Mangal Pandey Birth Anniversary : દેશના પ્રથમ ક્રાંતિકારી મંગલ પાંડેની આજે 196મી જન્મજયંતિ, જાણો 1857ના ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં તેમના યોગદાન વિશે
મંગલ પાંડેની શહીદીએ ભારતમાં પ્રથમ ક્રાંતિના બીજ વાવ્યા હતા. ભારતની આઝાદીની પહેલી લડાઈ એટલે કે 1857નો સ્વતંત્રતા સંગ્રામ તેમના જ વિદ્રોહથી શરૂ થયો હતો.

Mangal Pandey Birth Anniversary : મંગલ પાંડેનું (Mangal Pandey) નામ ‘ભારતીય સ્વતંત્રતા સંગ્રામ’માં અગ્રણી યોદ્ધા તરીકે લેવામાં આવે છે, તેમના દ્વારા શરૂ કરવામાં આવેલી ક્રાંતિની જ્યોતથી બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપની હચમચી ગઈ હતી. મંગલ પાંડેની શહીદીએ ભારતમાં પ્રથમ ક્રાંતિના બીજ વાવ્યા હતા. ભારતની આઝાદીની પહેલી લડાઈ એટલે કે 1857નો સ્વતંત્રતા સંગ્રામ તેમના જ વિદ્રોહથી શરૂ થયો હતો.
મંગલ પાંડેનો જન્મ 19 જુલાઈ 1827ના રોજ ઉત્તર પ્રદેશના બલિયાના નાગવા ગામના બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ દિવાકર પાંડે હતું. એ સમયમાં દેશના હિંદુઓને તેમની જાતિ, ખાસ કરીને બ્રાહ્મણોમાં તેમના રિવાજો અને પરંપરાઓ પ્રત્યે ઊંડો લગાવ હતો, જેના કારણે બ્રાહ્મણોને સેનામાં જવાનું પસંદ ન હતું. આવી સ્થિતિમાં બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીમાં જવું એ મંગલ પાંડેનો શોખ નહોતો પણ પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોવાથી જવું પડ્યું હતું.
22 વર્ષની ઉંમરે સેનામાં જોડાયા
અંગ્રેજોના શાસનકાળ દરમિયાન ગામડાઓમાં ખેતીની સ્થિતિ સારી ન હતી. ખેડૂતો પર ટેક્સનો બોજ એટલો હતો કે તેની સામે આવક દેખાતી જ નહોતો, આવી સ્થિતિમાં સેનામાં જોડાઈ રોજગારી મેળવવા માટેનો એક વિકલ્પ હતો. તે સમયે બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીની બંગાળ નેટિવ ઈન્ફન્ટ્રીમાં બ્રાહ્મણોની વધુ ભરતી કરવામાં આવતી હતી. તેથી મંગલ પાંડે પણ 22 વર્ષની વયે બંગાળ નેટિવ ઇન્ફન્ટ્રીની 34મી બટાલિયનમાં જોડાયા હતા.
1857ના સ્વતંત્રતા સંગ્રામમાં મંગલ પાંડેનું યોગદાન
1857ના સમયગાળામાં બ્રિટિશ અધિકારીઓ દ્વારા ભારતીય સૈનિકોને સતત ત્રાસ આપવામાં આવતો હતો. હદ તો ત્યારે થઈ જ્યારે ભારતીય સૈનિકોને એવી બંદૂકો આપવામાં આવી કે જેમાં કારતૂસ ભરવા માટે તેને દાંતથી ખુલવો પડે. જે કારતૂસને દાંતથી કાપવાની હતી તેના ઉપરના ભાગમાં ચરબી હતી. તેથી ભારતીય સૈનિકોમાં એવી અફવા ફેલાઈ હતી કે કારતૂસની ચરબી ડુક્કર અને ગાયના માંસમાંથી બનાવવામાં આવે છે.
આ બંદૂકો સેનાને આપવામાં આવી હતી. જ્યારે આ બંદૂકોનો ઉપયોગ કરવાનું કહેવામાં આવ્યું, ત્યારે મંગલ પાંડેએ ના પાડી હતી. જે બાદ અંગ્રેજ અધિકારીઓ ગુસ્સે થયા હતા. ત્યારબાદ તેમને સૈન્યમાંથી દૂર કરવા અને બંદૂક પાછી લઈ લોવાનું હુકમનામું બહાર પાડવામાં આવ્યું. તે જ સમયે બ્રિટિશ ઓફિસર હેરસી તેની તરફ આગળ વધ્યા પરંતુ મંગલ પાંડેએ પણ તેના પર હુમલો કર્યો. તેમણે તેના મિત્રોને મદદ માગી પણ કોઈ આગળ ન આવ્યું. તેમ છતાં તેમણે ડર્યા વગર અંગ્રેજ અધિકારીઓ પર ગોળીબાર કર્યો.
1857ની ક્રાંતિ ભારતનો પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ હતો
મંગલ પાંડેએ બેરકપુરમાં અંગ્રેજો સામે બળવો કર્યો હતો, તે જંગલની આગની જેમ ફેલાવા લાગ્યો. વિદ્રોહની ચિનગારી મેરઠની છાવણી સુધી પહોંચી હતી. 10 મે 1857ના રોજ ભારતીય સૈનિકોએ મેરઠની છાવણીમાં બળવો કર્યો. ઈસ્ટ ઈન્ડિયા કંપની સામેનો ગુસ્સો અનેક છાવણીઓમાં ઉગ્ર બન્યો. આ બળવો સમગ્ર ઉત્તર ભારતમાં ફેલાયો હતો. બળવો એટલો ઝડપથી ફેલાઈ ગયો કે મંગલ પાંડેને 18 એપ્રિલે ફાંસી આપવાની હતી, પરંતુ 10 દિવસ પહેલા 8 એપ્રિલે જ ફાંસી આપવામાં આવી. 1857ની ક્રાંતિ ભારતનો પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ હતો. જેની શરૂઆત મંગલ પાંડેના બળવાથી થઈ હતી.