ચૂંટણી પંચે પ્રંશાત કિશોરને ફટકારી નોટીસ, બે રાજ્યોમાંથી કેમ છો મતદાર ? 3 દિવસમાં જણાવો
બિહારમાં વિધાનસભાની ચૂંટણી યોજાય તે પહેલા, જન સૂરજ પાર્ટીના સ્થાપક, પ્રશાંત કિશોરની મુશ્કેલીઓ વધી રહી છે. ચૂંટણી પંચે પ્રશાંત કિશોરને બે રાજ્યમાં મતદાર ઓળખ કાર્ડ રાખવા બદલ નોટિસ મોકલી છે. પંચે ત્રણ દિવસમાં જવાબ માંગ્યો છે.

બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા, જન સૂરજ પાર્ટીના સ્થાપક, પ્રશાંત કિશોરની ચૂંટણી પંચે મુશ્કેલી વઘારી દીધી છે. ચૂંટણી પંચે પ્રશાંત કિશોરને બે અલગ અલગ રાજયમાંથી બે મતદાર ઓળખ કાર્ડ રાખવા બદલ કારણદર્શક નોટિસ ફટકારી છે. ચૂંટણી પંચે નોટીસ મળ્યાંના ત્રણ દિવસમાં જવાબ માંગ્યો છે. માહિતી અનુસાર, પ્રશાંત કિશોરનું નામ બિહાર અને પશ્ચિમ બંગાળ બંને રાજ્યની મતદાર યાદીમાં છે.
અહેવાલો અનુસાર, સાસારામના રિટર્નિંગ ઓફિસરે, પ્રશાંત કિશોરને કારણદર્શક નોટિસ મોકલીને ત્રણ દિવસમાં જવાબ માંગ્યો છે. PK નો મતદાર ઓળખ નંબર IUJ1323718 છે, જે કરગહર વિધાનસભા મતવિસ્તાર હેઠળ આવેલ છે. તેમની પાસે EPIC IUI 0686683 ધરાવતું બીજું મતદાર ઓળખપત્ર પણ છે. તેઓ કોલકાતા પશ્ચિમ લોકસભા મતવિસ્તારમાં ભવાનીપુર વિધાનસભા બેઠકના મતદાર છે.
બે મતદાર ઓળખપત્ર રાખવા ગેરકાયદેસર
લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, 1950 ની કલમ 17 અને 18 મુજબ, કોઈ પણ વ્યક્તિ એક કરતાં વધુ મતદાર ઓળખપત્ર રાખી શકતી નથી. એક કરતાં વધુ મતદાર ઓળખપત્ર રાખવું અથવા એક કરતાં વધુ મતવિસ્તારમાં મતદાર ઓળખપત્ર રાખવું એ લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, 1950 ની કલમ 31 હેઠળ સજાપાત્ર ગુનો છે. બે મતદાર ઓળખપત્ર રાખવા પર કાનૂની કાર્યવાહી અને દંડ થઈ શકે છે. જો મતદાર ઓળખપત્ર અલગ અલગ મતદાર યાદીમાં મળી આવે, તો તેમને એક વર્ષ સુધીની જેલ, દંડ અથવા બંને થઈ શકે છે.
Bihar | Returning Officer, Kargahar Assembly Constituency writes to Jan Suraaj Founder Prashant Kishor
“According to a news item published on 28.10.2025, your name is registered in the electoral rolls of Bihar and West Bengal…. Therefore, you should present your side within… pic.twitter.com/BysJbbY62m
— ANI (@ANI) October 28, 2025
બિહારમાં 243 બેઠકો માટે બે તબક્કામાં મતદાન
બિહારમાં કુલ 243 બેઠકો માટે બે તબક્કામાં મતદાન થશે. પ્રથમ તબક્કામાં 121 બેઠકો માટે આગામી 6 નવેમ્બરે મતદાન થશે. બીજા તબક્કામાં 122 બેઠકો માટે આગામી 11 નવેમ્બરે મતદાન થશે. જ્યારે 14 નવેમ્બરે બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થશે. આ ચૂંટણીમાં 74.2 મિલિયન મતદારો નોંધાયેલા છે. જેમાંથી 39.2 મિલિયન પુરુષો અને 34.9 મિલિયન મહિલા મતદાર છે.
ચૂંટણીને લગતા તમામ મહત્વના સમાચાર જાણવા માટે તમે અહીંયા ક્લિક કરો.