સસ્પેન્ડેડ સાંસદોના મામલે કેન્દ્રની પહેલ, 5 રાજકીય પક્ષોની બેઠક બોલાવાઈ, વિપક્ષે કહ્યું- બેઠકમાં સામેલ નહીં થાય
સંસદના શિયાળુ સત્રના (Parliament Winter Session) પ્રથમ દિવસે જે 12 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા તેમાં કોંગ્રેસ, TMC, શિવસેના, CPI અને CPI(M)ના સાંસદોનો સમાવેશ થાય છે.
Centre Calls Meeting of Political Parties: સોમવારે કેન્દ્ર સરકારે પાંચ રાજકીય પક્ષોની બેઠક બોલાવી છે જેમના સાંસદોને રાજ્યસભામાંથી (Rajya Sabha) સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ત્યારથી આ સાંસદો સંસદ સંકુલમાં ગાંધી પ્રતિમા પાસે સતત ધરણા કરી રહ્યા છે. આ મુદ્દે વિપક્ષ અને સરકાર વચ્ચેની મડાગાંઠ પણ વધી ગઈ છે. સંસદના શિયાળુ સત્રના (Parliament Winter Session) પ્રથમ દિવસે જે 12 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા તેમાં કોંગ્રેસ, TMC, શિવસેના, CPI અને CPI(M)ના સાંસદોનો સમાવેશ થાય છે.
વિપક્ષે 12 રાજ્યસભા સભ્યોના સસ્પેન્શનના મુદ્દાને ઉકેલવા માટે સરકાર દ્વારા 5 પક્ષોના નેતાઓને મોકલવામાં આવેલા આમંત્રણને ફગાવી દીધું છે. સૂત્રોએ આ માહિતી આપી હતી. રાજ્યસભાના નેતા પીયૂષ ગોયલે સાંસદોના સસ્પેન્શનના મુદ્દા પર ચર્ચા કરવા અને ઉકેલવા માટે બેઠક બોલાવ્યા બાદ સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ સોમવારે સવારે 5 રાજકીય પક્ષોના નેતાઓને બેઠક માટે આમંત્રણ આપ્યું હતું.
4 કે 5 પક્ષ એ વિપક્ષ નથી વિપક્ષના સૂત્રોએ જણાવ્યું કે તેઓ સોમવારે સવારે રાજ્યસભાના નેતા પિયુષ ગોયલ દ્વારા બોલાવવામાં આવેલી બેઠકમાં ભાગ લેશે નહીં. સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર તરફથી કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ, શિવસેના અને સીપીઆઈ(એમ)ને આમંત્રણ મોકલવામાં આવ્યા છે. આ બેઠક સોમવારે સવારે 10 વાગ્યે બોલાવવામાં આવી છે. પરંતુ વિપક્ષનું કહેવું છે કે 4 કે 5 પાર્ટીઓ આખો વિપક્ષ નથી.
જોશીને લખેલા પત્રમાં રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે તે દુર્ભાગ્યપૂર્ણ છે કે સરકારે તમામ વિપક્ષી નેતાઓને બદલે માત્ર 4 થી 5 પક્ષોને આમંત્રણ આપ્યું છે.
ઓગસ્ટમાં આયોજિત છેલ્લા ચોમાસું સત્ર દરમિયાન ખરાબ વર્તન બદલ સાંસદોને સમગ્ર શિયાળુ સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ અગાઉ કહ્યું હતું કે જો તેઓ તેમની ભૂલ માટે માફી માંગે તો સરકાર તેમનું સસ્પેન્શન પાછું ખેંચવા તૈયાર છે. જ્યારે વિપક્ષી નેતાઓએ સરકારની માફી માંગવાની ઓફરને ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે તે માફી નહીં માંગે. વિપક્ષે સસ્પેન્શનને અયોગ્ય ગણાવ્યું છે.
આ પણ વાંચો : દેશમાં ઓમિક્રોનના 151 કેસ, AIIMSના ડિરેક્ટરે કહ્યું- પૂરી તૈયારી કરવી જોઈએ, બ્રિટન જેવી ખરાબ સ્થિતિ ન થવી જોઈએ
આ પણ વાંચો : રાહુલ ગાંધીના ‘હિન્દુ અને હિંદુત્વ’ના નિવેદનો પર પ્રિયંકાએ કહ્યું, બે શબ્દો વચ્ચેનો તફાવત કહેવાનો પ્રયાસ