આ વર્ષે જોવા મળશે લા નીના અસર, જાણો ગુજરાત સહિત ભારતમાં કેવું રહેશે ચોમાસું અને ખેતી પર શું પડશે અસર ?
ભારત સહિત વિશ્વમાં ચોમાસું કેવું રહેશે તે અલ નીનો અને લા નીનાની બે ઘટનાઓ પરથી નક્કી કરી શકાય છે. ત્યારે આ વર્ષે ભારતમાં લા નીનાની અસર જોવા મળવાની છે. જેને લઈને હવામાન વિભાગે પણ ચોમાસાની આગાહી કરી છે. તો ચાલો જાણીએ કે, આ વર્ષે ગુજરાત સહિત ભારતમાં ચોમાસું કેવું રહેશે.
ગરમીની ઋતુ શરૂ થઈ ગઈ છે, ઉનાળાની શરૂઆત સાથે જ ગુજરાત સહિત લગભગ સમગ્ર દેશમાં અસહ્ય ગરમી પડી રહી છે. આ ગરમી પડવા પાછળનું કારણ આ વર્ષે જોવા મળનારી લા નીના અસર છે. ગરમીની ઋતુ પુરી થતાં જ લા નીના અસર જોવા મળશે, એટલે કે જૂન મહિનાથી વર્ષા ઋતુ શરૂ થશે આ સાથે લા નીના અસર વર્તાશે જેના કારણે વરસાદ એકંદરે સારો રહેશે. ત્યારે એ જાણી લઈએ કે લા નીના અસર છે શું અને ભારત પર તેની અસર કેવી રીતે જોવા મળે છે.
વર્ષ 2023નું હવામાન ખૂબ ગરમ અને શુષ્ક હતું. હવામાનશાસ્ત્રીઓનું કહેવું છે કે અલ નીનોની અસરને કારણે હવામાન શુષ્ક રહ્યું હતું. જો કે, અલ નીનો આગામી જૂન સુધીમાં સમાપ્ત થઈ જશે, જેના કારણે આ વર્ષે ચોમાસામાં સારા વરસાદની અપેક્ષા છે. વૈશ્વિક આબોહવા એજન્સીઓએ ગયા અઠવાડિયે માહિતી આપી હતી કે અલ નીનોની અસર નબળી પડવા લાગી છે અને ઓગસ્ટ મહિનામાં લા નીનાની અસર વિકસિત થવાની સંભાવના છે.
ભારતમાં ચોમાસું કેવું રહેશે તે અલ નીનો અને લા નીનાની બે ઘટનાઓ પરથી જાણી શકાય છે. જેના પરથી હવામાન વિભાગ ચામાસાને લઈને આગાહી કરતું હોય છે. ત્યારે અલ નીનો અને લા નીનાની ઘટના શું છે, તેના વિશે જાણી લઈએ.
અલ નીનો અને લા નીના શું છે ?
પ્રશાંત મહાસાગરમાં અલ નીનો અને લા નીનાની ઘટના થાય છે. પ્રશાંત મહાસાગર ભારતથી હજારો કિલોમીટર દૂર આવેલો છે. અલ નીનો અને લા નીનાની અસર ભારતના ચોમાસા પર તેમજ ભારતની ખેતી પર જોવા મળે છે. અલ નીનો અને લા નીના શબ્દનો સંદર્ભ પ્રશાંત મહાસાગરની સપાટીના તાપમાનમાં જોવા મળતા ફેરફાર સાથે છે. જેની અસર ભારત સહિત આખી દુનિયાની મોસમ પર પડે છે.
અલ નીનો
સ્પેનિશમાં અલ નિનોનો અર્થ નાનો છોકરો થાય છે. અલ નીનો દરમિયાન પેસિફિક મહાસાગરની સામાન્ય હવામાન પેટર્ન બદલાય છે. સામાન્ય રીતે પવનો પૂર્વથી પશ્ચિમ તરફ ફૂંકાય છે, જે ગરમ પાણીને પશ્ચિમ પેસિફિક મહાસાગર તરફ ધકેલે છે. જો કે, અલ નીનો દરમિયાન આ પવનો નબળા પડી જાય છે અને ગરમ પાણી મધ્ય અને પૂર્વી પેસિફિકમાં ફરી વળે છે.
જો સરળ ભાષામાં સમજીએ તો આ અસરને કારણે તાપમાન ખૂબ જ ગરમ થઈ જાય છે. આને કારણે પશ્ચિમ પેસિફિક ક્ષેત્રમાં હાજર ગરમ સપાટીનું પાણી વિષુવવૃત્ત સાથે પૂર્વ તરફ જવાનું શરૂ કરે છે, જે ભારતના હવામાનને અસર કરે છે. આવી સ્થિતિમાં દક્ષિણ એશિયા ક્ષેત્રમાં ભયંકર ગરમીનો સામનો કરવો પડે છે અને દુષ્કાળની સ્થિતિ સર્જાવા લાગે છે. ભારત આ ક્ષેત્રમાં છે, તેથી અલ નીનોની અસરને કારણે અહીં ગરમી વધે છે.
આ ફેરફાર સાથે, ઉત્તર અમેરિકા અને કેનેડાના વિસ્તારો સામાન્ય કરતાં વધુ સૂકા અને ગરમ બને છે. પરંતુ US, ગલ્ફ કોસ્ટ અને દક્ષિણ પૂર્વમાં આ સમયગાળા સામાન્ય કરતાં વધુ ભીના હોય છે અને વરસાદ વધુ પડે છે.
અલ નીનોની ભારત પર અસર
અલ નીનો દરમિયાન ભારત ગરમ તાપમાન અને ઓછા વરસાદનો સામનો કરે છે, જે કેટલાક વિસ્તારોમાં દુષ્કાળ તરફ પણ દોરી જાય છે. તો કૃષિ, જળ સંસાધનો અને ઇકોસિસ્ટમને અસર કરે છે. ગયા વર્ષે ભારતમાં એક સદી કરતાં પણ વધુ સમયનો સૌથી સૂકો ઓગસ્ટ હતો. કર્ણાટક અને મહારાષ્ટ્રના શેરડી પકવતા વિસ્તારોને ગયા વર્ષે દુષ્કાળ અને પાણીની અછતનો સામનો કરવો પડ્યો હતો. 2023માં અલ નીનોના કારણે સામાન્ય વરસાદ કરતાં 6 ટકા ઓછો વરસાદ પડ્યો હતો.
અલ નીનોની ભારતીય ખેડૂતો પર શું અસર થઈ ?
2023માં અલ નિનો ઘટનાની ભારતીય ખેડૂતો પર મોટી અસર થઈ હતી. ગયા વર્ષે અલ નીનો અસરના કારણે ભારતમાં અનિયમિત અને વિલંબિત વરસાદને કારણે દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ હતી, ખાસ કરીને મહારાષ્ટ્રમાં ચોખા, કઠોળ અને શેરડીના પાકને અસર થઈ હતી.
ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મેળવવા માટે સંઘર્ષ કરવો પડ્યો, જેના કારણે પાક ઉત્પાદનમાં ઘટાડો થયો. આની ભારતીય કૃષિ ક્ષેત્ર પર નોંધપાત્ર અસર પડી, જેના કારણે એકંદર ઉત્પાદનમાં ઘટાડો થયો અને ખાદ્યપદાર્થોના ભાવમાં સંભવિત વધારો થયો.
અલ નીનોની અસર 8થી 10 મહિના જોવા મળે છે, ગયા વર્ષે ડિસેમ્બરમાં અલ નીનોની અસર પીક પર જોવા મળી હતી. ત્યારે હવે મે મહિના સુધી અલ નીનોની અસર પુરી થઈ જશે અને લા નીના શરૂ થશે. ત્યારે એ પણ જાણી લઈએ કે લા નીનો શું છે અને તેની ભારતમાં કેવી અસર જોવા મળશે.
લા નીના
સ્પેનિશમાં લા નીનાનો અર્થ નાની છોકરી થાય છે. લા નીનાને કેટલીકવાર એલ વિએજો પણ કહેવામાં આવે છે. લા નીનાની અસર અલ નીનોથી વિપરીત છે. લા નીના ઘટના દરમિયાન વ્યાપારી પવનો સામાન્ય કરતાં વધુ મજબૂત હોય છે, જે એશિયા તરફ વધુ માત્રામાં ગરમ પાણીને ધકેલતા હોય છે.
પેસિફિક મહાસાગરનું આ ઠંડું પાણી જેટ સ્ટ્રીમને ઉત્તર તરફ ધકેલે છે. આના કારણે દક્ષિણ યુનાઇટેડ સ્ટેટ્સમાં દુષ્કાળ અને પેસિફિક નોર્થવેસ્ટ અને કેનેડામાં ભારે વરસાદ અને પૂર આવે છે. લા નીના વર્ષ દરમિયાન શિયાળાનું તાપમાન દક્ષિણમાં સામાન્ય કરતાં વધુ ગરમ અને ઉત્તરમાં સામાન્ય કરતાં ઠંડું હોય છે. લા નીના કારણે ભારતમાં ચોમાસું સારું રહે છે.
હવામાન વિભાગ અનુસાર, લા નીના એક આબોહવાની ઘટના છે, જેમાં પ્રશાંત મહાસાગરના પૂર્વ મધ્ય ભાગમાં દરિયાની સપાટીનું તાપમાન સામાન્ય કરતા ઓછું થઈ જાય છે. તેની અસર વૈશ્વિક હવાના પ્રવાહમાં ફેરફાર કરે છે અને ભારતીય ચોમાસા માટે અનુકૂળ વાતાવરણ બનાવે છે. લા નીનાના સમયગાળામાં સામાન્ય રીતે ભારતમાં સામાન્ય અથવા સામાન્ય કરતા વધારે વરસાદ જોવા મળે છે.
આ વર્ષે ભારતમાં લા નીનાની અસર જોવા મળશે
ગ્લોબલ વેધર એજન્સીના જણાવ્યા અનુસાર આ વર્ષે લા નીનાની અસરના કારણે ભારતમાં ચોમાસું સારું રહેશે. લા નીનાની વિવિધ અસરો દરિયાની સપાટીના તાપમાનને ઠંડુ કરે છે, જે ભારતના કેટલાક ભાગોમાં વરસાદને વધારે છે. જે ખેતી માટે પાણીનો પુરતો જથ્થો પુરો પાડે છે. જો કે, વધુ પડતો વરસાદ પડે તો પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે.
લા નીનો અસર દર 3થી 5 વર્ષે જોવા મળે છે. આ વર્ષે આ અસર જોવા મળવાની છે. જે જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિના દરમિયાન જોવા મળશે એટલે કે આ સમયગાળા દરમિયાન ગુજરાત સહિત ભારતમાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડવાની શક્યતા છે.
શું કહે છે હવામાન શાસ્ત્રીઓ ?
સ્કાયમેટ વેધરના જણાવ્યા અનુસાર, આ વખતે વસંતઋતુ ખૂબ જ ઓછા સમય માટે ચાલશે. તે વધુ ગરમ હશે અને લા નીના ઓગસ્ટની આસપાસ વિકસિત થવાની સંભાવના વ્યક્ત કરી છે. તેનાથી ચોમાસું લંબાશે અને વધુ વરસાદ પડશે. યુએસ નેશનલ ઓસેનિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશન (NOA) એ પણ આવી જ આગાહી કરી છે અને ઓગસ્ટથી સપ્ટેમ્બર અને ઓક્ટોબર દરમિયાન લા નીના વિકસિત થવાની સંભાવના વ્યક્ત કરી છે.
સામાન્ય કરતાં વધુ વરસાદ પડશે
આ વર્ષે ખેડૂતો માટે સારા સમાચાર છે. આ વર્ષે ચોમાસું સામાન્ય કરતાં સારું રહેવાની શક્યતા છે. એશિયા પેસિફિક ઈકોનોમિક કોઓપરેશન ક્લાઈમેટ સેન્ટરે આ વર્ષે જુલાઈથી સપ્ટેમ્બર સુધીના ચોમાસું કેવું રહેશે તેના વિશે જણાવ્યું છે કે, પૂર્વ આફ્રિકાથી લઈને અરબી સમુદ્ર, ભારત, બંગાળની ખાડી અને ઈન્ડોનેશિયાથી લઈને કેરેબિયન સમુદ્ર વિસ્તાર માટે સામાન્ય કરતાં વધુ વરસાદ પડવાની સંભાવના છે.