પુતિનના સન્માનમાં આયોજિત ડિનરમાં સરકારે શશી થરૂરને આપ્યુ આમંત્રણ, ખરગે ,રાહુલની કરાઈ બાદબાકી
કોંગ્રેસ પક્ષના સૂત્રોના જણાવ્યા અનુસાર, કોંગ્રેસના સાંસદ શશી થરૂરને પુતિનના સન્માનમાં આયોજિત ડિનરનું આમંત્રણ મળ્યું હતુ. થરૂરે આ આમંત્રણ મળ્યાની પુષ્ટિ કરી હતી અને કહ્યું હતુ કે તેઓ ચોક્કસપણે આ કાર્યક્રમમાં સામેલ થશે.

કોંગ્રેસના સાંસદ શશી થરૂરને શુક્રવારે સાંજે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના સન્માનમાં રાષ્ટ્રપતિ ભવનમાં યોજાનાર રાષ્ટ્રપતિ ભોજન સમારંભમાં આમંત્રણ આપવામાં આવ્યું હતુ. રસપ્રદ વાત એ છે કે, લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેને આ ખાસ રાત્રિભોજનમાં આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. જોકે, મોદી સરકારે શશી થરૂરને ડિનર સમારોહમાં આમંત્રણ આપીને “ભેટ” આપી છે. શશી થરૂરે પણ આ સમાચાર પર પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે તેઓ ચોક્કસપણે આ કાર્યક્રમમાં હાજરી આપશે અને તેઓ સામેલ પણ થયા હતા.
શશી થરૂરે રાષ્ટ્રપતિ ભવન તરફથી આમંત્રણ મળવાની પુષ્ટિ કરતા કહ્યું હતુ કે તેમને આ આમંત્રણ મળતા તેઓ સન્માનની લાગણી અનુભવી રહ્યા છે. રાહુલ ગાંધી દ્વારા આમંત્રણ મળવાનો ઇનકાર કરવા અંગે, થરૂરે જણાવ્યું હતું કે તેમને આમંત્રણનો આધાર ખબર નથી. પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું, “એક સમય હતો જ્યારે વિદેશ સમિતિના અધ્યક્ષને નિયમિતપણે આમંત્રણ આપવામાં આવતું હતું. આ પ્રથા છેલ્લા કેટલાક સમયથી બંધ કરવામાં આવી હતી. પરંતુ એવું લાગે છે કે તે ફરી શરૂ થઈ ગઈ છે, અને મને આમંત્રણ આપવામાં આવ્યું છે. હું ચોક્કસ જઈશ.”
રાહુલ ગાંધીએ દર્શાવી નારાજગી
આના એક દિવસ પહેલા જ કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ ગુરુવારે કહ્યું હતું કે મોદી સરકારમાં વિપક્ષના નેતાને વિદેશી મહાનુભાવોને મળવાની મંજૂરી નથી. રાહુલે સંસદ ભવનમાં પત્રકારોને જણાવ્યું હતું કે અગાઉ, મુલાકાત લેનારા કોઈપણ વિદેશી મહેમાનોને વિપક્ષના નેતાને મળવાની મંજૂરી આપવામાં આવતી હતી. મોદી સરકાર સત્તામાં આવી તે પહેલાં આ પ્રથા ચાલુ રહી હતી, પરંતુ હવે તેને મંજૂરી નથી. તેમણે દલીલ કરી હતી કે વિપક્ષના નેતાનો એક અલગ દ્રષ્ટિકોણ હોય છે અને તેમને વિદેશી મહાનુભાવોને મળવાની મંજૂરી આપવી જોઈએ, પરંતુ મોદી સરકાર અને વિદેશ મંત્રાલય આ ધોરણોનું પાલન કરતા નથી. હવે, રાષ્ટ્રપતિના ભોજન સમારંભમાં રાહુલ ગાંધી અને ખડગેને આમંત્રણ આપવાને બદલે, શશિ થરૂરને આમંત્રણ આપવામાં આવ્યું છે, જેના કારણે રાજકીય વર્તુળોમાં ચર્ચાઓનો માહોલ છે.
રાત્રિભોજનમાં 150 થી વધુ મહેમાનોને આમંત્રણ
શુક્રવારે રાષ્ટ્રપતિ ભવનમાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના સન્માનમાં ભવ્ય રાજ્ય રાત્રિભોજનનું આયોજન કરાયુ હતુ. જેમા રાજકારણ,બિઝનેસ જગત અને સંસ્કૃતિ સહિત વિવિધ ક્ષેત્રોના અગ્રણી વ્યક્તિઓને આમંત્રિત કરાયા હતા. રાત્રિભોજનમાં 150 થી વધુ મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. આ સ્ટેટ ડિનરના મેનુની વાત કરીએ તો તેમા ભારતીય અને રશિયન ડિશીસ પિરસાઈ હતી. જેમાં કાશ્મીરી વાઝવાન અને રશિયન બોશર્ટ જેવી વાનગીઓનો સમાવેશ થાય છે.
