ભારતીય વાયુસેનાની નવી લક્ષ્મણ રેખા, પાકિસ્તાનમાં સરહદથી 300 કિમી અંદર સચોટ નિશાન પાર પાડીશું
સીડીએસ જનરલ અનિલ ચૌહાણે ઓપરેશન સિંદૂરને આતંકવાદ પ્રત્યે અસહિષ્ણુતાની નવી લક્ષ્મણ રેખા ગણાવી છે. તેમણે કહ્યું કે પાકિસ્તાને આ ઓપરેશનમાંથી પાઠ શીખવો જોઈએ. તેમણે હવે પાકિસ્તાનમાં રહેલા આતંકવાદી માળખાઓનો નાશ કરવો જોઈએ. જનરલ ચૌહાણે વ્યૂહાત્મક સ્થિરતા પર ભાર મૂકતા કહ્યું કે આ માટે બંને પક્ષોનો સહયોગ જરૂરી છે.

ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણે શનિવારે પાકિસ્તાન સાથેના સંઘર્ષ વિશે વાત કરી હતી. સિંગાપોરમાં શાંગરી-લા ડાયલોગ સુરક્ષા પરિષદમાં એક મુલાકાત દરમિયાન તેમણે કહ્યું કે, ભારતે આતંકવાદ સામે નવી લક્ષ્મણ રેખા દોરી દીધી છે. આશા છે કે આ ઓપરેશનથી દુશ્મનોએ પાઠ ભણ્યો હશે. ભારતીય વાયુસેનાએ એલઓસીથી પાકિસ્તાનની અંદર 300 કિમી સુધીની નવી લક્ષ્મણ રેખા બનાવી નાખી છે. આ લક્ષ્મણ રેખાની અંદર ગમે તેવી સુરક્ષા પ્રણાલીને પણ ભેદીને સચોટ નિશાન પાર પાડીશું.
ગત 22 એપ્રિલના રોજ પહેલગામ આતંકવાદી હુમલાના જવાબમાં, 7 મેના રોજ, ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા. ત્યારથી, ભારત અને પાકિસ્તાન વચ્ચે સીધો સંઘર્ષ જોવા મળ્યો. પાકિસ્તાને ભારત પર હુમલો કરવાના ઘણા નિષ્ફળ પ્રયાસો કર્યા હતા, પાકિસ્તાનના હુમલાને ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યા હતા. આ અંગે જનરલ અનિલ ચૌહાણે કહ્યું કે આવનારા સમયમાં પાકિસ્તાન ચોક્કસપણે આમાંથી કંઈક શીખશે.
નવી લક્ષ્મણ રેખા દોરવામાં આવી
ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણે કહ્યું કે આપણે લગભગ બે દાયકાથી આ આતંકવાદી યુદ્ધમાં છીએ અને અમે ઘણા લોકોને ગુમાવ્યા છે. અમે હવે તેનો કાયમી અંત લાવવા માંગીએ છીએ. તેમણે કહ્યું કે આ સંઘર્ષમાં અમે એક નવી લક્ષ્મણ રેખા દોરી છે. આ સાથે, અમે પાકિસ્તાનની અંદર 300 કિલોમીટર અંદરના કોઈ પણ લક્ષ્યને નિશાન બનાવ્યું છે. ત્યાં હાજર આતંકવાદીઓ અને તેમના ઠેકાણાઓનો નાશ કરવામાં આવ્યો છે.
તાળી પાડવા માટે બે હાથની જરૂર છે – સીડીએસ
સીડીએસ ચૌહાણે પાકિસ્તાન સાથેના સંબંધો વિશે કહ્યું કે હવે ભારત કોઈ વ્યૂહરચના વિના કંઈ કરતું નથી. પાકિસ્તાન સાથે રાજદ્વારી સંબંધો જાળવવાનો યુગ પૂરો થઈ ગયો છે. તેમણે કહ્યું કે તાળી પાડવા માટે બંને હાથની જરૂર પડે છે, પરંતુ જો બદલામાં ફક્ત દુશ્મનાવટ જ મળતી હોય, તો અંતર જાળવવું એ એક સમજદારી ભર્યો નિર્ણય છે. ભારત દરેક મોરચે પાકિસ્તાનથી આગળ છે. આ પરિવર્તન કોઈ સંયોગને કારણે નથી, પરંતુ સારી રીતે વિચારેલી રણનીતિનું પરિણામ છે.
હવે યુદ્ધ પહેલા જેવું નથી – જનરલ ચૌહાણ
જ્યારે સીડીએસને ભવિષ્ય વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે હવે યુદ્ધો પહેલા જેવા નથી રહ્યા. હવે યુદ્ધો જમીન, હવા, સમુદ્ર ઉપરાંત સાયબર અને અવકાશ જેવા નવા ક્ષેત્રોમાં લડાઈ રહ્યા છે. ઓપરેશન સિંદૂર દરમિયાન, આપણી સ્વદેશી ટેકનોલોજીનો ખૂબ સારી રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે. આપણે બધાએ તેનું પરિણામ જોયું છે. યુદ્ધ દરમિયાન, ફક્ત દુશ્મન જ એક પડકાર નથી પરંતુ આજકાલ એક બીજો પડકાર છે – ખોટી માહિતી અને અફવાઓ, જેના કારણે સમયનો બગાડ થાય છે. આપણે લોકોને આ અફવાઓથી પણ બચાવવા પડશે.
દેશના વિભિન્ન પ્રાંતના સમાચાર જાણવા માટે આપ અમારા ટોપિક પર ક્લિક કરો.