અમિત શાહનું માથું કાપીને ટેબલ પર મૂકવું જોઈએ…મહુઆ મૌઈત્રાના બગડ્યા બોલ !
ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રાએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરી છે, જેમાં તેમણે કહ્યું છે કે ગૃહમંત્રીનું માથું કાપીને ટેબલ પર મૂકવું જોઈએ. આ નિવેદન પશ્ચિમ બંગાળમાં ગેરકાયદેસર ઘૂસણખોરી અંગે આપવામાં આવ્યું છે.

તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રાએ એક મીડિયાને આપેલા ઈન્ટવ્યૂમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિશે વાંધાજનક નિવેદન આપ્યું છે. નિવેદન આપતી વખતે તેમણે બધી હદો વટાવી દીધી અને કહ્યું કે ગૃહમંત્રીનું માથું કાપીને ટેબલ પર મૂકવું જોઈએ. મહુઆએ બંગાળમાં ગેરકાયદેસર ઘુસણખોરો સામેની કાર્યવાહી અંગે આ નિવેદન આપ્યું છે. પોતાના ભાષણમાં તેમણે દલીલ કરી હતી કે ગેરકાયદેસર ઘુસણખોરીની જવાબદારી સંપૂર્ણપણે કેન્દ્ર સરકાર અને તેની એજન્સીઓની છે.
આ શું બોલી ગઈ મહુઆ મોઈત્રા
મહુઆએ કહ્યું, ‘મારો તેમને સ્પષ્ટ પ્રશ્ન છે. તેઓ ફક્ત ઘુસણખોર… ઘુસણખોર… ઘુસણખોર કહી રહ્યા છે. આપણી સરહદનું રક્ષણ કરતી એજન્સી કેન્દ્રીય ગૃહ મંત્રાલય હેઠળ આવે છે. 15 ઓગસ્ટે લાલ કિલ્લા પરથી વડાપ્રધાને કહ્યું હતું કે ઘુસણખોરી થઈ રહી છે અને તેના કારણે વસ્તી વિષયક સ્થિતિ બદલાઈ રહી છે. જ્યારે વડાપ્રધાન આ કહી રહ્યા હતા, ત્યારે પહેલી હરોળમાં બેઠેલા ગૃહમંત્રી તેમની વાત સાંભળીને હસતા અને તાળીઓ પાડતા હતા.’
તેમણે કહ્યું, ‘જો ભારતની સરહદોનું રક્ષણ કરવા માટે કોઈ ન હોય તો?’ જો બીજા દેશોના લોકો દરરોજ સેંકડો, હજારો અને લાખોની સંખ્યામાં ઘૂસણખોરી કરી રહ્યા છે અને આપણી માતાઓ અને બહેનો પર નજર રાખી રહ્યા છે, આપણી જમીનો છીનવી રહ્યા છે, તો પહેલા તમારે અમિત શાહનું માથું કાપીને ટેબલ પર મૂકવું જોઈએ.’
મહુઆએ BSF પર પણ પ્રશ્નો ઉઠાવ્યા
આ વિવાદ એવા સમયે સામે આવ્યો છે જ્યારે મોદી સરકારે ભારતમાં રહેતા રોહિંગ્યા અને બાંગ્લાદેશના ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને દૂર કરવા માટે ‘ઓપરેશન પુશબેક’ શરૂ કર્યું છે. મહુઆ મોઇત્રાએ સરહદ સુરક્ષા દળ (BSF) પર પ્રશ્નો ઉઠાવ્યા. તેમણે કહ્યું કે BSF અહીં છે. BSF શું કરી રહ્યું છે? અમે (મૂળ નિવાસીઓ) BSFથી ડરીએ છીએ. અમને અહીં (બંગાળમાં) કોઈની ઘૂસણખોરી દેખાતી નથી. તેમની ટિપ્પણીઓ દર્શાવે છે કે સરહદ સુરક્ષામાં BSFની ભૂમિકા પશ્ચિમ બંગાળના સ્થાનિક લોકોની જમીની વાસ્તવિકતા સાથે મેળ ખાતી નથી.’
અમિત શાહે રાહુલ પર હુમલો કર્યો
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આસામની બે દિવસીય મુલાકાતે છે. તેમણે શુક્રવારે ગુવાહાટી રાજભવનના નવનિર્મિત બ્રહ્મપુત્ર એકમનું ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન તેમણે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે રાહુલ ગાંધીએ નકારાત્મક રાજકારણ શરૂ કર્યું છે. તેમણે ઘુસણખોર બચાવો યાત્રા શરૂ કરી છે. મતદાર યાદીમાં બેઠેલા ઘુસણખોરો ચૂંટણીને દૂષિત કરશે. જો રાહુલ ગાંધીમાં થોડી પણ શરમ બાકી હોય, તો તેમણે પીએમ મોદી અને દેશની માફી માંગવી જોઈએ.
