Parliament Monsoon Session : મણિપુર હિંસા પર બીજા દિવસે પણ ગૃહ ન ચાલ્યું, અનુરાગ ઠાકુરે કહ્યું- વિપક્ષો જવાબદારીથી ભાગી રહ્યા છે
વિપક્ષની માંગ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બોલે પછી મણિપુર હિંસા પર ચર્ચા કરવામાં આવે. વિપક્ષ દ્વારા આ માંગને લઈને સંસદના બંને ગૃહોમાં હોબાળો મચાવવામાં આવી રહ્યો છે, જેના કારણે સંસદની કાર્યવાહી વારંવાર સ્થગિત કરવામાં આવી રહી છે.

સંસદના ચોમાસુ સત્રનો આજે બીજો દિવસ છે, પરંતુ ગૃહની કાર્યવાહી યોગ્ય રીતે ચાલી રહી નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મણિપુર હિંસા પર પહેલા બોલવાની અને પછી જ ચર્ચા કરવાની માંગ પર અડગ રહેલા વિપક્ષ સતત ગૃહમાં પ્રદર્શન કરી રહ્યા છે. શુક્રવારે આ જ હંગામાને કારણે સંસદના નીચલા ગૃહ લોકસભાને 24 જુલાઈ સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે વિપક્ષના આ વલણ પર આકરા પ્રહારો કર્યા હતા.
વિપક્ષ પર પ્રહાર કરતા અનુરાગ ઠાકુરે કહ્યું કે, જો તમે સંસદના પાછલા સત્રો પર નજર નાખો તો આવા ઘણા ઉદાહરણો જોવા મળશે, જ્યારે વિપક્ષ કોઈને કોઈ બહાનું કાઢે છે, જેથી ગૃહની કાર્યવાહી ચાલી ન શકે. આ દરમિયાન ઠાકુરે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું નામ લીધા વગર તેમના પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે કેટલાક લોકોએ ગૃહના સભ્ય બનવાનું બંધ કરી દીધું છે, તેથી તેમનો હેતુ એ છે કે ગૃહ બિલકુલ ચાલવું જોઈએ નહીં. ઠાકુર કહે છે કે જ્યારે સરકાર ચર્ચા માટે તૈયાર હોય ત્યારે પણ વિપક્ષ ગૃહને ચાલવા દેતું નથી.
આ દરમિયાન અનુરાગ ઠાકુર વિપક્ષને પૂછે છે કે વિપક્ષ ચર્ચાથી કેમ ભાગી રહ્યો છે ? આ સાથે અનુરાગ ઠાકુર બીજો પ્રશ્ન ઉમેરે છે કે શું તેમના પોતાના નેતાઓ આ કારણે ગૃહના સભ્ય નથી કે તેમની ભાગીદારીથી પોતાની સરકારો ખુલ્લા પડી જાય છે ? વિપક્ષના આ વલણ પર ઠાકુર કહે છે કે જ્યારે દેશની જનતા સંસદ સત્રને આશા સાથે જુએ છે અને આ વિપક્ષી પાર્ટીઓ તેમને મુદ્દા ઉઠાવવા નથી દેતી, ચર્ચામાં ભાગ લેવા દેતી નથી ત્યારે તેમની ભૂમિકા ઉપર પણ સવાલ કરે છે.
પીએમ મોદી પહેલા જ કહી ચૂક્યા છે કે મણિપુરની ઘટના દુર્ભાગ્યપૂર્ણ
વર્તમાન સત્રમાં વિપક્ષ મણિપુરમાં હિંસા મુદ્દે સતત પ્રદર્શન કરી રહ્યો છે. જેના કારણે ગૃહની કાર્યવાહી સતત સ્થગિત કરવામાં આવી રહી છે. આ અંગે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર કહે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલા જ દિવસે કહ્યું હતું કે મણિપુરમાં જે થયું તે દુર્ભાગ્યપૂર્ણ છે અને તે જે પણ હોય તેની સામે કડક કાર્યવાહી થવી જોઈએ. મહિલાઓ પર થતા અત્યાચારો, બળાત્કારની ઘટનાઓએ તમામ 140 કરોડ દેશવાસીઓને શરમાવે છે. આવી ઘટનાઓ બંધ થવી જોઈએ. સરકારોએ યોગ્ય પગલાં લેવા જોઈએ.
વિપક્ષ પર પ્રહાર કરતા અનુરાગ ઠાકુર કહે છે કે, અમે સંવેદનશીલ, જવાબદાર છીએ અને ચર્ચામાં ભાગ લેવા માંગીએ છીએ, પરંતુ વિપક્ષ જવાબદારી અને ચર્ચાથી ભાગી રહ્યો છે. જાણવા મળે છે કે ચોમાસુ સત્ર 20 જુલાઈથી 11 ઓગસ્ટ સુધી ચાલવાનું છે. આ સમયગાળા દરમિયાન કુલ 17 બેઠકો થશે. તેમાંથી બે બેઠકો થઈ છે, જેમાં કોઈ કાર્યવાહી થઈ નથી.