ છે. આ હુમલો પ્રવાસીઓ પર નથી, ભારતની આત્મા પર છે. જેણે પણ આ હુમલો કર્યો છે, તે આતંકવાદીઓને તેમની કલ્પના કરતા પણ મોટી સજા મળશે.
PM મોદીએ બીજું શું કહ્યું?
પીએમ મોદીએ કહ્યું કે, આતંકીઓનો સફાયો કરવાનો સમય આવી ગયો છે. 140 કરોડ ભારતીયોની ઈચ્છાશક્તિ આતંકવાદીઓની કમર તોડી નાખશે. પીએમ મોદીએ કહ્યું કે આતંકવાદીઓને બક્ષવામાં આવશે નહીં. ન્યાય સુનિશ્ચિત કરવા માટે દરેક શક્ય પ્રયાસો કરવામાં આવશે. આખો દેશ આ સંકલ્પ પર અડગ છે. ભારત દરેક આતંકવાદી, તેના આકાઓ અને તેના સમર્થકોને ઓળખશે, ટ્રેક કરશે અને સજા કરશે.
વડા પ્રધાને કહ્યું કે, ભારતની આત્મા આતંકવાદથી ક્યારેય તૂટશે નહીં. આતંકવાદીઓને બક્ષવામાં આવશે નહીં. માનવતામાં વિશ્વાસ રાખનાર દરેક વ્યક્તિ અને દરેક દેશ અમારી સાથે છે. હું વિવિધ દેશોના લોકો અને તેમના નેતાઓનો આભાર માનું છું જેઓ આ મુશ્કેલ સમયમાં અમારી સાથે છે.
દિલ્હીમાં બેઠકોનો રાઉન્ડ
22 એપ્રિલે જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલો થયો હતો, જેમાં 28 લોકોના મોત થયા હતા. માર્યા ગયેલા લોકોમાં મોટાભાગના પ્રવાસીઓ હતા. આ ઘટના બાદ દેશમાં પાકિસ્તાન સામે ગુસ્સો છે. લોકો રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ દરમિયાન મોદી સરકાર એક્શન મોડમાં છે. બેઠકોનો સિલસિલો સતત ચાલી રહ્યો છે.
ગઈકાલ બુધવારે સાંજે CCSની બેઠક યોજાઈ હતી, જેમાં પાકિસ્તાનને લઈને કડક નિર્ણયો લેવામાં આવ્યા હતા. 1960ની સિંધુ જળ સંધિને સ્થગિત કરવામાં આવી હતી અને પાકિસ્તાન સાથેના રાજદ્વારી સંબંધોને ડાઉનગ્રેડ કરવાની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં તેના લશ્કરી એટેચીની હકાલપટ્ટીનો પણ સમાવેશ થાય છે.
જમ્મુ કાશ્મીર સહીત દેશભરના મહત્વના સમાચાર જાણવા માટે આપ અહીં ક્લિક કરો.