Republic Day: 10.18 મિનિટે ભારત બન્યુ પ્રજાસત્તાક રાષ્ટ્ર, પહેલી પરેડમાં 3000 જવાનો અને 100 વિમાનો કરાયા સામેલ
Republic Day Facts: 26 જાન્યુઆરી 1950 એ ગણતંત્ર દિવસની પ્રથમ પરેડ સાંજે નીકળી હતી. આ પ્રથમ પરેડ ઈરવિન સ્ટેડિયમમાં યોજાઈ હતી. 1955 થી દર વર્ષે રાજપથ પર પરેડનું આયોજન કરવામાં આવી રહ્યુ છે.
Republic Day Facts: 26 જાન્યુઆરી 1950ની સવારે 10.18 મિનિટે ભારત પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યુ. બરાબર 6 મિનિટ એટલે કે 10 વાગવાને 24 મિનિટ બાદ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદે રાષ્ટ્રપતિ પદના શપથ લીધા હતા. તેમને ત્યારના ચીફ જસ્ટિસ હીરાલાલ કનિયાએ શપથ અપાવ્યા હતા. જે બાદ દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે હિંદી અને અંગ્રેજીમાં ભાષણ આપ્યુ હતુ.
72 વર્ષ પહેલા આજના દિવસે ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા 1935ની જગ્યાએ ભારતનું બંધારણ લાગુ થયુ હતુ. આમ તો ભારતનું બંધારણ ઘડવાનું કામ 26 નવેમ્બર 1949માં જ સંપન્ન થઈ ગયુ હતુ. બંધારણ સભાએ તેને મંજૂર પણ કરી દીધુ હતુ. પરંતુ એવુ કહેવાય છે કે 26 જાન્યુઆરી 1930એ કોંગ્રેસે પૂર્ણ સ્વરાજ્યનો નારો આપ્યો હતો. આથી બે મહિના બાદ 26 જાન્યુઆરી 1950 એ દેશના અંતિમ ગવર્નર જનરલ સી. રાજગોપાલાચારીએ ભારતીય ગણતંત્રની જાહેરાત કરી હતી.
આઝાદી પહેલા જ નક્કી થઈ ગયુ હતુ ભારતનું પોતાનું બંધારણ હશે
18 જૂલાઈ 1947 એ બ્રિટીશ સંસદથી ‘ઈન્ડિયન ઈન્ડીપેન્ડેન્ડેન્સ એક્ટ’ પાસ કરાયો. તેના મારફતે જ ભારતના ભાગલા થયા અને પાકિસ્તાન અસ્તિત્વમાં આવ્યુ. આ એક્ટ અંતર્ગત 14 ઓગસ્ટ 1947 ના રોજ પાકિસ્તાન અને 15 ઓગસ્ટ 1947 એ ભારતે તેમની આઝાદીની ઘોષણા કરી હતી.
જો કે આઝાદી ના એક વર્ષ પહેલા 9 ડિસેમ્બર 1946 એ જ નક્કી થઈ ગયુ હતુ કે ભારતનું પોતાનું બંધારણ હશે. તેના માટે બંધારણ સભા બનાવવામાં આવી હતી. 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ સુધી ચાલેલી બેઠક બાદ ભારતનું બંધારણ તૈયાર થયુ. 26 નવેમ્બર 1949એ બંધારણ સભાએ ભારતના બંધારણને મંજૂરી આપી હતી.
સાંજે નીકળી હતી પ્રજાસત્તાક પર્વની સૌપ્રથમ પરેડ
હાલમાં પ્રજાસત્તાક દિવસની પરેડ સવારે નીકળે છે, જો કે પ્રથમ પરેડ સાંજે નીકળી હતી. 26 જાન્યુઆરી 1950 બાદ બપોરના 2.30 કલાકે તત્કાલિન રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ બગીમાં સવાર થઈને રાષ્ટ્રપતિ ભવનથી નીકળ્યા હતા. કનોટ પ્લેસ જેવા વિસ્તારોમાંથી પસાર થઈને રાષ્ટ્રપતિ 3.45 કલાકે નેશનલ સ્ટેડિયમ પહોંચ્યા હતા. તે સમયે નેશનલ સ્ટેડિયમને ઈરવિન સ્ટેડિયમ કહેવામાં આવતું હતું.
રાષ્ટ્રપતિ જે બગીમાં સવાર હતા, તે સમયે તે 35 વર્ષ જૂની હતી. 6 ઓસ્ટ્રેલિયાઈ ઘોડા આ બગીને ખેંચી રહ્યા હતા. પરેડ સ્થળ પર રાષ્ટ્રપતિને સાંજના સમયે 31 તોપોની સલામી આપવામાં આવી હતી. 1950માં થયેલી પ્રથમ પરેડમાં જનતાને પણ સામેલ કરાઈ હતી. પહેલી પરેડમાં 3 હજાર જવાનો અને 100 વિમાનોએ ભાગ લીધો હતો.
પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિને આમંત્રિત કરવાની પરંપરા પ્રથમ પરેડથી જ હતી. પ્રથમ પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં ઇન્ડોનેશિયાના તત્કાલિન રાષ્ટ્રપતિ ડૉ.સુકર્ણો મુખ્ય અતિથિ બન્યા હતા.
1955થી રાજપથ પર યોજાઈ રહી છે પરેડ
- પ્રથમ પાંચ વર્ષ સુધી પ્રજાસત્તાક પર્વની પરેડનું સ્થળ નક્કી થયું ન હતું. 1950 થી 1954 સુધી, પરેડ ક્યારેક ઇર્વિન સ્ટેડિયમમાં, ક્યારેક લાલ કિલ્લા પર અને ક્યારેક રામલીલા મેદાનમાં યોજાતી હતી.
- 1955થી નક્કી કરવામાં આવ્યુ કે પરેડ રાજપથથી શરૂ થઈને લાલ કિલ્લા સુધી જશે. ત્યારથી દર વર્ષે રાજપથ પર પરેડ યોજાય છે. 1955માં લાલ કિલ્લા પર મુશાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
- 1955માં પહેલીવાર રાજપથ પર યોજાયેલી પરેડમાં પાકિસ્તાનના ગવર્નર જનરલ મલિક ગુલામ મોહમ્મદ મુખ્ય અતિથિ હતા.
- જેમ જેમ વર્ષો વીતતા ગયા તેમ તેમ પ્રજાસત્તાક પર્વની પરેડની ભવ્યતા પણ વધતી ગઈ. એક RTIના જવાબમાં સરકારે કહ્યું હતું કે 2001ની પરેડ પર 145 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા, જ્યારે 2014ની પરેડ પર 320 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા.
ગણતંત્ર દિવસને લગતા આવા જ અન્ય રોચક અને માહિતીસભર સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો