પાકિસ્તાનમાં સંતાયેલા પુલવામા-મુંબઈ-અક્ષરધામ હુમલાના આતંકવાદીને વૈશ્વિક આતંકી જાહેર કરવા ભારત UNSCમાં લાવશે પ્રસ્તાવ
ભારત ટૂંક સમયમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) માં ત્રણ આતંકવાદીઓ વિરુદ્ધ ઠરાવ લાવશે. આ આતંકવાદીઓ ભારતમાં થયેલા હુમલાઓમાં સામેલ હતા અને પાકિસ્તાનમાં છુપાયા હોવાનું માનવામાં આવે છે. આ ત્રણ આતંકવાદીઓ છે, મોહિઉદ્દીન ઔરંગઝેબ આલમગીર, અલી કાશિફ જાન (જૈશ-એ-મોહમ્મદ), અને યુસુફ મુઝમ્મિલ ભટ (લશ્કર-એ-તૈયબા).

વિશ્વ સમક્ષ આતંકવાદ મુદ્દે પાકિસ્તાનની વધુ એક પોલ ખોલવા માટે ભારતે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભારત ટૂંક સમયમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) માં ત્રણ આતંકવાદીઓ વિરુદ્ધ પ્રસ્તાવ લાવશે. આ આતંકવાદીઓ ભારતમાં પુલવામા, મુંબઈ અને ગાંધીનગર અક્ષરધામમાં થયેલા આતંકવાદી હુમલાઓમાં સામેલ હતા અને પાકિસ્તાનમાં છુપાયા હોવાનું માનવામાં આવે છે. આ ત્રણના નામ છે, મોહિઉદ્દીન ઔરંગઝેબ આલમગીર, અલી કાશિફ જાન (જૈશ-એ-મોહમ્મદ), અને યુસુફ મુઝમ્મિલ ભટ (લશ્કર-એ-તૈયબા).
ભારતીય સુરક્ષા અને ગુપ્તચર એજન્સીઓના સૂત્રોને ટાકીને રજૂ થયેલા મીડિયા અહેવાલ અનુસાર, આ આતંકવાદીઓ 2019 માં જમ્મુ કાશ્મીરના પુલવામામાં થયેલ હુમલો, 2016 ના પઠાણકોટ હુમલો, 2008 ના મુંબઈ તાજ હોટલ હુમલો, 2002 ના ગાંધીનગર અક્ષરધામ હુમલો, 2005 ના બેંગ્લોર ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ ખાતે હુમલો અને 2006 ના મુંબઈ ટ્રેન વિસ્ફોટોમાં સામેલ હતા. રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) ની તપાસમાં તેમની વિરુદ્ધ ડિજિટલ પુરાવા મળી આવ્યા છે. આ ત્રણેયને વર્ષ 2020 અને વર્ષ 2022 વચ્ચે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ હેઠળ આતંકવાદી જાહેર કરવામાં આવ્યા હતા.
મોહિઉદ્દીન ઔરંગઝેબ આલમગીર
૪૨ વર્ષીય આલમગીર પાકિસ્તાનના પંજાબના બહાવલપુરના રહેવાસી છે. તે જૈશ-એ-મોહમ્મદનો એક વરિષ્ઠ નેતા છે અને 2019ના પુલવામા હુમલામાં સામેલ હતો. તે પાકિસ્તાન પાસેથી ભંડોળ એકત્ર કરે છે અને કાશ્મીરમાં આતંકવાદીઓને પૈસા મોકલે છે. તે અફઘાન આતંકવાદીઓને ભારતમાં ઘૂસણખોરી કરાવવા અને જમ્મુ અને કાશ્મીરમાં ભારતીય સેના પર હુમલાનું આયોજન કરવામાં પણ સામેલ છે.
અલી કાશિફ જાન
અલી કાશિફ જાન પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વાના ચારસદ્દાનો રહેવાસી છે. તે જૈશ-એ-મોહમ્મદનો ઓપરેશનલ કમાન્ડર છે અને 2016ના પઠાણકોટ એરફોર્સ સ્ટેશન હુમલાનો હેન્ડલર હતો. તે પાકિસ્તાનમાં જૈશના લોન્ચિંગ ડિટેચમેન્ટમાંથી કામ કરે છે. નવા આતંકવાદીઓની ભરતી કરે છે, તેમને તાલીમ આપે છે અને ભારતમાં હુમલાઓનું આયોજન કરે છે.
યુસુફ મુઝમ્મિલ
યુસુફ મુઝમ્મિલને અહેમદ ભાઈ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે ઇસ્લામાબાદનો રહેવાસી છે. તે લશ્કર-એ-તૈયબાનો કમાન્ડર છે અને નવા આતંકવાદીઓની ભરતી અને તાલીમ માટે જવાબદાર છે. તે જમ્મુ અને કાશ્મીરમાં ઘૂસણખોરી કરવાની યોજના ધરાવે છે. ભારત UNSC માં આ આતંકવાદીઓ સામે કાર્યવાહી કરીને તેમની પ્રવૃત્તિઓને રોકવા માંગે છે.
UNSC શું છે?
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) ની સ્થાપના 1945 માં થઈ હતી. તેનું કામ વિશ્વમાં શાંતિ અને સુરક્ષા જાળવવાનું છે. તેમાં 15 સભ્યો છે. આમાં 5 કાયમી (ચીન, ફ્રાન્સ, રશિયા, બ્રિટન, અમેરિકા) અને 10 અસ્થાયી સભ્યોનો સમાવેશ થાય છે. કામચલાઉ સભ્યો બે વર્ષ માટે ચૂંટાય છે. યુએનએસસી શાંતિ મિશન મોકલી શકે છે. ભારત અસ્થાયી સભ્ય છે. ભારત કાયમી સભ્ય બનવા માંગે છે, પરંતુ ચીન તેનો વિરોધ કરે છે. UNSC નું મુખ્ય મથક ન્યુ યોર્કમાં આવેલ છે.
પાકિસ્તાનને લગતા નાના-મોટા તમામ મહત્વના સમાચાર જાણવા માટે આપ અમારા પાકિસ્તાનના ટોપિક પર ક્લિક કરો.