CWCની બેઠકમાં દિગ્વિજય સિંહે કહ્યું-કોંગ્રેસ પક્ષમાં અનેક સ્લીપર સેલ છે, ખડગેએ તેમને ટોક્યા
કોંગ્રેસના વરિષ્ઠ રાષ્ટ્રીય નેતા દિગ્વિજય સિંહે સોશિયલ મીડિયા એક્સ પર, લાલકૃષ્ણ અડવાણી અને નરેન્દ્ર મોદીનો એક ફોટો શેર કરીને સંગઠન અંગે ભાજપ અને RSS પાસેથી શીખવાની વાત લખી છે.

કોંગ્રેસ પક્ષની CWCની બેઠક, ગઈકાલે શનિવારે નવી દિલ્હીમાં મળી હતી. આ બેઠક બાદ, મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહની મીડિયા અને સોશિયલ મીડિયામાં વ્યાપક ચર્ચા થઈ રહી છે. CWCની બેઠક અંગે એવા અહેવાલ સામે આવ્યા છે કે, દિગ્વિજય સિંહે બેઠક દરમિયાન કોંગ્રેસના સંગઠનમાં રહેલ ખામી ઉજાગર કરવા અંગેની વાત કરી હતી. સ્પષ્ટવક્તા તરીકે જાણીતા, દિગ્વિજય સિંહે પાર્ટી, બેઠકમાં હાઇકમાન્ડને સ્પષ્ટપણે કહ્યું હતું કે, આજે કોંગ્રેસ પક્ષમાં ઘણા સ્લીપર સેલ અસ્તિત્વમાં છે. તેમણે કહ્યું હતું કે તેમને ઓળખવા અને પક્ષના હિતમાં તેમની સામે કાર્યવાહી કરવી જરૂરી છે.
અગાઉ, દિગ્વિજય સિંહે, લાલકૃષ્ણ અડવાણી અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ભાજપ સાથે સંકળાયેલા એક કાર્યક્રમનો જૂનો ફોટો સોશિયલ મીડિયામાં શેર કરીને નવી ચર્ચા જગાવી હતી. તેમણે કોંગ્રેસ પક્ષને ભાજપ અને RSS પાસેથી સંગઠન બાબતે શીખવાની સલાહ આપી હતી.
જો કે અત્રે એ નોંધવું જરૂરી છે કે સંગઠન નિર્માણ કાર્યક્રમ હેઠળ દેશભરમાં જિલ્લા સ્તરે સંગઠનના પુનઃનિર્માણના પ્રયાસો વચ્ચે, કોંગ્રેસે મનરેગા પર રાષ્ટ્રવ્યાપી આંદોલનની રૂપરેખા આપવા માટે CWC બેઠક બોલાવી હતી.
‘સત્તાનું વિકેન્દ્રીકરણ જરૂરી’
સૂત્રોના જણાવ્યા અનુસાર, દિગ્વિજય સિંહે બેઠકમાં પાર્ટીની અંદર સત્તાના વિકેન્દ્રીકરણનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે સંગઠનની અંદર સત્તાનું વિકેન્દ્રીકરણ જરૂરી છે. સંગઠનાત્મક તાકાત અંગે કોંગ્રેસના નેતૃત્વને વરિષ્ઠ નેતાની સલાહને ગ્રાસરૂટ લેવલ પર કામ કરતા કાર્યકરોના અભાવ પર કટાક્ષપૂર્ણ ટિપ્પણી તરીકે જોવામાં આવી રહી છે. કોંગ્રેસ પાર્ટીમાં સમર્પિત કાર્યકરો અને સ્થાનિક નેતાઓના અભાવનો પ્રશ્ન લાંબા સમયથી ઉઠાવવામાં આવી રહ્યો છે.
કોંગ્રેસમાં સમર્થન મળ્યું ?
પક્ષની અંદર એક વર્ગ દિગ્વિજય સિંહને તેમના મૌનથી ટેકો આપી રહ્યો છે. દરમિયાન, પાર્ટીની અંદર બીજા એક જૂથે પણ દિગ્વિજય સિંહના આ નિવેદનને તેમના પુત્ર અને તેમના પોતાના ભવિષ્ય સાથે જોડી રહ્યો છે. દિગ્વિજય સિંહના પુત્ર, જયવર્ધન સિંહ, ધારાસભ્ય અને જિલ્લા પ્રમુખ છે. જોકે, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જીતુ પટવારી અને વિધાનસભા પક્ષના નેતા ઉમંગ સિગાર બંનેને દિગ્વિજય સિંહના વિરોધી માનવામાં આવે છે.
સૂત્રો એમ પણ કહે છે કે જ્યારે દિગ્વિજય સિંહ પોતાનો દ્રષ્ટિકોણ રજૂ કરી રહ્યા હતા, ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ તેમને ટકોર્યા હતા, અને તેમનું ભાષણ પૂરું કરવા કહ્યું. ખડગેએ કહ્યું કે તેઓ અન્ય નેતાઓના મંતવ્યો પણ સાંભળવા માંગે છે.

તેમણે X પોસ્ટ પર શું લખ્યું?
દિગ્વિજય સિંહે X પર એક ફોટો શેર કર્યો, જેમાં ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી તેમના પત્ની સાથે ખુરશી પર બેઠા છે. જ્યારે નરેન્દ્ર મોદી તેમની આગળની હરોળમાં નીચે બેઠેલા જણાય છે, સિંહે પોસ્ટ કર્યું, “મને Quora પર આ તસવીર મળી. તે ખૂબ જ પ્રભાવશાળી છે. કેવી રીતે એક ગ્રાસરૂટ RSS સ્વયંસેવક અને જન સંઘ- ભાજપના કાર્યકર, નેતાઓના પગ આગળ નીચે બેસીને રાજ્યના મુખ્યમંત્રી અને દેશના વડા પ્રધાન બન્યા, આ સંગઠનની શક્તિ છે. જય સિયારામ.”
દેશભરના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો