બળજબરી ધર્માંતરણ ગંભીર મામલો, તેને રાજકીય મુદ્દો ન બનાવવા સુપ્રીમ કોર્ટની ટકોર
જસ્ટિસ એમઆર શાહ અને જસ્ટિસ સીટી રવિકુમારની બેન્ચે એટર્ની જનરલ આર વેંકટરામાણીને કહ્યું કે અમે એ જાણવા માગીએ છીએ કે ધર્માંતરણ બળજબરીથી થઈ રહ્યું છે કે લોભથી અને જો આવું થઈ રહ્યું હોય તો શું કરવું જોઈએ? અને તેને સુધારવા માટે શું કરવું જોઈએ. કેન્દ્રએ આ મામલે મદદ કરવી જોઈએ.
સુપ્રીમ કોર્ટનું માનવું છે કે ધર્મ પરિવર્તન એક ગંભીર મુદ્દો છે અને તેને રાજકીય રંગ આપવો જોઈએ નહીં. વાસ્તવમાં, સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે, જેમાં લાલચથી બળજબરીથી ધર્માંતરણ વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. આ અરજી પર સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે આ મામલે એટર્ની જનરલ આર વેંકટરામણી પાસેથી જવાબ માંગ્યો છે. અરજીમાં એવી માંગણી કરવામાં આવી છે કે ધાકધમકી, લાલચ કે વિવિધ લાભો આપીને ધર્મ પરિવર્તન પર પ્રતિબંધ મુકવો જોઈએ.
સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી હાથ ધરાઈ
જસ્ટિસ એમઆર શાહ અને જસ્ટિસ સીટી રવિકુમારની બેન્ચે એટર્ની જનરલ આર વેંકટરામાણીને કહ્યું કે અમે એ જાણવા માગીએ છીએ કે ધર્માંતરણ બળજબરીથી થઈ રહ્યું છે કે લોભથી અને જો આવું થઈ રહ્યું હોય તો શું કરવું જોઈએ? અને તેને સુધારવા માટે શું કરવું જોઈએ. કેન્દ્રએ આ મામલે મદદ કરવી જોઈએ.
ધર્માંતરણ મુદ્દાને રાજકીય મુદ્દો ન બનાવો-સુપ્રીમ કોર્ટ
તમિલનાડુ સરકાર તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ પી. વિલ્સને અરજીને રાજકીય રીતે પ્રેરિત ગણાવી હતી. તેમણે ભારપૂર્વક કહ્યું કે તમિલનાડુમાં આવા ધર્માંતરણનો કોઈ પ્રશ્ન જ નથી. તેના પર સુપ્રીમ કોર્ટની બેન્ચે વાંધો ઉઠાવ્યો અને કહ્યું કે “કોર્ટની સુનાવણીને અન્ય બાબતો તરફ વાળવાનો પ્રયાસ કરશો નહીં. અમને આખા દેશની ચિંતા છે કે જો તમારા રાજ્યમાં આવું થઈ રહ્યું છે તો તે ખરાબ છે અને જો તે નથી તો તે સારી બાબત છે. તેને કોઈ રાજ્યને લક્ષ્ય તરીકે ન જુઓ. તેને રાજકીય ન બનાવો.”
કડક પગલાં લેવા SCના આદેશ
તમને જણાવી દઈએ કે એડવોકેટ અશ્વિની કુમાર ઉપાધ્યાયે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકારોને છેતરપિંડી કે બળજબરીથી થતા ધર્મ પરિવર્તન સામે કડક પગલા ભરવાનો નિર્દેશ આપવાની માંગ કરવામાં આવી હતી. તાજેતરમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આ ગંભીર મુદ્દા પર કડક પગલાં લેવાનો આદેશ આપ્યો હતો, એમ કહીને કે બળજબરીથી ધર્મ પરિવર્તન દેશની સુરક્ષા માટે ખતરો છે. ગુજરાત સરકારે લગ્ન માટે ધર્મ પરિવર્તન પહેલા જિલ્લા મેજિસ્ટ્રેટની પરવાનગી ફરજિયાત બનાવતો કાયદો ઘડ્યો હતો. જો કે ગુજરાત હાઈકોર્ટે આ કાયદા પર સ્ટે આપ્યો હતો. ગુજરાત સરકારે સ્ટે હટાવવા માટે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. આ દરમિયાન ગુજરાત સરકારે કહ્યું હતું કે ધર્મની સ્વતંત્રતામાં ધર્મ પરિવર્તનનો અધિકાર સામેલ નથી.
અરજીમાં કહેવામાં આવ્યું છે કે બળજબરીથી ધર્મ પરિવર્તન સમગ્ર દેશની સમસ્યા છે અને તેના પર તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર છે. પિટિશનમાં જસ્ટિસ કમિશનને એક રિપોર્ટ અને બિલ તૈયાર કરવાની પણ માંગ કરવામાં આવી છે, જેમાં ધર્મ પરિવર્તનની ઘટનાઓને ધાકધમકી આપીને અથવા લાલચ આપીને નિયંત્રિત કરી શકાય. હવે સુપ્રીમ કોર્ટ આ મામલે 7મી ફેબ્રુઆરીએ સુનાવણી કરશે.