જસ્ટિસ ડી.વાય. ચંદ્રચુડે કહ્યુ જામીનના કેસની જલ્દી સુનાવણી થવી જોઈએ, ‘બેલ નોટ જેલ’ના સિદ્ધાંત પર થવુ જોઈએ કામ
DY Chandrachud: દેશના તમામ ન્યાયિક અધિકારીઓને ઉદ્દેશીને જસ્ટિસ ડી.વાય. ચંદ્રચુડે કહ્યુ છે કે વ્યક્તિગત સ્વતંત્રતાના કેસમાં તાત્કાલિક નિપટારો લાવવાની ભાવનાથી કામગીરી થવી જોઈએ.

દેશની કોર્ટમાં પેન્ડિંગ કેસો (Pending Cases)નો મુદ્દો સતત ઉઠતો રહે છે. ત્યારે સુપ્રીમ કોર્ટ (Supreme Court)ના જસ્ટિસ ડી.વાય. ચંદ્રચુડે શનિવારે કોર્ટમાં દાખલ થનારી જામીન અરજીઓ મુદ્દે પણ વાત કરી. તેમણે જણાવ્યુ છે કે દેશના દરેક ન્યાયિક અધિકારીઓને કહ્યુ છે કે વ્યક્તિગત સ્વતંત્રતાના કેસમાં તાત્કાલિક ધોરણે સુનાવણી થવી જોઈએ આ સાથે જ તેમણે ‘બેલ નોટ જેલ’ એટલે ‘જામીન જેલ નહીં’ના સિદ્ધાંત પર કામ કરવાનું પણ આહ્વાન કર્યુ.
જસ્ટિસ ડી.વાય. ચંદ્રચુડ (Justice DY Chandrachud)આ વાત દિલ્હીમાં આયોજિત ઓલ ઈન્ડિયા ડિસ્ટ્રીક્ટ લીગલ સર્વિસિસ ઓથોરિટીની બેઠકમાં કહી હતી. આ દરમિયાન 1200થી વધુ ઓફિસરોને તેઓ સંબોધિત કરી રહ્યા હતા. જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યુ કે જામીન કેસની સુનાવણીમાં ગતિ લાવવાની જરૂર છે. સાથે જ ન્યાયની ગુણવત્તામાં સુધાર કરવાની પણ તેમણે અપીલ કરી છે.
જામીન, જેલ નહીં
જામીનનો મુદ્દો ઉઠાવતા સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ડી.વાય.એ કહ્યું કે, ‘જામીન જેલ નહીં ‘ એ ફોજદારી ન્યાય પ્રણાલીના સૌથી મૂળભૂત સિદ્ધાંતોમાંથી એક છે. ભારતીય જેલોમાં કેદીઓની સંખ્યા વિરોધાભાસી સ્થિતિ દર્શાવે છે. તમને જણાવી દઈએ કે ડી.વાય. ચંદ્રચુડ સુપ્રીમ કોર્ટની એ બેંચનું નેતૃત્વ કરી રહ્યા હતા જેણે 20 જુલાઈએ Alt ન્યૂઝના સહ-સ્થાપક મોહમ્મદ ઝુબેરને જામીન આપ્યા હતા. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ડી.વાય. ચંદ્રચુડે શનિવારે કહ્યું હતું કે ન્યાય સામાજિક-આર્થિક રીતે મજબૂત વર્ગો સુધી સીમિત ન હોવો જોઈએ અને ન્યાયી અને સમાનતાવાદી સામાજિક વ્યવસ્થા સુનિશ્ચિત કરવાની સરકારની ફરજ છે.
ઓનલાઇન માધ્યમનો પ્રચાર
જસ્ટિસ ચંદ્રચુડે કહ્યું કે ભારત જેવા વિશાળ દેશમાં જ્યાં જાતિ આધારિત અસમાનતા છે, ત્યાં ટેક્નોલોજીની પહોંચનો વ્યાપ વધારીને ડિજિટલ વિભાજનને ધીમે ધીમે ઘટાડી શકાય છે. ટેકનોલોજીના ઉપયોગથી મળેલી સિદ્ધિઓનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે, દરેક નાગરિક સુધી ન્યાયની પહોંચ વધારવી જરૂરી છે. નેશનલ જ્યુડિશિયલ ડેટા ગ્રીડ પાસે 17 કરોડ નિર્ણયો અને પેન્ડિંગ કેસોનો ડેટા છે.
ન્યાય બધા સુધી પહોંચે – જસ્ટિસ ચંદ્રચુડ
જસ્ટિસ ચંદ્રચુડે પ્રથમ ઓલ ઈન્ડિયા ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી કોન્ફરન્સને સંબોધિત કરતા આ વાત કહી. જસ્ટિસ ચંદ્રચુડે કહ્યું કે, ભારત જેવા વિશાળ દેશમાં જ્યાં જાતિના આધારે અસમાનતા છે, ત્યારે ન્યાય આપણા સમાજના સામાજિક-આર્થિક રીતે મજબૂત વર્ગો સુધી સીમિત ન હોવો જોઈએ. તેમણે કહ્યું કે, સરકારનું કર્તવ્ય છે કે તે ન્યાયી અને સમાનતાવાદી સામાજિક વ્યવસ્થાનું નિર્માણ કરે જેમાં કાયદો વ્યવસ્થા ન્યાયને પ્રોત્સાહન આપે. સાથે જ, એ સુનિશ્ચિત કરવું જોઈએ કે સામાજિક અને આર્થિક રીતે નબળા સમાજના કોઈપણ વર્ગને ન્યાય મેળવવાની તકોથી વંચિત ન રાખવામાં આવે.