દેશમાં પડી રહેલા કાળઝાળ ગરમી, ભીષણ દુષ્કાળની આગાહી કરી રહી છે ? જાણો ચોમાસાને અસ્તવ્યસ્ત કરનાર અલ નીનોના સંકેત
હવામાન વિભાગ તેમજ હવામાનના જાણકારો આ ચોમાસામાં, અલ નીનોની અસર વર્તાશે તેવી આગાહી કરી ચૂક્યા છે. આવા સંજોગોમાં, અલ નીનોને કારણે ચોમાસામાં શું સ્થિતિ સર્જાય છે તે જાણવું મહત્વનું રહેશે. દેશના કેટલાય વિસ્તારમાં રેકોર્ડબ્રેક ગરમી નોંધાઈ રહી છે, તો કેટલાક સ્થળોએ કમોસમી અને પ્રિમોન્સુનની અસર હેઠળ વરસાદ વરસી રહ્યો છે.

દેશના મોટાભાગના વિસ્તારોમાં, ગરમીનો પારો 43 ડિગ્રી સેલ્સિયસના સ્તરને વટાવી ગયું છે. ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં તો 45-48 ડિગ્રી સુધી તાપમાન પહોચ્યું છે. હાલમાં અનેક શહેર તીવ્ર ગરમી અને હીટવેવની ઝપેટમાં આવેલ છે. નૈઋત્યનું ચોમાસુ ભલે કેરળના દરિયાકાંઠે આવી પહોચે પરતું, મધ્ય-પશ્ચિમ, ઉત્તર ભારત અને મધ્ય ભારતના કેટલાય વિસ્તારોમાં આગામી દિવસોમાં પણ તીવ્ર ગરમી અને હીટવેવથી તાત્કાલિક રાહત મળવાની કોઈ શક્યતા દેખાતી નથી.
દેશમાં આ વર્ષે અનુભવાતી અસહ્ય ગરમી અંગે હવામાનશાસ્ત્રીઓનું કહેવું છે કે, વિષુવવૃત્તીય પ્રશાંત મહાસાગરમાં એક શક્તિશાળી ‘સુપર અલ નીનો’ આકાર લઈ રહ્યો છે. આ ઘટના 1877 પછીની સૌથી વિનાશક હવામાનને લગતા ઘટના સાબિત થઈ શકે છે. ભારત તેની સીધી અસર અનુભવે તેવી અપેક્ષા છે, કારણ કે અલ નીનો દક્ષિણ પશ્ચિમ ચોમાસાને અસ્તવ્યસ્ત કરી નાખે છે. દક્ષિણ પશ્ચિમ ચોમાસાને ભારતની લાઈફ લાઈન તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે ભારત એ કૃષિ પ્રધાન દેશ છે. દેશના મોટો ભાગની ખેતી ચોમાસા આધારિત હોય છે.
તાપમાનમાં ઝડપથી વધારો
દેશ હાલમાં તીવ્ર ગરમીનો સામનો કરી રહ્યો છે. બુધવારે, સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ ગરમી અમદાવાદમાં 43.7 ડિગ્રી નોંધાઈ હતી. તો બીજી તરફ ઉત્તર ભારતમાં દિલ્હી-એનસીઆરમાં પારો 45 ડિગ્રી સેલ્સિયસને વટાવી ગયો હતો. નાગપુર શહેરોમાં તાપમાન 41 થી 43 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે નોંધાયું રહ્યું અને ઉત્તર પ્રદેશના બાંદામાં, સતત બીજા દિવસે પણ તાપમાનનો પારો 47 ડિગ્રી સેલ્સિયસથી ઉપર રહ્યો હતો. વધુમાં, મહારાષ્ટ્રના વિદર્ભ જેવા દક્ષિણ પ્રદેશોમાં પણ તીવ્ર ગરમીની સ્થિતિ પ્રવર્તી રહી છે.
પરિસ્થિતિ વધુ ગંભીર હોઈ શકે
હવામાન નિષ્ણાતો આ પરિસ્થિતિ માટે હાલમાં પ્રશાંત મહાસાગરમાં વિકસતા ‘સુપર અલ નીનો’ને જવાબદાર ગણાવી રહ્યા છે. અલ નીનો આંતરિક રીતે દક્ષિણપશ્ચિમ ચોમાસા સાથે જોડાયેલો છે, જે ચોમાસાની ઋતુ સામેના જોખમોને વધારવા માટે બંધાયેલો છે. વૈજ્ઞાનિકોએ ચેતવણી જારી કરી છે કે આ હવામાનશાસ્ત્રીય ઘટના 1877ની ઘટના કરતાં પણ વધુ ખરાબ સાબિત થઈ શકે છે, જેના પરિણામે વ્યાપક જાનહાનિ થઈ હતી – તે સમયે વિશ્વની લગભગ ચાર ટકા વસ્તીનો ભોગ લેવાયો હતો. બીજા શબ્દોમાં કહીએ તો, આ અલ નીનો લગભગ 150 વર્ષ જૂના રેકોર્ડ તોડી નાખવાની ક્ષમતા ધરાવે છે.
તાપમાન કેમ વધી રહ્યું છે?
ભારતના મોટા ભાગમાં હાલમાં તીવ્ર ગરમીનો પ્રકોપ રહ્યો છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ દેશના ઘણા ભાગોમાં હીટવેવથી લઈને સીવિયર હીટવેવ સુધીની ચેતવણીઓ જાહેર કરી છે. દરમિયાન, તાપમાન સતત વધી રહ્યું છે. નિષ્ણાતોના મતે, આ અકળાવનારી ગરમી માટે વૈશ્વિક પરિબળો ઉપરાંત અનેક સ્થાનિક પરિબળો પણ એટલા જ જવાબદાર છે:
- લાંબા સમય સુધી સુકુ હવામાન અને વાદળછાયા વાતાવરણના અભાવને કારણે, સૂર્યપ્રકાશ સીધો અને આકરો રહ્યો છે.
- શહેરી વિસ્તારોમાં, કોંક્રિટના જંગલ જેવુ માળખુ, ઉચ્ચ વસ્તીની ગીચતા, વાહનોનું ઉત્સર્જન, એર કન્ડીશનર (AC) દ્વારા બહાર કાઢવામાં આવતી ગરમી અને ધમધમતા ઔદ્યોગિક એકમોએ શહેરોને સળગતા “કોંક્રિટના ટાપુઓ” માં ફેરવાઈ રહ્યાં છે. જ્યાં ગ્રામીણ વિસ્તારો કરતા અનેક ગણા ઊંચા સ્તરે તાપમાન નોંધાઈ રહ્યું છે.
અલ નીનો શું છે, તેની અસર ગરમીમાં કેમ વધારો કરે છે?
અલ નિનો એક કુદરતી હવામાનને લઈને આકાર પામતી આબોહવા ઘટના છે. જ્યારે પૂર્વીય પ્રશાંત મહાસાગરમાં સમુદ્ર સપાટીનું તાપમાન, સામાન્ય સ્તરથી ઉપર જાય છે. ત્યારે અલ નિનો આકાર પામે છે. અલ નિનોના પ્રભાવ હેઠળ, પૂર્વીય પ્રશાંત મહાસાગરનું સપાટીનું પાણી અસામાન્ય રીતે ગરમ થઈ જાય છે. આ ગરમી, ચોમાસાને લઈને વૈશ્વિક પવન પેટર્નને નબળી પાડે છે અથવા તેને બદલી નાખે છે, જેના કારણે શ્રેણબદ્ધ પ્રતિક્રિયા થાય છે, જે સમગ્ર વિશ્વમાં હવામાન પ્રણાલીઓને વિક્ષેપિત કરે છે.

પૂર્વીય પ્રશાંત મહાસાગરનું સપાટીનું પાણી અસામાન્ય રીતે ગરમ થતાં, તે પૂર્વ તરફ ખસી જવાનું શરૂ કરે છે, જેનાથી ભારતના હવામાન પેટર્ન ઉપર અવળી અસર પડે છે. આ પરિસ્થિતિના પરિણામે, ઉનાળામાં ભારે ગરમીનો પ્રારંભ થાય છે અને ચોમાસામાં અનિયમિત વરસાદને કારણે દુષ્કાળ જેવી પરિસ્થિતિઓનો ઉદભવ થાય છે.