Breaking News : આયુષ્માન યોજનામાં મોટો ફેરફાર! 112 બીમારીઓની સારવાર હવે સરકારી હોસ્પિટલમાં, ખાનગી હોસ્પિટલોમાં નહીં મળે સુવિધા
રાષ્ટ્રીય સ્વાસ્થ્ય પ્રાધિકરણ (NHA) દ્વારા આ અંગે રાજ્યોને સૂચના આપવામાં આવી છે. અત્યાર સુધીમાં 23 સારવાર પેકેજ સરકારી હોસ્પિટલો માટે અનામત રાખવામાં આવ્યા છે. હવે વધુ 89 પેકેજનો આ યાદીમાં સમાવેશ કરવાની તૈયારી છે.

આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PM-JAY) હેઠળ દર્દીઓને મળતી મફત સારવારની સુવિધામાં મોટો ફેરફાર થવાની શક્યતા છે. કેન્દ્ર સરકાર હવે 112 પ્રકારની બીમારીઓની સારવાર અને ઓપરેશનના પેકેજ માત્ર સરકારી હોસ્પિટલોમાં જ ઉપલબ્ધ કરાવવાની દિશામાં કામ કરી રહી છે. આ બીમારીઓની સારવાર માટે લાભાર્થીઓને ₹5 લાખ સુધીનું કવર મળે છે. જો આ નિર્ણયનો અમલ થશે તો સંબંધિત પેકેજ હેઠળ ખાનગી હોસ્પિટલોમાં મફત સારવારની સુવિધા બંધ થઈ શકે છે.
112 પ્રકારની બીમારીઓની સારવાર હવે સરકારી દવાખાનામાં
રાષ્ટ્રીય સ્વાસ્થ્ય પ્રાધિકરણ (NHA) દ્વારા આ અંગે રાજ્યોને સૂચના આપવામાં આવી છે. અત્યાર સુધીમાં 23 સારવાર પેકેજ સરકારી હોસ્પિટલો માટે અનામત રાખવામાં આવ્યા છે. હવે વધુ 89 પેકેજનો આ યાદીમાં સમાવેશ કરવાની તૈયારી છે. આ માટે રાજ્યોના સ્વાસ્થ્ય પ્રાધિકરણને 1 ડિસેમ્બર 2026 સુધીમાં જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરવા જણાવાયું છે.
જોકે, આ વ્યવસ્થા લાગુ કરવી કે નહીં તેનો અંતિમ નિર્ણય રાજ્યો લઈ શકશે. એટલે કે રાજ્ય સરકારો ઇચ્છે તો આ પેકેજ ખાનગી હોસ્પિટલોમાં પણ ચાલુ રાખી શકે છે.
1 ડિસેમ્બરથી નવી વ્યવસ્થા લાગુ કરવાની તૈયારી
રાષ્ટ્રીય સ્વાસ્થ્ય પ્રાધિકરણના ઉપસચિવ ડૉ. શૈલેશ દ્વારા તમામ રાજ્યોના સ્વાસ્થ્ય પ્રાધિકરણને પત્ર મોકલવામાં આવ્યો છે. તેમાં જણાવાયું છે કે સરકારી આરોગ્ય સંસ્થાઓ માટે અનામત રાખવામાં આવેલા પેકેજની નવી યાદી 1 ડિસેમ્બર 2026થી ટ્રાન્ઝેક્શન મેનેજમેન્ટ સિસ્ટમ (TMS)માં લાગુ કરવામાં આવશે.
દેશના કેટલાક રાજ્યોમાં આ વ્યવસ્થા અગાઉથી જ આંશિક રીતે અમલમાં છે. હવે તેને સમગ્ર દેશમાં એકસમાન બનાવવાની દિશામાં પ્રયાસ થઈ રહ્યા છે.
કઈ બીમારીઓની સારવાર સરકારી હોસ્પિટલોમાં જ થઈ શકે છે?
આ 112 પેકેજમાં સ્ત્રીરોગ, જનરલ સર્જરી, માનસિક રોગ, જનરલ મેડિસિન, હાડકાં સંબંધિત બીમારીઓ, કાન-નાક-ગળા અને આંખના રોગોનો સમાવેશ થાય છે.
તેમાં મુખ્યત્વે નીચેની સારવાર અને ઓપરેશન સામેલ છે:
- હાઈ રિસ્ક ડિલિવરી
- લિવરની બીમારી અને હેપેટાઇટિસ
- ગંભીર એનિમિયા
- પેનક્રિયાટાઇટિસ
- એક્યુટ બ્રોન્કાઇટિસ
- મેલેરિયા અને ચિકનગુનિયા
- ડાયેરિયા
- મૂડ ડિસઓર્ડર અને માનસિક તણાવ
- એન્ઝાયટી અને ADHD
- સિસ્ટ અને ફિસ્ટુલાની સારવાર
- બાયોપ્સી
- MTP (મેડિકલ ટર્મિનેશન ઑફ પ્રેગ્નન્સી)
- હિસ્ટરેક્ટોમી (ગર્ભાશય કાઢવાનું ઓપરેશન)
- મોતિયાનું ઓપરેશન
- ગ્લુકોમા સ્ક્રીનિંગ
- ફ્રેક્ચરની સારવાર
- ENT સંબંધિત સારવાર
સરકાર શા માટે કરી રહી છે આ ફેરફાર?
આ વ્યવસ્થાનો મુખ્ય હેતુ ખાનગી હોસ્પિટલો પાછળ થતા સરકારી ખર્ચને નિયંત્રિત કરવાનો અને સરકારી હોસ્પિટલોમાં સારવારની સુવિધાઓ વધારવાનો છે. સરકાર ઇચ્છે છે કે વધુને વધુ દર્દીઓને સરકારી આરોગ્ય સંસ્થાઓમાં જ સારવાર મળી શકે. જોકે, આ માટે સરકારી હોસ્પિટલોમાં પૂરતા ડૉક્ટરો, નિષ્ણાતો, ઓપરેશન થિયેટર અને જરૂરી મેડિકલ સાધનો ઉપલબ્ધ છે કે નહીં તેની તપાસ પણ કરવામાં આવી રહી છે.
ઉત્તરાખંડમાં રાજ્ય સ્વાસ્થ્ય પ્રાધિકરણે આ અંગે હોસ્પિટલોના અધિકારીઓ અને નિષ્ણાતો સાથે બેઠક યોજી છે. હોસ્પિટલોમાં કઈ સારવાર ઉપલબ્ધ છે અને કયા ઓપરેશન થઈ શકે છે તેની વિગતો પણ મંગાવવામાં આવી છે.
ગુજરાત સહિત અનેક રાજ્યોમાં અગાઉથી અમલ
આ પ્રકારની વ્યવસ્થા આંધ્રપ્રદેશ, ચંડીગઢ, છત્તીસગઢ, ગુજરાત, જમ્મુ-કાશ્મીર, કેરળ, કર્ણાટક, મેઘાલય, મણિપુર, મધ્યપ્રદેશ, મિઝોરમ, ઓડિશા, પંજાબ, રાજસ્થાન અને તમિલનાડુ સહિત અનેક રાજ્યોમાં આંશિક રીતે અમલમાં છે.
NHA દ્વારા રાજ્યોને સૂચના આપવામાં આવી છે કે જે રાજ્યો આ વ્યવસ્થામાં સામેલ થવા ઇચ્છે તેઓ પોતાની મંજૂરી આપી શકે છે.
દર્દીઓ માટે શું બદલાશે?
જો કોઈ રાજ્ય આ નવી વ્યવસ્થાને મંજૂરી આપશે તો સંબંધિત 112 સારવાર પેકેજ માટે લાભાર્થીઓએ સરકારી હોસ્પિટલનો જ વિકલ્પ પસંદ કરવો પડી શકે છે. જોકે, તમામ રાજ્યોમાં આ નિયમ ફરજિયાત રીતે લાગુ થશે એવું નથી. તેનો અમલ રાજ્યના નિર્ણય અને હોસ્પિટલોમાં ઉપલબ્ધ સુવિધાઓ પર નિર્ભર રહેશે. આથી આયુષ્માન કાર્ડ ધરાવતા લાભાર્થીઓએ પોતાના રાજ્યમાં કયા પેકેજ સરકારી હોસ્પિટલોમાં અનામત રાખવામાં આવ્યા છે તેની માહિતી મેળવવી જરૂરી રહેશે.
