અમદાવાદ વિમાન દુર્ઘટના પર ગૂગલે વ્યક્ત કર્યું દુઃખ, હોમ પેજમાં કર્યો મોટો ફેરફાર
અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટના બાદ વિશ્વભરના ઘણા મોટા નામોએ આ અકસ્માત પર દુ:ખ વ્યક્ત કર્યું છે. પીડિત પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરવામાં આવી છે. એવામાં ટેક કંપની ગૂગલે પણ આ દુ:ખદ ઘટના પર પોતાનું દુ:ખ વ્યક્ત કર્યું છે અને તેના હોમ પેજમાં એક મોટો ફેરફાર કર્યો છે.

એર ઇન્ડિયાનું બોઇંગ 787 ડ્રીમલાઇનર વિમાન AI-171 ગઈકાલે એટલે કે ગુરુવારે અમદાવાદમાં ક્રેશ થયું હતું. ટેકઓફ થયાના 2 મિનિટમાં જ વિમાન ક્રેશ થયું હતું, જેમાં અમદાવાદથી લંડન જઈ રહેલા ક્રૂ મેમ્બર સહિત 241 લોકોના દુઃખદ મોત થયા હતા. આ ઘટના બાદ દેશભરમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
વડાપ્રધાનથી લઈને ગૃહમંત્રી સુધી, બધાએ આ ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું હતું. યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ આ ઘટનામાં જીવ ગુમાવનારાઓના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. આ બધા વચ્ચે હવે ટેક જાયન્ટ કંપની ગૂગલે પણ અમદાવાદ વિમાન દુર્ઘટના પર પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે. કંપનીએ તેના હોમ પેજ પર ફેરફાર કર્યા છે. કંપનીએ શોકના ચિહ્ન તરીકે કાળી રિબન ઉમેરવામાં આવી છે.
શું ફેરફાર કર્યો?
કંપનીએ સર્ચ બારની નીચે એક કાળી રિબન મૂકી છે. જ્યારે તે રિબનની છબી ફેરવવામાં આવે છે, ત્યારે “દુ:ખદ વિમાન દુર્ઘટનાના ભોગ બનેલા લોકોની યાદમાં” એવો સંદેશ દેખાય છે. 242 મુસાફરો અને ક્રૂને લઈને લંડન જતું વિમાન ગુરુવારે ટેકઓફ થયા પછી તરત જ મેડિકલ કોલેજ કેમ્પસમાં ક્રેશ થયું અને આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું.
એર ઇન્ડિયાએ પુષ્ટિ આપી છે કે, AI171 વિમાનમાં સવાર 241 લોકોના અકસ્માતમાં મોત થયા છે. વિમાન ઘટનામાં ફક્ત એક વ્યક્તિ બચી ગયો છે અને હાલમાં તેની સારવાર ચાલી રહી છે. અમદાવાદ એરપોર્ટ નજીક ક્રેશ થયેલા વિમાનમાં 169 ભારતીયો ઉપરાંત, 53 બ્રિટિશ, એક કેનેડિયન અને સાત પોર્ટુગીઝ નાગરિકો સવાર હતા.
‘TATA’એ વળતરની જાહેરાત કરી
‘TATA’એ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા તમામ લોકોના પરિવારોને 1 કરોડ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. કંપનીએ આ અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું છે. જે પરિવારોએ પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમને 1 કરોડ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે.