Russia Ukraine Crisis: યુક્રેનની ગંભીર પરિસ્થિતિને પગલે ભારતીયો ચિંતિત, આ રાજ્ય સરકારોએ કેન્દ્રને કરી અપીલ
ઉત્તરાખંડના CM પુષ્કર સિંહ ધામીએ કહ્યું કે, અમે રાજ્યના વિદ્યાર્થીઓ અને યુક્રેનમાં અટવાયેલા અન્ય લોકો માટે વિદેશ મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છીએ.
Russia Ukraine Crisis: રશિયા અને યુક્રેનમાં યુદ્ધ શરૂ થયા બાદ ત્યાં રહેતા ભારતીયોની મુશ્કેલીઓ વધી ગઈ છે. ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ,છત્તીસગઢ,રાજસ્થાન અને મહારાષ્ટ્રના (Maharashtra) વિદ્યાર્થીઓ યુક્રેનમાં(Ukraine) મોટી સંખ્યામાં ફસાયેલા છે. આવી સ્થિતિમાં યુક્રેનમાં વિદ્યાર્થીઓના ફસાયેલા હોવાની ચિંતા વ્યક્ત કરતા આ રાજ્ય સરકારોએ મદદની અપીલ કરી છે.
યુક્રેનમાં રહેતા આ વિદ્યાર્થીઓને દેશમાં પાછા લાવવા વિનંતી કરી
રાજ્ય સરકારોએ યુક્રેનમાં રહેતા આ વિદ્યાર્થીઓને દેશમાં પાછા લાવવા વિનંતી કરી છે.ઉલ્લેખનીય છે કે, રાજસ્થાનથી યુક્રેનના 17 વિદ્યાર્થીઓને ગુરુવારે દિલ્હી એરપોર્ટ (Delhi Airport) પર લાવવામાં આવ્યા હતા.આ વિદ્યાર્થીઓને દિલ્હી પહોંચ્યા બાદ રાજસ્થાન મોકલવામાં આવ્યા હતા.નોડલ ઓફિસર ધીરજ શ્રીવાસ્તવે આ સંદર્ભમાં માહિતી આપી.તેમણે જણાવ્યું કે, રાજસ્થાનના 17 વિદ્યાર્થીઓ યુક્રેનથી દિલ્હી પહોંચ્યા છે.જ્યારે પૂર્વ ડેપ્યુટી સીએમ સચિન પાયલોટે કેન્દ્ર સરકાર પાસે માંગ કરી છે કે યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે પરત લાવવા માટે પગલાં લેવામાં આવે.
18 હજારથી વધુ ભારતીયો હજુ પણ યુક્રેનમાં ફસાયેલા
મીડિયા રિપોર્ટ્સ અનુસાર,18 હજારથી વધુ ભારતીયો હજુ પણ યુક્રેનમાં ફસાયેલા છે.ભારતે યુક્રેનથી એરલિફ્ટ કરવાની કામગીરી શરૂ કરી હતી. પરંતુ હુમલા બાદ તેને રોકવાની ફરજ પડી હતી.જ્યારે ગઈકાલે કિવથી યુક્રેન ઈન્ટરનેશનલ એરલાઈન્સનું વિમાન દિલ્હી એરપોર્ટ પહોંચ્યુ હતુ.મળતી માહિતી મુજબ, આ પ્લેનમાં 182 ભારતીય નાગરિકોને સુરક્ષિત રીતે ભારત લાવવામાં આવ્યા હતા.
ઉત્તરાખંડ સરકારે ટોલ ફ્રી નંબર જાહેર કર્યો
ઉત્તરાખંડના CM પુષ્કર સિંહ ધામીએ કહ્યું કે, રાજ્યના વિદ્યાર્થીઓ અને યુક્રેનમાં ફસાયેલા અન્ય લોકો માટે અમે વિદેશ મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છીએ.આ માટે અમે નોડલ ઓફિસરની નિમણૂક કરીને ટોલ ફ્રી નંબર જાહેર કર્યો છે.અમારી સરકાર શક્ય તમામ મદદ કરશે.
ઉલ્લેખનીય છે કે,યુક્રેનમાં રહેતા ઉત્તરાખંડના નાગરિકોની સુરક્ષા માટે સરકારે બે પોલીસ અધિકારીઓને નોડલ ઓફિસર તરીકે નિયુક્ત કર્યા છે. ઉત્તરાખંડના DGP અશોક કુમારે કહ્યું કે, ઉત્તરાખંડનો સામાન્ય હેલ્પલાઈન નંબર 112 છે, તેને યુક્રેનમાં ફસાયેલા ઉત્તરાખંડના લોકો વિશે માહિતી આપવા માટે કહેવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં અમને 78 લોકોની માહિતી મળી છે.
આ પણ વાંચો : Vladimir Putin Biography: સામાન્ય પરિવારમાંથી આવે છે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, જાણો તેની કેટલીક ખાસ વાતો