છત્તીસગઢ ચૂંટણી 2023: આવતીકાલે બીજા તબક્કામાં 70 સીટ પર થશે મતદાન, આ દિગ્ગજ નેતાઓ પર રહેશે નજર
આવતીકાલે છત્તીસગઢમાં બીજા તબક્કાનું મતદાન યોજાશે. જેમાં 70 સીટ પર મતદાન થશે. જેમાં ભાજપ-કોંગ્રેસ સહિત અન્ય પાર્ટીના મોટા નેતાઓ મતદાન કરશે. 2018 વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે આ 70 વિધાનસભા સીટમાંથી 51 પર જીત મેળવી હતી. ત્યારે ભારતીય જનતા પાર્ટી માત્ર 13 સીટ અને જનતા કોંગ્રેસ છત્તીસગઢ 4 અને બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર બે સીટ પર જીત્યા હતા.

છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી માટે બીજા તબક્કાનો પ્રચાર પડઘમ શાંત થઈ ગયુ છે. 7 નવેમ્બરે પ્રથમ તબક્કામાં 20 સીટ પર મતદાન થઈ ચૂક્યુ છે. આ દરમિયાન 78 ટકા મતદાન થયુ હતુ. હવે બીજા તબક્કામાં બાકીની 70 સીટ પર આવતીકાલે 17 નવેમ્બર, શુક્રવારે મતદાન થશે.
બીજા તબક્કામાં 958 ઉમેદવાર છે, જેમાં 827 પુરૂષ, 130 મહિલાઓ અને એક ટ્રાન્સજેન્ડર ઉમેદવારના ભવિષ્યનો નિર્ણય થશે. લગભગ 1 કરોડ 63 લાખ મતદાતા 7 નવેમ્બરે મતદાન કરશે, મતદાન માટે 18,833 મતદાન કેન્દ્ર બનાવવામાં આવ્યા છે.
કોંગ્રેસના મોટા ચહેરા
બીજા તબક્કામાં સૌથી મહત્વની પાટન સીટ પર મતદાન થવાનું છે. રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેશ બઘેલ પાટન સીટથી ઉમેદવાર છે. બઘેલ સિવાય વિધાનસભા અધ્યક્ષ ચરણદાસ મહંત, નાયબ મુખ્યપ્રધાન ટીએસ સિંહ દેવ, તામ્રધ્વજ સાહૂ અને રવિન્દ્ર ચૌબે સહિત રાજ્યના 8 મંત્રી કોંગ્રેસના મોટા ઉમેદવારોમાં સામેલ છે.
ભાજપના કદાવર નેતા
પૂર્વ મુખ્યપ્રધાન અને ભાજપના દિગ્ગજ નેતા રમન સિંહની રાજનંદગામ સીટનો નિર્ણય તો પ્રથમ તબક્કામાં જ થઈ ગયો હતો પણ બીજા તબક્કામાં પણ ભાજપના ઘણા દિગ્ગજ નેતા ચૂંટણીના મેદાનમાં છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ અરૂણ સાવ, નારાયણ ચંદેલ મેદાનમાં છે. આ સિવાય મંત્રી રેણુકા સિંહ, સાંસદ ગોમતી સાય પણ 17 નવેમ્બરની ચૂંટણી માટે ભાજપના મુખ્ય ઉમેદવારોમાંથી એક છે.
2018ની ચૂંટણીના પરિણામ
2018 વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે આ 70 વિધાનસભા સીટમાંથી 51 પર જીત મેળવી હતી. ત્યારે ભારતીય જનતા પાર્ટી માત્ર 13 સીટ અને જનતા કોંગ્રેસ છત્તીસગઢ 4 અને બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર બે સીટ પર જીત્યા હતા.
2018ની ચૂંટણીમાં કોંગ્રેસે રાજ્યની 90 વિધાનસભા સીટમાંથી 68 પર શાનદાર જીત મેળવી હતી. ભાજપ છેલ્લી ચૂંટણીમાં 15 સીટ પર સમેટાઈ ગઈ હતી, જ્યારે જનતા કોંગ્રેસ છત્તીસગઢને 5 અને બસપાને 2 ધારાસભ્યોથી સંતોષ માનવો પડ્યો હતો.
આ પણ વાંચો: વચન આપવામાં કંજૂસાઈ કેવી ? રાજસ્થાનમાં ચૂંટણી જીતવા ભાજપે આપ્યા અવનવા લોભામણા વચનો