પહેલગામ આતંકી હુમલામાં શહીદ થયેલા લેફ્ટનન્ટની પત્નીનો અશ્લીલ વીડિયો બનાવ્યો, હરિયાણા પોલીસે બિહારમાંથી 2 ને ઝડપ્યા
હરિયાણા પોલીસે ગોપાલગંજથી મોહિબુલ હક અને ગુલામ જીલાનીની ધરપકડ કરી છે. આ બન્ને વ્યક્તિઓએ પહેલગામ આતંકી હુમલામાં શહીદ થયેલા લેફ્ટનન્ટ વિનય નરવાલની પત્નીનો AI થી અશ્લીલ વીડિયો બનાવીને યુટ્યુબ પર શેર કર્યો હતો.

પહેલગામ આતંકવાદી હુમલા બાદ, હરિયાણા પોલીસે બિહારના ગોપાલગંજથી બે યુવાનોની ધરપકડ કરી છે. તેમના નામ મોહિબુલ હક અને ગુલામ જીલાની છે. આ બંને આરોપીઓ ગોપાલગંજના માંઝા પોલીસ સ્ટેશન વિસ્તારના ધોબવાલિયા ગામના રહેવાસી છે. હરીયાણા પોલીસે બંનેને એક ગંભીર કેસમાં પકડ્યા છે. જેમાં આરોપીઓએ શહીદ લેફ્ટનન્ટ વિનય નરવાલની પત્નીનો નકલી અશ્લીલ વીડિયો બનાવીને યુટ્યુબ પર શેર કર્યો હતો.
મીડિયા રિપોર્ટ અનુસાર, હરિયાણાના કરનાલના રહેવાસી નૌકાદળના અધિકારી લેફ્ટનન્ટ વિનય નરવાલ, ગત 22 એપ્રિલ 2025 ના રોજ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં શહીદ થયા હતા. લેફ્ટનન્ટ વિનય નરવાલ તેમની પત્ની હિમાંશી સાથે હનીમૂન પર પહેલગામ ગયા હતા, ત્યારે આતંકવાદીઓએ તેમના પર હુમલો કર્યો હતો. આ આતંકવાદી હુમલામાં 26 હિન્દુ પ્રવાસી માર્યા ગયા હતા. વિનય સહીત અન્યોની શહાદતથી આખા દેશ હચમચી ગયો, પરંતુ આ દુ:ખદ ઘટના પછી, કેટલાક લોકોએ લેફ્ટનન્ટ વિનય નરવાલની પત્નીના નામે ખોટા કામો કરવાનું શરૂ કર્યું.
હરિયાણા પોલીસને માહિતી મળી હતી કે, મોહિબુલ હક અને ગુલામ જીલાનીએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નો ઉપયોગ કરીને હિમાંશી નરવાલનો અશ્લીલ વીડિયો બનાવ્યો છે. આ વીડિયો યુટ્યુબ પર અપલોડ કરીને વાયરલ કરવામાં આવ્યો હતો, જેનાથી શહીદના પરિવારની લાગણીઓને ખૂબ ઠેસ પહોંચી હતી. પોલીસે આ મામલાને ગંભીરતાથી લીધો અને ગોપાલગંજ પોલીસ સાથે મળીને ધોબવાલિયા ગામથી બંને આરોપીઓની ધરપકડ કરી. ધરપકડ બાદ, બંનેને હરિયાણા લઈ જવામાં આવ્યા, જ્યાં પૂછપરછ ચાલી રહી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓએ વીડિયો બનાવીને શહીદની પત્નીની છબીને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો એટલુ જ નહીં, પરંતુ સામાજિક તણાવ ફેલાવવાનો પણ પ્રયાસ કર્યો. આ કેસમાં IT એક્ટ અને અન્ય કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. હરિયાણા પોલીસ હવે આ બાબતમાં અન્ય કોઈ પણ સંડોવાયેલા છે કે કેમ તેની પણ તપાસ કરી રહી છે. વિનય નરવાલના પરિવારે આ ઘટના પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. અગાઉ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા નકલી વીડિયો સામે વાંધો ઉઠાવ્યો હતો. આ કાર્યવાહીથી પરિવારને થોડી રાહત મળી છે, પરંતુ તેઓ ઇચ્છે છે કે આવા ગુનાઓ સામે વધુ કડક પગલાં લેવામાં આવે.
દેશના વિભિન્ન પ્રાંતના સમાચાર જાણવા માટે આપ અમારા ટોપિક પર ક્લિક કરો.