ચાંદીની વરખ સમજીને ખાતા હતા એલ્યુમિનિયમ! નકલી વરખ બનાવતી 4 ફેક્ટરીનો પર્દાફાશ
કાજુ કતરી પર ચમકતું ચાંદી જેવું પડ ખરેખર અસલી ચાંદીનું નહીં, પરંતુ એલ્યુમિનિયમનું હોવાનું સામે આવ્યું છે. સસ્તા એલ્યુમિનિયમનો ઉપયોગ કરીને નકલી ચાંદીનું વરખ બનાવતી ચાર ફેક્ટરીઓ ઝડપાઈ છે. પોલીસની કાર્યવાહીમાં 49 બંડલ નકલી વરખ સહિત મશીનરી અને અન્ય સામગ્રી જપ્ત કરવામાં આવી છે. આ ખુલાસા બાદ ખાદ્ય પદાર્થોની શુદ્ધતા સામે સવાલો ઊભા થયા છે.

Fake Silver Waraq : મીઠાઈઓ અને મીઠા પાન પર ચમક માટે લગાવવામાં આવતા ચાંદીના વરખ (Silver Leaf)ના નામે એલ્યુમિનિયમનું વરખ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું છે. અસલી ચાંદીના બદલે સસ્તા એલ્યુમિનિયમનો ઉપયોગ કરીને નકલી વરખ તૈયાર કરવામાં આવતા એકમોનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.
આ ચોંકાવનારો કિસ્સો તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં સામે આવ્યો છે. અહીં ચારમિનાર અને આસપાસના વિસ્તારોમાં નકલી ચાંદીનું વરખ બનાવતી ચાર ઉત્પાદન યુનિટ પર પોલીસે દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી હૈદરાબાદ પોલીસની કમિશનર ટાસ્ક ફોર્સે સ્થાનિક પોલીસ સાથે મળીને કરી હતી.
ચાંદીના બદલે એલ્યુમિનિયમનો ઉપયોગ
ઉત્પાદન એકમોમાં ચાંદીના વરખના નામે એલ્યુમિનિયમનો વરખ બનાવવામાં આવતો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ ફેકટરીમાં અસલી ચાંદીના બદલે સસ્તા એલ્યુમિનિયમનો ઉપયોગ કરીને ચાંદી જેવું દેખાતું પાતળું વરખ બનાવવામાં આવતું હતું. એટલું જ નહીં આ ઉપરાંત એલ્યુમિનિયમ ફ્લેક્સ અને સજાવટ માટેની અન્ય વસ્તુઓ પણ તૈયાર કરવામાં આવતી હતી. પોલીસ દરોડામાં સામે આવ્યું છે કે ઉત્પાદન એકમો પાસે જરૂરી FSSAI લાઇસન્સ પણ ન હતું.
મીઠાઈઓમાં થતો હતો નકલી વરખનો ઉપયોગ
તૈયાર કરવામાં આવતું નકલી વરખ કાજુ કતરી, કાજુ રોલ અને મીઠા પાન જેવી ખાદ્ય વસ્તુઓમાં ઉપયોગ માટે સપ્લાય કરવામાં આવતું હતું. એટલું જ નહીં, એલ્યુમિનિયમનું પડ ચઢાવેલી ખાંડની ગોળીઓ પણ બનાવવામાં આવતી હતી. આ ગોળીઓનો ઉપયોગ બેકરીમાં કેક અને અન્ય ખાદ્ય વસ્તુઓની સજાવટ માટે કરવામાં આવતો હતો.
દરોડામાં 49 બંડલ સહિત મશીનરી જપ્ત
પોલીસે દરોડા દરમિયાન 49 બંડલ નકલી ચાંદીના વરખ, એલ્યુમિનિયમ ફ્લેક્સ, લગભગ એક કિલો એલ્યુમિનિયમનું પડ ચઢાવેલી ખાંડની ગોળીઓ, ઉત્પાદન મશીનરી અને અન્ય કાચો માલ જપ્ત કર્યો છે.
સ્વાસ્થ્ય માટે જોખમ
ખાદ્ય પદાર્થોમાં અસલી ચાંદીના બદલે એલ્યુમિનિયમના વરખનો ઉપયોગ થતો હોવાની ઘટના ખાદ્ય સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા કરે છે. હવે પોલીસ તપાસ કરી રહી છે કે આ નકલી વરખ કઈ-કઈ મીઠાઈની દુકાનો અને વેપારીઓ સુધી પહોંચાડવામાં આવતું હતું અને આ કૌભાંડમાં અન્ય લોકોની સંડોવણી છે કે નહીં.
આ પણ વાંચો : Breaking News : કિશ્તવાડમાં ગુમ થયેલા પોલીસકર્મીઓના મૃતદેહ મળી આવ્યા, આતંકવાદીના ગોળીબાર બાદથી ગુમ હતા અહી ક્લિક કરો
